×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

કુંભ મેળોઃ સંતોની છાવણીઓમાં કોરોના વિસ્ફોટનુ જોખમ, કોરોના પોઝિટિવ સંતોની સંખ્યા 40 થઈ

હરિદ્વાર,તા. 15 એપ્રિલ 2021, ગુરૂવાર

હરિદ્વારમાં ચાલી રહેલો કુંભ મેળો સુપર સ્પ્રેડર બની જાય તેવુ જોખમ તોળાઈ રહ્યુ છે. કારણકે અહીંયા રોજ પાંચ થી છ સંતો કોરોના પોઝિટિવ થઈ રહ્યા છે. અત્યાર સુધીમાં જેમને કોરોના થયો હોય તેવા સંતોની સંખ્યા 40 પર પહોંચી ગઈ છે.

કુંભના કારણે અલગ અલગ 13 અખાડાઓની છાવણીઓમાં દેશભરના હજારો સંતો રોકાયા છે. અહીંયા સંતોના દર્શન કરવા માટે પણ હજારો ભાવિકો રોજ આવી રહ્યા છે. આવા સંજોગોમાં કુંભનગરીમાં મોટા પાયે કોરોના વિસ્ફોટ થવાનો ડર છે. મહાકુંભમાં શાહી સ્નાન બાદ કોરોના સંક્રમિતોની સંખ્યા પણ ઝડપભેર વધી રહી છે.

સંતોના સતત દબાણના કારણે રાજ્ય સરકારે પહેલા તો ખુલ્લામાં છાવણીઓ નાંખવાની અને બાદમાં કથા આયોજનને પણ મંજુરી આપી હતી. સંતોની કોઈ છાવણી કોરોના સંક્રમણમાંથી બાકાત નથી. સૌથી વધારે સંક્રમણ પંચદશનામ જુના અખાડા અને પંચાયતી અખાડા તેમજ શ્રી નિરંજન અખાડામાં છે. જો સંક્રમણ મોટા પાયે ફેલાયુ તો હાલાત બદતર બની શકે છે.

સ્વાસ્થ્ય વિભાગ કુંભ મેળા વિસ્તાર તેમજ રાજ્યની બોર્ડર પર ટેસ્ટિંગ કરી રહ્યુ છે પણ અખાડાઓમાં કોરોના ટેસ્ટ થઈ રહ્યા નથી. જે પણ સંત કોરોના પોઝિટિવ મળ્યા છે તેઓ સામે ચાલીને ટેસ્ટ કરાવવા માટે આવ્યા હતા. શાહી સ્નાનના પગલે સંતોની કોવિડ તપાસ નથી થઈ રહી તેવુ સરકારનુ કહેવુ છે પણ 17 એપ્રિલથી અખાડાઓમાં રેન્ડમ સેમ્પલ લેવાનુ શરુ કરાશે.