×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

CBSE ધો. 10ની બોર્ડ પરીક્ષા રદ, 12ની પરીક્ષા જુન સુધી મોકુફ


- વિદ્યાર્થી-વાલીઓને રાહત પરંતુ સાથે ચિંતા પણ વધી

- ધો. 10ના વિદ્યાર્થીઓનું રિઝલ્ટ ઓબ્જેક્ટિવ ક્રાઈટેરિયાના આધારે તૈયાર થશે, જેના નિયમો CBSE અલગથી જાહેર કરશે 

અમદાવાદ : દેશમાં કોરોનાની સ્થિતિ ખૂબ જ વણસી જતા અને હવે સરકાર માટે પણ સ્થિતિ કાબુ બહાર જતી હોવાથી કેન્દ્ર સરકારે અંતે મેમાં લેવાનારી ધો.૧૦-૧૨ની સેન્ટ્રલ બોર્ડની પરીક્ષાઓ અંતર્ગત ધો.૧૦ની પરીક્ષા રદ કરી દીધી છે અને ધો.૧૨ પરીક્ષા જુન સુધી મુલતવી રાખી દીધી છે. કોરોનાના અતિસંક્રમણ વચ્ચે પરીક્ષાઓ હવે ન લેવાનાર હોવાથી વિદ્યાર્થીઓ-વાલીઓને રાહત થઈ છે પરંતુ પરીક્ષાઓ પાછી ઠેલાતા ખાસ કરીને ધો.૧૨ના વિદ્યાર્થીઓ-વાલીઓમાં ચિંતા પણ વધી છે કારણકે ફરી એકવાર પરીક્ષા મોડી થશે અને ક્યારે થશે તે નક્કી નથી જેથી આખુ વર્ષ મહેનત કરતા વિદ્યાર્થીઓને હવે પરીક્ષા અને પરિણામ સાથે ઈજનેરી-મેડિકલ સહિતના પ્રોફેશનલ કોર્સીસના પ્રવેશને લઈને ચિંતા થઈ છે.

ભારતમાં કોરોનાની બીજી લહેર પહેલી લહેર કરતા પણ ઘણી ખતરનાક છે અને સૌથી ખતરનાક અસર મહારાષ્ટ્રમાં છે જ્યાં રોજના ૫૦થી૬૦ હજાર કેસ નોંધાઈ રહ્યા છે. દિવસેને દિવસે કેસ વધી જ રહ્યા છે અને હવે દિલ્હી, ગુજરાત,મધ્ય પ્રદેશ અને  રાજસ્થાન સહિતના ઘણા રાજ્યોમાં કોરોનાની સ્થિતિ કાબુ બહાર જઈ રહી છે.કોરોનાની આ ગંભીર સ્થિતિમાં બોર્ડ પરીક્ષાઓ મોટી ચિંતાનો વિષય બન્યો હતો ત્યારે થોડા દિવસ પહેલા કોંગ્રેસના રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીએ કેન્દ્ર સરકારને સીબીએસઈ બોર્ડ પરીક્ષાઓ બાબતે ફેર વિચારણા કરવા રજૂઆત કરી હતી તો ગઈકાલે દિલ્હી સરકારે પણ કેન્દ્ર સરકારને બોર્ડ પરીક્ષાઓ મોકુફ કરવા માંગ કરી હતી.

કોરોનાની સ્થિતિ દિવસને દિવસે વધુ ખરાબ થવા સાથે આગળ પણ હજુ થોડા દિવસો સુધરે તેમ ન હોઈ અંતે કેન્દ્ર સરકારે આજે સીબીએસઈની બોર્ડ પરીક્ષાઓ બાબતે મોટી જાહેરાત કરતા ધો.૧૦ની પરીક્ષા રદ કરી દીધી છે .જ્યારે ધો.૧૨ની પરીક્ષા જુન સુધી મોકુફ કરી દીધી છે. કોરોનાને પગલે આ વર્ષે  સીબીએસઈની તેમજ અનેક સ્ટેટ બોર્ડની ધો.૧૦-૧૨ની પરીક્ષાઓ એપ્રિલ અંતથી લઈને મે અંત સુધી લેવાઈ રહી છે. 

સીબીએસઈ દ્વારા ૪મેથી પરીક્ષાઓ શરૂ થનાર હતી  અને જે જુન મધ્ય સુધી ચાલનાર હતી. કેન્દ્રીય શિક્ષણ મંત્રી રમેશ પોખરિયાલ નિશંક દ્વારા ધો.૧૦-૧૨ની પરીક્ષાઓ બાબતે સત્તાવાર જાહેરાત કરવામા આવી હતી અને જણાવવામા આવ્યુ હતુ કે ધો.૧૦ની પરીક્ષાઓ હવે નહી લેવામા આવે. ધો.૧૦ના લગભગ ૨૧ લાખથી વધુ વિદ્યાર્થીઓનું પરિણામ હવે ઓબ્જેક્ટિવ ક્રાઈટેરિયાના આધારે તૈયાર થશે.જે માટે સીબીએસઈ દ્વારા થોડા દિવસમાં અલગથી ક્રાઈટેરિયા અને રીઝલ્ટ પેર્ટન તૈયાર કરી જાહેર કરવામા આવશે.

કેન્દ્ર સરકારે આ સાથે એ પણ જાહેરાત કરી છે કે ધો.૧૨ (સાયન્સ, કોમર્સ,આર્ટસ)ની પરીક્ષા હાલ મુલતવી રાખવામા આવે છે અને જે લેવી કે નહી અને કઈ રીતે લેવી તે બાબતે ૧લી જુને ત્યારની કોરોનાની સ્થિતિને આધારે નિર્ણય કરાશે.જો કે ધો.૧૨ના પરિણામના આધારે ઈજનેરી,મેડિકલ સહિતના પ્રોફેશનલ અભ્યાસક્રમોમાં પ્રવેશ થતો હોવાથી પરીક્ષાઓ કેન્સલ થઈ શકે તેમ નથી પરંતુ કોંગ્રેસના પ્રિયંકા ગાંધીએ ૧૨ની પરીક્ષાઓ બાબતે પણ  વિદ્યાર્થીઓ-વાલીઓને ચિંતા મુક્ત કરવા કેન્દ્ર સરકારને રજૂઆત કરી છે.

ધો.10નું પરિણામ કઈ રીતે તૈયાર થશે 

સેન્ટ્રલ બોર્ડ દ્વારા કોરોનાને લીધે ધો.૧૦ની પરીક્ષા રદ કરી દેવાઈ છે ત્યારે ધો.૧૦ના લાખો વિદ્યાર્થીઓનું પરિણામ હવે એક ચોક્કસ પેટર્નના આધારે થશે. થોડા વર્ષ પહેલા પણ સીબીએસઈ દ્વારા આ રીતે પરિણામ તૈયાર કરવા સૂચનાઓ અપાઈ હતી.ગત વર્ષે પણ કોરોનાને લીધે ધો.૧૦ના ઘણા વિષયોની પરીક્ષા લેવાઈ શકી ન હતી જેથી આગળની પરીક્ષાના પરિણામના આધારે રીઝલ્ટ તૈયાર થયુ હતુ.હવે આ વર્ષે ધો.૧૦ના તમામ વિષયોની પરીક્ષાનું પરિણામ સતત અને સર્વગ્રાહી મુલ્યાંંકન પદ્ધતિના આધારે તૈયાર થઈ શકે છે.જેમાં સ્કૂલોએ વિદ્યાર્થીઓની શરૂઆત જે પીરિયોડિકલ એક્ઝામ્સલીધી હોઈઅને એસાઈમેન્ટ -પ્રોજેક્ટ તૈયાર કરાવ્યા હોય તેના મુલ્યાંકનના આધારે પરિણામ તૈયાર  કરવા સ્કૂલોને સૂચના અપાઈ શકે છે.

દેશમાં અનેક રાજ્યોએ ધો.10-12ની બોર્ડ પરીક્ષા મોકુફ કરી છે 

દેશના ઘણા રાજ્યોએ પોતાની સ્ટેટ બોર્ડની પરીક્ષાઓ પાછી ઠેલી છે.સીબીએસઈ દ્વારા તો ધો.૧૦ની પરીક્ષા કેન્સલ કરી દેવાઈ છે પરંતુ મોટા ભાગના રાજ્યોએ પરીક્ષા કેન્સલ કરી નથી હાલ મોકુફ જ કરી છે અને ટાઈમ ટેબલમા ફેરફાર કર્યા છે. દેશમાં કોરોનાની સૌથી વધુ ખરાબ સ્થિતિ મહારાષ્ટ્રમાં છે ત્યારે મહારાષ્ટ્ર દ્વારા ધો.૧૦-૧૨ની બોર્ડ પરીક્ષા જુન સુધી મોકુફ કરી દેવાઈ છે.આ ઉપરાંત રાજસ્થાન સરકારે પણ આજે ૧૦-૧૨ની બોર્ડ પરીક્ષાઓ સ્થગિત કરવાની જાહેરાત કરી છે.આ ઉપરાંત ઉત્તર પ્રદેશ દ્વારા સ્ટેટ બોર્ડની પરીક્ષાઓ ૨૪મી એપ્રિલથી શરૂ કરવાને બદલે ૮મે સુધી મોકુફ કરી દેવાઈ છે. અન્ય રાજ્યોમાં હિમાચલ પ્રદેશ, છત્તિસગઢ, પંજાબ અને મધ્યપ્રદેશ દ્વારા પણ બોર્ડની પરીક્ષાઓ પાછી ઠેલવામા આવી છે.જ્યારે તમિલનાડુ સરકારે ધો.૧૦ની પરીક્ષા રદ કરી છે.મહત્વનું છે કે મોટા ભાગના રાજ્યોએ હાલ ધો.૧૦-૧૨ની પરીક્ષા રદ કરી નથી.માત્ર પાછી ઠેલી છે. કોરોનાની સ્થિતિ સુધર્યા બાદ પરીક્ષાઓ લેવાઈ પણ શકે છે.

આઈસીએસઈ દ્વારા પરીક્ષા અંગે હવે નિર્ણય 

સીબીએસઈની જેમ દેશમાં અન્ય બોર્ડ આઈસીએસઈ પણ છે.કાઉન્સિલ ફોર ધ ઈન્ડિયન સ્કૂલ સર્ટિફિકેટ એક્ઝામિનેશન દ્વારા પણ દર વર્ષે ફેબુ્રૂ-માર્ચમાં ધો.૧૦-૧૨ની પરીક્ષા લેવામા આવે છે.દેશમાં આવેલી આઈસીએસઈ સ્કૂલોના વિદ્યાર્થીઓ માટે ધો.૧૦-૧૨ની પરીક્ષાનો નિર્ણય હજુ લેવાયો નથી.આઈસીએસઈ દ્વારા આ બાબતે કોરોનાની સ્થિતિની સમીક્ષા કરી થોડા દિવસમા નિર્ણય લેવાશે. ધો.૧૦ની પરીક્ષા ૫મીથી શરૂ થનાર છે.જો કે આઈસીએસઈમાં વિદ્યાર્થીઓની સંખ્યા ઘણી ઓછી હોય છે.