×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

રેમેડીસીવીર ઇન્જેક્શન મુદ્દે અફવા બજાર ગરમ, ગેરી કમ્પાઉન્ડમાં ઇન્જેક્શન મળતા હોવાની અફવાના પગલે લોકોની પડાપડી

વડોદરા,તા. 12 એપ્રિલ 2021, સોમવાર

વડોદરા શહેરના ઈલોરાપાર્ક વિસ્તારના ગેરી કંમ્પાઉન્ડ ખાતેથી રેમેડીસીવીર ઇન્જેક્શન નજીવી કિંમતે ફાળવાતા હોવાની વાત વાયુવેગે પ્રસરતા મોટી સંખ્યામાં દર્દીના સગા સંબંધીઓ ઇન્જેક્શન મેળવવા પહોંચ્યા હતા.

તાજેતરમાં કોવિડ પોઝિટિવ દર્દીની સારવાર દરમ્યાન  રામબાણ સમાન રેમેડીસીવીર ઇન્જેક્શન ની ભારે અછત સર્જાઈ છે .ત્યારે તંત્ર દ્વારા ઇલોરા પાર્ક ગેરી કંમ્પાઉન્ડ ખાતે આવેલી ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડની કચેરી ખાતેથી વિવિધ હોસ્પિટલોને જરૂરિયાત અનુસાર રેમેડીસીવીર ઇન્જેક્શનની ફાળવણી કરવાનું આયોજન હાથ ધરાયું છે. તો બીજી તરફ ગેરી કમ્પાઉન્ડમાંથી દર્દીઓ માટે રેમેડીસીવીર ઇન્જેક્શન અપાતા  હોવાની અફવા ચકડોળે ચડતા મોટી સંખ્યામાં દર્દીના સગા સંબંધીઓ સ્થળ પર ઉમટી પડ્યા હતા. અને રેમેડીસીવીર ઇન્જેક્શન મેળવવા લાઇનો લગાવી હતી.

જોકે આ સ્થળેથી ઇન્જેક્શન માત્ર હોસ્પિટલોને પહોંચાડવાના  હોવાની જાણ અધિકારીઓએ કરતા ઇન્જેક્શન લેવા માટે  પહોંચેલા વ્યક્તિઓમાં નારાજગી જોવા મળી હતી અને તંત્ર વિરુદ્ધ આક્રોશ દર્શાવ્યો હતો.

કોરોના મહામારી વચ્ચે કોવિડ પોઝિટિવ દર્દી અને તેમના સગા સંબંધીઓને પડતી હાલાકી તથા ઇન્જેક્શન ની અછત મુદ્દે કોંગ્રેસ દ્વારા કલેકટરને આવેદનપત્ર પાઠવી ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી

વડોદરા શહેર કોંગ્રેસ પ્રમુખ પ્રશાંત પટેલે જણાવ્યું હતું કે લોકોની વેદનાને વાચા આપવા આજે કોંગ્રેસ પરિવાર એકત્ર થયું છે અને રેમડીસીવીર ઇન્જેકશનની કાળા બજારી સહિતના મુદ્દે કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું છે.

તાજેતરમાં લોકો રેમેડીસીવીર ઇન્જેક્શન મુદ્દે ભારે હાલાકી ભોગવી રહ્યા છે. તંત્ર કોરોના ના આંકડા ખોટા જાહેર કરી રહ્યું છે. બેડ ,વેન્ટિલેટર અને ઓક્સિજન નો અભાવ જોવા મળી રહ્યો છે લોકોને બચાવવા કરતાં સત્તાધીશો વાહ-વાહી મેળવવામાં વ્યસ્ત છે. લોકોને પડતી અગવડતા મામલે સરકાર ચૂપ કેમ છે.  કોર્પોરેશન દ્વારા ખાનગી સ્થળોની જગ્યાએ સરકારી સ્થળોએ કોવિડ સેન્ટર ઉભા કરવા જોઈએ.

વડોદરા શહેર કોંગ્રેસ પ્રમુખ જણાવ્યું હતું કે હાઈકોર્ટે સરકાર સામે સુઓમોટો કેસ ફાઈલ કર્યો છે તે જોતા સરકારની નિષ્ફળતા સાબિત થાય છે. કોરોના મહામારીમાં દર્દી તથા સંબંધીઓ તમામ સેવા માટે લાઈનમાં ઉભા રહે છે. લોકોને પુરી સુવિધા ના આપી શકતા હોય તો સર્વદલિય બેઠક બોલાવી ચોક્કસ રણનીતિ નક્કી કરવી જોઈએ.

જ્યારે આ મુદ્દે પૂર્વ વિપક્ષી નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે એક તરફ લોકો હાલાકી ભોગવી રહ્યા છે અને બીજી તરફ સરકાર ટીકા ઉત્સવની વાત કરે છે લોકો પોતાના પરિવારજનોને બચાવવા માટે રેમેડીસીવીર ઇન્જેક્શન માટે ધક્કા ખાઇ રહ્યા છે અને સત્તાધારી પક્ષના અગ્રણીઓ ભાજપનો ખેસ પહેરી કાર્યક્રમો કરી વાહવાહી મેળવી રહ્યા છે. લોકોને ઇન્જેક્શન મળી નથી રહ્યા ત્યારે ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ સી.આર.પાટીલ ને કેવી રીતે મળ્યા તે અંગે તપાસ થવી જોઇએ.