×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

ભારતમાં કોરોનાના કેસોમાં અવિરત વધારો : નવા 1.68 લાખ કેસ


- કોરોના કુલ કેસ મામલે ભારતે બ્રાઝિલને પાછળ રાખ્યું

- અમેરિકા 3.11 કરોડ કેસ સાથે પ્રથમ, ભારત 1.35 કરોડ સાથે બીજા અને બ્રાઝિલ 1.34 કરોડ સાથે ત્રીજા ક્રમે

- સુપ્રીમમાં 44 સ્ટાફને કોરોના થતાં સુનાવણી એક કલાક મોડી શરૂ કરાશે

- 24 કલાકમાં 904ના મોત સાથે કુલ મૃત્યુઆંક 1.70 લાખને પાર, એક્ટિવ કેસ 12 લાખને પાર 

નવી દિલ્હી : ભારતમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના નવા ૧.૬૮ લાખ કેસ સામે આવ્યા હતા. અને ૯૦૪ લોકોના મોત નિપજ્યા હતા. જેને પગલે કુલ કેસોનો આંકડો ૧.૩૫ લાખને પાર પહોંચી ગયો છે. આ સાથે જ વિશ્વમાં કોરોનાના સૌથી વધુ કેસો ધરાવતા દેશોમાં ભારત હવે બીજા ક્રમે પહોંચી ગયો છે જ્યારે પ્રથમ ક્રમે હજુ પણ અમેરિકા જ છે. કોરોના જ્યારે નબળો પડયો ત્યારે ભારતમાં કેસ ઘટયા હતા પરીણામે તે ત્રીજા અને ચોથા ક્રમે પહોંચી ગયો હતો અને બ્રાઝિલ બીજા ક્રમે હતુ પણ હવે ભારત ફરી બીજા ક્રમે આવી ગયો છે.

જોન્સ હોપકિંસ યુનિવર્સિટી (જેએચયુ)ના ડેટામાં જણાવવામાં આવ્યું છે કે બ્રાઝિલમાં કોરોનાના કુલ ૧.૩૪ કરોડ છે જ્યારે ભારતના ૧.૩૫ કરોડ, તે દ્રષ્ટીએ ભારત હાલ બ્રાઝિલ કરતા આગળ નીકળી ગયું છે. તેવી જ રીતે અમેરિકાના કુલ કેસ ૩.૧૧ કરોડ છે તેથી તે વિશ્વમાં પ્રથમ ક્રમે છે. જ્યારે વિશ્વમાં કોરોનાના કુલ કેસો હાલ ૧૩.૬૧ કરોડને પાર પહોંચી ગયા છે. ભારતમાં સતત ૩૩ દિવસથી કોરોનાના એક્ટિવ કેસો વધી રહ્યા છે. હાલ ભારતમાં એક્ટિવ કેસોનો આંકડો ૧૨ લાખને પાર પહોંચી ગયો છે જે અત્યાર સુધીનો સૌથી વધુ છે. 

ભારતમાં રીકવરી રેટ હવે ઘટીને ૮૯.૮૬એ પહોંચી ગયો છે જે અગાઉ ૯૮ ટકાએ હતો, એટલે કે બહુ જ ઓછા સમયમાં ૧૦ ટકાને ઘટાડો થઇ ગયો છે. છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના ૧૧.૮૦ લાખ સેંપલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. જે સાથે જ કુલ ટેસ્ટનો આંકડો ૨૫.૭૮ કરોડને પાર પહોંચી ગયો છે. કુલ મૃત્યુઆંક પણ હવે વધીને ૧.૭૦ લાખે પહોંચી ગયો છે. જેમાં મહારાષ્ટ્ર પ્રથમ, તમિલનાડુ બીજા અને કર્ણાટકા ત્રીજા ક્રમે છે.

મધ્ય પ્રદેશમાં હોસ્પિટલોમાં હવે કોરોનાના દર્દીઓને લઇને સુધારા કરાઇ રહ્યા છે, એમપીમાં ખાનગી હોસ્પિટલોમાં દર્દીઓની સારવાર માટે સરકાર ખર્ચ ઉઠાવવા જઇ રહી છે. સાથે જ આગામી બે ત્રણ દિવસમાં દરેક જરુરિયાત વાળા વ્યક્તિને રેમડેસિવિર ઇંજેક્શન મળી રહે તે પ્રકારની વ્યવસ્થા કરવામાં આવશે. 

હાલ કોરોના હોસ્પિટલોથી લઇને કોર્ટ સુધી પહોંચી ગયો છે. સુપ્રીમ કોર્ટમાં પણ ૪૪ સ્ટાફ મેમ્બર્સનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જેને પગલે નિયમિત સમય કરતા સુપ્રીમ કોર્ટમાં બેંચો સુનાવણી માટે એક કલાક મોડી બેસશે. સવારમા સુપ્રીમ કોર્ટની કામગીરી એક કલાક મોડી શરૂ કરવામાં આવશે, આ ફેરફારનો અમલ સોમવારથી કરવામાં આવ્યો છે.

સ્ટાફના ૪૪ સભ્યોને કોરોના થતા આ નિર્ણય લેવો પડયો છે. જમ્મુ કાશ્મીરના પૂર્વ મુખ્ય મંત્રી મેહબૂબા મુફ્તીના પુત્રી ઇલ્તિજાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે અને તેને હાલ આઇસોલેટ કરાયા છે.