×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

બંગાળ ઈલેક્શનઃ કૂચબિહારમાં 4 લોકોના મોત બાદ ECએ સિતાલકુચી ખાતે અટકાવ્યું વોટિંગ


- સિતાલકુચી ખાતે મતદાન ક્ષેત્રનું ચક્કર મારવા આવેલી ક્વિક રિસ્પોન્સ ટીમ પર ઉપદ્રવીઓએ કથિત રીતે હુમલો કરી દીધો હતો

નવી દિલ્હી, તા. 10 એપ્રિલ, 2021, શનિવાર

પશ્ચિમ બંગાળમાં શનિવાર સવારથી જ વિધાનસભા ચૂંટણીના ચોથા તબક્કાનું મતદાન ચાલુ છે. રાજ્યના 5 જિલ્લાના 44 વિધાનસભા ક્ષેત્રના મતદારો વિધાનસભામાં પોતાનો પ્રતિનિધિ ચૂંટવા માટે મતદાન કરી રહ્યા છે. મતદાનને લઈ સુરક્ષાની સઘન વ્યવસ્થાઓ કરવામાં આવી છે અને પોલિંગ બૂથ પર રાજ્ય પોલીસની સાથે જ કેન્દ્રીય દળોને પણ તૈનાત કરવામાં આવ્યા છે. 

રાજ્યમાં પૂરજોશમાં ચાલી રહેલા મતદાન વચ્ચે ચૂંટણી પંચે સિતાલકુચીના બૂથ નંબર 125 ખાતે મતદાન સ્થગિત કરવા આદેશ આપ્યો છે અને સાંજે 5:00 કલાક સુધીમાં વિસ્તૃત રિપોર્ટની માંગણી કરી છે. કૂચબિહાર ખાતે થયેલી હિંસા બાદ ચૂંટણી પંચે મતદાન અટકાવવાનો નિર્ણય લીધો હતો. 

પશ્ચિમ બંગાળમાં શનિવારે ચોથા તબક્કાના મતદાન વચ્ચે અનેક સ્થળે હિંસક અથડામણ થઈ હોવાના સમાચાર સામે આવ્યા છે. કૂચબિહારના સિતાલકુચી ખાતે ભાજપ અને તૃણમૂલ કોંગ્રેસના કાર્યકરો વચ્ચે અથડામણ થઈ હતી જેમાં અનેક લોકો ઘાયલ થયા છે. પોલીસે લાઠીચાર્જ દ્વારા ભારે મહેનતથી સમગ્ર સ્થિતિ પર કાબૂ મેળવ્યો હતો. જાણવા મળ્યા મુજબ બૂથ નંબર 285માં મતદાન કેન્દ્ર બહાર બોમ્બ ફેંકવામાં આવ્યા હતા અને ગોળીબાર થયો હતો. પોલિંગ બૂથ બહાર ફાયરિંગ થવાના કારણે મતદાન માટે આવેલા યુવકનું મોત થયું હતું. 

આ બધા વચ્ચે બંગાળ પોલીસે કરેલા દાવા પ્રમાણે કેન્દ્રીય દળોએ કરેલા ફાયરિંગમાં કૂચબિહાર ખાતે 4 લોકો મૃત્યુ પામ્યા છે. શનિવારે સવારે 10:00 કલાકે સિતાલકુચી ખાતે મતદાન ક્ષેત્રનું ચક્કર મારવા આવેલી ક્વિક રિસ્પોન્સ ટીમ (ક્યુઆરટી) પર ઉપદ્રવીઓએ કથિત રીતે હુમલો કરી દીધો હતો. 

ઉપદ્રવીઓએ ક્યુઆરટીના વાહનને નુકસાન પહોંચાડ્યું હતું જેથી સુરક્ષાકર્મીઓએ અનેક રાઉન્ડ ફાયર કરવા પડ્યા હતા જેમાં 4 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. ચૂંટણી પંચે આ ઘટનાને લઈ ડીઈઓ કૂચબિહાર પાસેથી રિપોર્ટની માંગણી કરી હતી. પશ્ચિમ બંગાળા એડીજી જગમોહને પણ 4 લોકોના મૃત્યુની પૃષ્ટિ થઈ હોવાનું જણાવ્યું હતું. ગ્રામીણોએ હુમલો કર્યો તેના જવાબમાં સીઆઈએસએફના જવાનોએ ગોળીબાર કર્યો હતો.