×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

કોવિડ ટાસ્કફોર્સની પ્રેસ કોન્ફરન્સ : લોકડાઉનથી આ રોગ નહીં અટકે, મહોરબાની કરીને માસ્ક પહેરો અને રસી લો : ડો. તેજસ પટેલ

અમદાવાદ, તા. 9 એપ્રિલ 2021, શુક્રવાર

રાજ્યમાં કોરોના સતત વિકરાળ સ્વરુપ ધારણ કરી રહ્યો છે. ખાસ કરીને રાજ્યના મહાનગરો જેવા કે સુરત, અમદાવાદ, વડોદરા, રાજકોટ વગેરેમાં સ્થિતિ ભયાવહ છે. તમામ હોસ્પિટલો ફુલ છે, બેડની અછત છે, ઓક્સિજન ખુટી ગયો છે, ત્યાં સુધી કે મૃત્યુ એટલા વધ્યા છે કે હવે સ્મશાનમાં પણ જગ્યા નથી. 

ત્યારે રાજ્યમાં કોરોનાની આ સ્થિતિ વચ્ચે કોવિડ ટાસ્કફોર્સના સભ્યોએ પ્રેસ કોન્ફરન્સ યોજીને લોકોને કોરોના વિશે જાગૃત કરવાનો અને તેમના મનમાં રહેલા સવાલોના જવાબ આપવાનો પ્રયાસ કર્યો છે. કોવિડ ટાસ્કફોર્સના સભ્યો ડૉ. તેજસ પટેલ, ડૉ. વી.એન શાહ, ડૉક્ટર અતુલ પટેલ તથા ડૉ. તુષાર પટેલ દ્વારા આ પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી છે. જેમાં ડોક્ટરોએ લોકોને માસ્ક પહેરવા, અને સોશિયલ ડિસ્ટન્સિંગના પાલનની અપીલ કરી હતી.

લોકડાઉનથી આ રોગ નહીં અટકે, મહોરબાની કરીને માસ્ક પહેરો

ડો. તેજસ પટેલે જણાવ્યું કે આ વાયરસ અત્યાર સુધીમાં આવેલા તમામ વાયરસથી અલગ છે. આ વાયરસ દરેક તાપમાન અને સ્થિતિમાં બચી ગયો છે. એક સમયે લાગતુ હતું કે કોરોના ગયો, પરંતુ અત્યારે તેનાથી ઉલટી સ્થિતિનું નિર્માણ થયું છે. તેમણે કહ્યું કે મહેરબાની કરીને માસ્ક પહેરો. ભીડ એકઠી ના કરો અને સમયસર રસી લો. રસીથી મોત નહીં થાય. વેકસીન લીધેલા લોકોમાં મૃત્યુ દર ઓછો છે. કોઈપણ દવા અસરકારક હોય તો તેની આડઅસર થાય છે. આ જ સ્થિતિ લોકોને હર્ડ ઇમ્યુનિટી તરફ લઈ જશે.

એવું નથી કે વેક્સિન લીધા બાદ કોરોના નહીં થાય,પરંતુ જો થશે તો તેની અસર સામાન્ય હશે. આ સિવાય મ-ત્યુનું જોખમ પણ ઓછું થશે.કોરોનાને કાબૂમાં લેવા લોકડાઉન કેમ નથી કરતા તે અંગેના સવાલનો જવાબ આપતા તેમણે કહ્યું કે લોકડાઉન કરવાથી આ રોગ અટકી જશે તેવું નથી, કોરોનાની ચેન તોડવા માટે આપણે જ માસ્ક પહેરવું જોઇએ અને સોશિયલ ડિસ્ટન્સિંગ રાખવું જોઇએ. લોકો હજુ પણ માસ્ક પહેર્યા વગર જ ફરે છે. 

રેમડેસિવિર ઇંજેકશન જીવ બચાવતો નથી, પરંતુ રિકવરી ફાસ્ટ કરે છે

ડો. અતુલ પટેલે કોન્ફરન્સ દરમિયાન કહ્યું કે લોકો અત્યારે ખોટા ગભરાઇ રહ્યા છે. કોરોનાના 80 ટકા દર્દીઓમાં સામાન્ય લક્ષણો જોવા મળી રહ્યા છે. આ તમામ લોકોને સામાન્ય સારવારની જરુર છે. જે લોકોનું ઓક્સિજન લેવલ 94 કરતા ઓછું થાય તેમને જ ઓક્સિજનની જરુર પડે છે. અત્યારે લોકો ઓક્સિજન લેવલ બરાબર હોય તો પણ હોસ્પિટલમાં દાખલ થઇ રહ્યા છે. 94 કરતા વધારે ઓક્સિજન લેવલ હોય તો ચિંતા કરવાની જરુર નથી

કોરોનાના સામાન્ય દર્દીએ આરામ કરવો અને પાણી વધારે પીવું, જેથી ફાસ્ટ રિકવરી આવે. આ સિવાય રેમડેસિવિર ઇંજેક્શન કરતા ડોલો અને પેરાસિટામોલ વધારે જરુરી છે. રેમડેસિવિર ઇંજેકશન જીવ બચાવતો નથી, પરંતુ રિકવરી ફાસ્ટ કરે છે. રેમડેસિવિરની આડ અસર પણ થઇ શકે છે, જેમાં તે કિડની અને લિવર પર અસર કરી શકે છે.