×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

હાઇકોર્ટના 3થી 4 દિવસના લોકડાઉનના સૂચન બાદ વિજય રુપાણીનું નિવેદન, આજે સાંજે કોર કમિટીની બેઠક

અમદાવાદ, તા. 6 એપ્રિલ 2021, મંગળવાર

રાજ્યમાં સતત વધી રહેલા કોરોના કેસના કારણે ફરી વખત પ્રજાથી લઇને પ્રશાસનમાં ચિંતાનો માહોલ વ્યાપ્યો છે. ખાસ કરીને સુરત અને અમદાવાદની સ્થિતિ દિવસે દિવસે ખરાબ થતી જાય છે. આ બધા વચ્ચે આજે મુખ્યમંત્રી વિજય રુપાણી સુરતની મુલાકાતે પહોંચ્યા હતા. જ્યાં તેમણે સુરતમાં વધી રહેલા કેસની સ્થિતિ અંગે સમીક્ષા કરી. 

ત્યારબાદ પ્રેસ કોન્ફરન્સ યોજીને તેમણે કહ્યું કે, ‘રાજ્યમાં કોરોના સંક્રમણ વધ્યું છે પરંતુ કોરોના સંક્રમણથી ગભરાવાની જરૂર નથી. રાજ્યમાં વેક્સિનેશન વધારવામાં આવ્યું છે. એક વર્ષથી કોરોના સાથે સંઘર્ષ ચાલુ છે. રાજ્યમાં કોરોનાનો ચેપી રોગનો વ્યાપ વધ્યો છે. ગુજરાતમાં ટેસ્ટિંગ પણ વધારવામાં આવ્યું છે. રાજ્યના 60 ટકા કેસ મહાનગરોમાં છે. રાજ્યમાં કોરોનાના કેસમાં હજુ પણ વધારો થશે.’

વધુમાં તેમણે જણાવ્યું કે, ‘છેલ્લા 24 કલાકમાં કોરોનાના કેસ 3 હજારથી વધારે નવા કેસો આવી રહ્યા છે. પરંતુ લોકોએ કોરોના સંક્રમણથી ડરવાની જરૂર નથી. હાલમાં ટેસ્ટિંગ અને ટ્રેસિંગમાં વધારો કર્યો છે એટલે નવા કેસોમાં વધારો આવશે. પરંતુ લોકોએ સાવધાન જરૂર રહેવું પડશે. કોરોનાના સંક્રમણને અટકાવવા માટે ટેસ્ટિંગની સંખ્યા વધારવામાં આવી છે.’ 

આજે સાંજે મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં કોર કમિટીની બેઠક

કોરોના સંક્રમણને લઇને હાઇકોર્ટે આપેલા આદેશને લઇ CM એ જણાવ્યુ કે, ‘હાઇકોર્ટના એડવોકેટ જનરલના રિપોર્ટ બાદ સરકારની કોર કમિટિ આજે ચર્ચા કરશે.’ ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં સતત કોરોનાના કેસ વધી રહ્યાં છે જેને લઇને ગુજરાત હાઇકોર્ટે સરકારને આગામી 3 કે 4 દિવસ લોકડાઉન લગાવવાના નિર્દેશ કર્યો છે. રાજ્યમાં દિવસે ને દિવસે સ્થિતિ વણસી રહી છે જેનું હાઇકોર્ટે અવલોકન કર્યુ છે. રાજ્યમાં કોરોનાની સ્થિતિ સ્ફોટક બની રહી છે. રાજ્યમાં કોરોનાના કેસ રોજ નવા રેકોર્ડ તોડી રહ્યાં છે ત્યારે ગુજરાત હાઇકોર્ટે રાજ્યમાં લોકડાઉનની જરૂર પડે તેવી સ્થિત હોવાનું અવલોકન કર્યું છે. આ ઉપરાંત રાજકીય કાર્યક્રમો પર અંકુશ લગાવવાનો પણ આદેશ કર્યો છે.