×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

વાવાઝોડાની ઝડપે વધતો કોરોના : આવતા સપ્તાહોમાં ભયંકર મહામારીના એંધાણ


છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાના કેસ ફરી એક લાખને પાર થતાં સ્થિતિ ચિંતાજનક

કુલ કેસ 1.26 કરોડ, વધુ 446નાં મોત, મૃત્યુઆંક 1.65 લાખ

ભારતમાં એક દિવસમાં સૌથી વધુ 43 લાખ લોકોને રસી અપાઈ કેન્દ્ર 45 વર્ષથી નીચેનાને પણ રસીની છૂટ આપે : આઈએમએ કોરોનાથી વધુ જોખમવાળા લોકોનું રક્ષણ સરકારની પ્રાથમિક્તા

(પીટીઆઈ) નવી દિલ્હી, તા. ૬

ભારતમાં કોરોના મહામારીની બીજી લહેરમાં ચેપી બીમારી અત્યંત ઝડપથી ફેલાઈ રહી છે અને આગામી ચરા સપ્તાહ દેશ માટે ખૂબ જ મહત્વના રહેશે તેવી મંગળવારે કેન્દ્ર સરકારે ચેતવણી આપી છે. આ સાથે સરકારે કોરોનાની બીજી લહેર પર નિયંત્રણ મેળવવા લોકોને માસ્ક પહેરવા, સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવા સહિત કોવિડ નિયમોનું પાલન કરવા પર ભાર મૂક્યો છે. બીજીબાજુ મંગળવારે કોરોનાના નવા કેસમાં આંશિક ઘટાડો આવતાં છેલ્લા ૨૪ કલાકમાં ૯૭૦૦૦ કેસ નોંધાયા હતા જ્યારે વધુ ૪૪૬નાં મોત નીપજ્યાં હતાં.

નીતિ આયોગના સભ્ય (સ્વાસ્થ્ય) વી. કે. પૌલે જણાવ્યું હતું કે, દેશમાં કોરોના મહામારીની સ્થિતિ બદથી બદતર થઈ રહી છે અને દંર્દીઓની સંખ્યા સતત વધી રહી છે. દેશની મોટી વસતી પર હજી પણ કોરોનાનું જોખમ તોળાઈ રહ્યું છે. કોરોના સામેની લડતના હથિયારો હજુ પણ એ જ છે. લોકો કોરોનાના નિયમોનું પાલન કરે, કેન્ટેનમેન્ટ ઝોન જાહેર થાય, વધુ અસરકારક રીતે ટેસ્ટિંગ થવા જોઈએ, મેડિકલ ઈન્ફ્રાસ્ટ્રક્ચરને મજૂબત બનાવવું જોઈએ અને રસીકરણ અભિયાનની ગતિ વધારવી જોઈએ. 

પૌલે ભારપૂર્વક કહ્યું કે, માસ્ક પહેરવું, ટોળાથી દૂર રહેવું, સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવું જેવા પગલાંઓથી જ કોરોના પર નિયંત્રણ મેળવી શકાશે અને આ માટે લોકોની ભાગીદારી અત્યંત જરૃરી છે. કોરોના મહામારીની તિવ્રતા વધી છે અને તે ગયા વર્ષ કરતાં વધુ ઝડપથી ફેલાઈ રહ્યો છે. કેટલાક રાજ્યોમાં સ્થિતિ અત્યંત કથળી ગઈ છે. જોકે, દેશની વસતીના પ્રમાણમાં પ્રતિ લાખ વ્યક્તિએ મૃત્યુનું પ્રમાણ ઓછું છે અને કોરોના નિયંત્રણ હેઠળ છે. તેમણે ઉમેર્યું હતું કે, પૂણે, મુંબઈ, થાણે, નાગપુર, નાસિક, બેંગ્લુરુ અર્બન, ઔરંગાબાદ, અહેમદ નગર, દિલ્હી અને દુર્ગ જેવા ૧૦ જિલ્લાઓમાં કોરોનાના નવા કેસ સૌથી વધુ છે.

સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે, દેશમાં કોરોના મહામારીના દૈનિક કેસ આંશિક ઘટીને ૯૬,૯૮૨ થયા હતા જ્યારે વધુ ૪૪૬નાં મોત નીપજ્યાં હતાં. આ સાથે કોરોનાના દર્દીઓની કુલ સંખ્યા ૧,૨૬,૮૬,૦૪૯ થઈ હતી અને મૃત્યુઆંક ૧,૬૫,૫૪૭ થયો હતો. દેશમાં છેલ્લા ૨૭ દિવસમાં કોરોનાના કેસમાં સ્થિર વધારો થતાં એક્ટિવ કેસ વધીને ૭,૮૮,૨૨૩ થયા છે, જે કુલ કેસમાં ૬.૨૧ ટકા છે જ્યારે રિકવરી રેટ વધુ ઘટીને ૯૨.૪૮ ટકા થયો હતો.  દેશમાં અત્યાર સુધીમાં ૧,૧૭,૩૨,૨૭૯ દર્દીઓ સાજા થયા છે.

કોરોના પર નિયંત્રણ મેળવવા માટે સરકારે રાજ્યોને ટેસ્ટિંગ વધારવા પર ભાર મૂક્યો છે ત્યારે આઈસીએમઆરે જણાવ્યું હતું કે, સોમવારે ૧૨,૧૧,૬૧૨ સેમ્પલ્સની સાથે પાંચમી એપ્રિલ સુધીમાં કુલ ૨૫,૦૨,૩૧,૨૬૯ સેમ્પલ્સ લેવાયા છે. દરમિયાન કોરોના સામેની લડાઈમાં વિશ્વના સૌથી મોટા રસીકરણ અભિયાનના ભાગરૃપે ભારતમાં પાંચમી એપ્રિલે એક જ દિવસમાં ૪૩ લાખથી વધુ લોકોને રસી અપાઈ હતી. આ સાથે કોરોનાની રસીના કુલ ૮,૩૧,૧૦,૯૨૬ ડોઝ અપાયા છે. ૮૦ દિવસના રસીકરણ અભિયાનમાં રસીના કુલ ૪૩,૦૦,૯૬૬ ડોઝ અપાયા છે, જેમાંથી ૩૯,૦૦,૫૦૫ લાભાર્થીને ૪૮,૦૯૫ સત્રોમાં પહેલો ડોઝ અને ૪,૦૦,૪૬૧ લાભાર્થીને કોરોનાની રસીનો બીજો ડોઝ અપાયો હતો. 

ભારતમાં કોરોના રસીકરણ અભિયાનમાં હાલ ૪૫ વર્ષથી વધુ વયના લોકોને રસી અપાઈ રહી છે ત્યારે ઈન્ડિયન મેડિકલ એસોસિએશન (આઈએમએ) સહિત કેટલાક સંગઠનોએ રસીકરણમાં ૪૫ વર્ષની વય મર્યાદામાં છૂટછાટ આપવા માટે કેન્દ્ર સમક્ષ માગણી કરી છે. આઈએમએએ વડાપ્રધાન મોદીને પત્ર લખીને હવે ૧૮ વર્ષથી વધુ વયના લોકોને પણ રસી આપવાની મંજૂરી આપવા સૂચન કર્યું છે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવે પણ રસી માટે ૧૮ વર્ષની વય મર્યાદા કરવા માગણી કરી હતી.