×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

સુરક્ષા દળોના ટાર્ગેટ પર હિડમા સહિત 8 નક્સલી કમાંડર, જવાનોનું બલિદાન વ્યર્થ નહીં જાયઃ અમિત શાહ


- અમિત શાહે છત્તીસગઢમાં શહીદ જવાનોને શ્રદ્દાંજલિ આપી, ઘાયલ જવાનોની મુલાકાત લેશે

નવી દિલ્હી, તા. 5 એપ્રિલ, 2021, સોમવાર

છત્તીસગઢના બીજાપુર ખાતે થયેલા નક્સલી હુમલામાં 22 જવાન શહીદ થયા હતા. નક્સલીઓની આ કાયર હરકત બાદ ગૃહ મંત્રાલય એક્શન મોડમાં આવી ગયું છે અને નક્સલીઓ વિરૂદ્ધ મોટા ઓપરેશનની તૈયારી કરવામાં આવી રહી છે. કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ સોમવારે છત્તીસગઢના જગદલપુર પહોંચ્યા હતા અને શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ આપી હતી.

અમિત શાહે નક્સલીઓ મામલે એક હાઈ લેવલ મીટિંગ પણ યોજી હતી જેમાં ગુપ્તચર એજન્સીઓની સાથે અર્ધસૈન્ય દળના અધિકારીઓ પણ સામેલ થયા હતા. અમિત શાહે જવાનોનું બલિદાન યાદ રાખવામાં આવશે અને તેને વ્યર્થ નહીં જવા દેવામાં આવે તેમ કહ્યું હતું. સાથે જ નક્સલીઓ વિરૂદ્ધની લડાઈ નિર્ણાયક તબક્કે પહોંચી ગઈ હોવાનું પણ જણાવ્યું હતું. તેમણે આદિવાસી વિસ્તારમાં વિકાસના કાર્યો તેજ કરવા તેમ જ નક્સલીઓ વિરૂદ્ધની કાર્યવાહી વધુ ઝડપી બનાવવા નિર્દેશ આપ્યો હતો. 

ગૃહ મંત્રીના નિર્દેશ બાદ નક્સલીઓ વિરૂદ્ધના ઓપરેશનને વધુ તીવ્ર બનાવવામાં આવશે. આ સાથે જ હ્યુમન ઈન્ટેલિજન્સ અને ટેક્નિકલ ઈન્ટેલિજન્સની પણ મદદ લેવામાં આવશે. NTRO પણ રિયલ ટાઈમ જાણકારી આપીને સુરક્ષા એજન્સીઓની મદદ કરશે. સુરક્ષા એજન્સીઓ મોસ્ટ વોન્ટેડ નક્સલી કમાંડરની યાદી બનાવીને ટૂંક સમયમાં જ એક મોટું ઓપરેશન હાથ ધરશે. 

જાણવા મળ્યા મુજબ ઓપરેશન પ્રહાર-3 અંતર્ગત માસુમ યુવાનોનું બ્રેનવોશ કરીને તેમને નક્સલી ગતિવિધિમાં સામેલ થવા ઉશ્કેરતા મોસ્ટવોન્ટેડ નક્સલી કમાંડરને નિશાન પર લેવામાં આવશે. સુરક્ષા દળોએ ટોપ કમાંડરની યાદી બનાવી છે જેમાં PLGA-1નો સૌથી મોટો કમાંડર હિડમા પણ સામેલ છે. જાણવા મળ્યા મુજબ હિડમા સુકમાના જંગલોમાં સંતાઈને સુરક્ષા દળો પર હુમલો કરી શકે છે. 

નક્સલીઓના ટોપ કમાંડરની યાદી

1. હિડમા 

2. કમલેશ ઉર્ફે લછુ (નક્સલી મિલિટ્રી નં.1નો કમાંડર)

3. સાકેત નુરેતી (નક્સલી પલટન નં.1નો કમાંડર)

4. લાલુ દંડામી (પીએલ નં. 1નો નક્સલી કમાંડર)

5. મંગેશ ગોંડ (પીએલ નં. 2નો કમાંડર)

6. રામજી (પીએલ નં. 2નો કમાંડર)

7. સુખલાલ (મિલિટ્રી પીએલ નં. 17નો કમાંડર)

8. મલેશ (ડીવીસીએમ મિલિટ્રી પીએલ નં. 16નો કમાંડર)