×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

અમેરિકા-યુરોપીય સંઘને અહંકારની કિંમત ચુકવવી પડશે, પ્રતિબંધો બાદ ચીન ઉશ્કેરાયું


- ચીન અને રશિયાના વિદેશ મંત્રીઓએ બંને દેશો વિરૂદ્ધ ટીકા અને પ્રતિબંધોની નિંદા કરી

નવી દિલ્હી, તા. 25 માર્ચ, 2021, ગુરૂવાર

અમેરિકા, યુરોપીય સંઘ, કેનેડા અને બ્રિટને ચીનના પશ્ચિમી શિનજિયાંગ પ્રાંતમાં માનવાધિકારોના ઉલ્લંઘનના આરોપસર સંયુક્ત રીતે તેના પર પ્રતિબંધ લાગુ કર્યા છે. આ પ્રતિબંધોના વિરોધમાં ચીને વિદેશી રાજદ્વારીઓને સમન્સ પાઠવ્યા છે. ચીની વિદેશ મંત્રાલયના પ્રવક્તા હુઆ ચુનઈંગે મંગળવારે આ નવા પ્રતિબંધોને બદનામ કરનારા અને ચીની લોકોની પ્રતિષ્ઠાનો તિરસ્કાર કરનારા ગણાવ્યા હતા. 

ચુનઈંગે જણાવ્યું કે, "હું એ લોકોને ચેતવવા માંગુ છું કે, તેમણે રાષ્ટ્રીય હિતો અને સન્માનની રક્ષા માટે ચીની લોકોના દૃઢ નિશ્ચયને ઓછો ન આંકવો જોઈએ તથા તેમણે પોતાની મૂર્ખતા અને અહંકારની કિંમત ચુકવવી પડશે. તેના થોડા કલાકો પહેલા ચીન અને રશિયાના વિદેશ મંત્રીઓએ બંને દેશો વિરૂદ્ધ ટીકા અને પ્રતિબંધોની નિંદા કરી હતી.  

ચીનના વાંગ યી અને રશિયાના સર્જેઈ લાવરોવે તેમની નિરંકુશવાદી રાજનીતિ વ્યવસ્થાને લઈ બાહ્ય ટીકાને ફગાવી દીધી હતી અને તેઓ જળવાયુ પરિવર્તનથી લઈને કોરોના વાયરસ મહામારી સુધીના મુદ્દાઓને લઈ વૈશ્વિક સ્તરે પ્રગતિ માટે કામ કરે છે તેમ કહ્યું હતું. બંને મંત્રીઓએ કોઈ પણ દેશે પોતાની લોકશાહીના સ્વરૂપને અન્ય પર થોપવા પ્રયત્ન ન કરવો જોઈએ તેમ કહ્યું હતું.