×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

એક વર્ષમાં પ્રથમ વખત પેટ્રોલ-ડીઝલના ભાવ ઘટયા


(પીટીઆઇ) નવી દિલ્હી, તા. ૨૪

છેલ્લા એક વર્ષમાં પ્રથમ વખત પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો કરવામાં આવ્યો છે. આજે પેટ્રોલના ભાવમાં ૧૮ પૈસા અને ડીઝલના ભાવમાં ૧૭ પૈસાનો ઘટાડો કરવામાં આવ્યો હતો. આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડના ભાવ ઘટવાના કારણે ભારતની ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો કર્યો છે. 

દિલ્હીમાં આજે એક લિટર પેટ્રોલનો ભાવ ૯૧.૧૭ રૃપિયાથી ઘટીને ૯૦.૯૯ રૃપિયા થઇ ગયો છે તેમ સરકારી ઓઇલ માર્કેટિંગ કંપનીઓના પ્રાઇસ નોટિફિકેશનમા જણાવવામાં આવ્યું છે. 

દિલ્હીમાં એક લિટર ડીઝલનો ભાવ ૮૧.૪૭ રૃપિયાથી ઘટીને ૮૧.૩૦ રૃપિયા થઇ ગયો છે. દરેક રાજ્યમાં વેટનો દર અલગ હોવાથી દરેક રાજ્યમાં પેટ્રોલ અને ડીઝલનો ભાવ અલગ અલગ જોવા મળે છે. 

છેલ્લા એક વર્ષમાં પ્રથમ વખત પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો કરવામાં આવ્યો છે. આ અગાઉ ૧૬ માર્ચ, ૨૦૨૦ના રોજ પેટ્રોલ અને ડીઝલના ભાવ ઘટાડવામાં આવ્યા હતાં. 

ઉલ્લેખનીય છે કે છેલ્લા એક વર્ષમાં એક લિટર પેટ્રોલના ભાવમાં ૨૧.૫૮ રૃપિયા અને એક લિટર ડીઝલના ભાવમાં ૧૯.૧૮ રૃપિયાનો વધારો થયો છે. ગયા મહિને રાજસ્થાન, મહારાષ્ટ્ર અને મધ્ય પ્રદેશના કેટલાક શહેરોમાં પેટ્રોલનો ભાવ ૧૦૦ રૃપિયાને પાર કરી ગયો હતો. 

મુંબઇમાં એક લિટર પેટ્રોલનો ભાવ ૯૭.૫૭ રૃપિયાથી ઘટીને ૯૭.૪૦ રૃપિયા અને એક લિટર ડીઝલનો ભાવ ૮૮.૬૦ રૃપિયાથી ઘટીને ૮૮.૪૨ રૃપિયા થયો હતો.