×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

દિલ્હીમાં LG જ સરકાર! સંસદના બંને સદનમાં NCT બિલ પાસ, જાણો આ બિલમાં શું છે ખાસ


- બિલની જોગવાઈ પ્રમાણે રાજ્ય કેબિનેટ કે સરકાર કોઈ પણ નિર્ણય લાગુ કરતા પહેલા ઉપ રાજ્યપાલનો અભિપ્રાય લેશે

નવી દિલ્હી, તા. 25 માર્ચ, 2021, ગુરૂવાર

દિલ્હીમાં લેફ્ટિનેન્ટ ગવર્નર એટલે કે ઉપ-રાજ્યપાલ અને મુખ્યમંત્રીના અધિકારો સ્પષ્ટ કરતા બિલને સંસદના બંને સદનમાં મંજૂરી મળી ગઈ છે. બુધવારે રાજ્યસભાએ વિપક્ષના હોબાળા વચ્ચે ગવર્મેન્ટ ઓફ નેશનલ કેપિટલ ટેરીટરી ઓફ દિલ્હી (અમેન્ડમેન્ટ) બિલ 2021ને મંજૂરી આપી દીધી છે. લોકસભામાં સોમવારે જ આ બિલ પાસ થઈ ગયું હતું. હવે રાષ્ટ્રપતિના હસ્તાક્ષર બાદ આ બિલ કાયદો બની જશે. 

દિલ્હીની આમ આદમી પાર્ટી સરકારે તેને 'લોકશાહીનો કાળો દિવસ' જાહેર કર્યો હતો. તો ચાલો જાણીએ આ બિલમાં એવું તો શું છે કે, આમ આદમી પાર્ટી સહિતના વિપક્ષી દળો તેને બંધારણ અને લોકશાહીની વિરૂદ્ધ ગણાવી રહ્યા છે.

દિલ્હીનું કિંગ કોણ, LG કે મુખ્યમંત્રી આ લડાઈ બહુ જૂની છે. અરવિંદ કેજરીવાલ મુખ્યમંત્રી બન્યા ત્યારથી આ મુદ્દો ખૂબ ચર્ચામાં રહ્યો છે. ત્યાં સુધી કે આ મુદ્દો સુપ્રીમ કોર્ટમાં પણ પહોંચ્યો હતો. સુપ્રીમ કોર્ટે 2018 અને 2019માં પોતાના ચુકાદાઓ દ્વારા એલજી અને દિલ્હી સરકારની ભૂમિકાઓ અને અધિકાર ક્ષેત્ર સ્પષ્ટ કર્યા હતા. હવે કેન્દ્ર સરકાર એવી દલીલ કરી રહી છે કે, સુપ્રીમ કોર્ટના આદેશમાં જે ભાવના છે તેને લાગુ કરવા માટે જ તે ગવર્મેન્ટ ઓફ નેશનલ કેપિટલ ટેરીટરી ઓફ દિલ્હી એક્ટમાં સંશોધન લાવી છે. સંસદના બંને સદનમાં પાસ થઈ ચુકેલા આ બિલ અંતર્ગત એલજીનો અધિકાર ક્ષેત્ર ખૂબ વિસ્તૃત થઈ ગયો છે. બિલની જોગવાઈ પ્રમાણે રાજ્ય કેબિનેટ કે સરકાર કોઈ પણ નિર્ણય લાગુ કરતા પહેલા ઉપ રાજ્યપાલનો અભિપ્રાય લેશે. 

બિલ પ્રમાણે દિલ્હી વિધાનસભા દ્વારા બનાવાયેલા કોઈ પણ કાયદામાં સરકારને ઉપ રાજ્યપાલથી મતલબ રહેશે. ઉપ રાજ્યપાલે તમામ નિર્ણયો, પ્રસ્તાવો અને એજન્ડાની જાણકારી આપવી પડશે. જો એલજી અને મંત્રી પરિષદ વચ્ચે કોઈ મુદ્દે મતભેદ થાય તો એલજી તે મુદ્દાને રાષ્ટ્રપતિ પાસે મોકલી શકે છે. 

એટલું જ નહીં એલજી વિધાનસભામાં પાસ એવા કોઈ બિલને મંજૂરી નહીં આપે જે વિધાનમંડળના શક્તિ-ક્ષેત્રની બહાર હોય. તેઓ તેને રાષ્ટ્રપતિ વિચાર કરી શકે તે માટે રિઝર્વ રાખી શકશે. બિલ અંતર્ગત દિલ્હીમાં ચૂંટાયેલી સરકારના અધિકાર સીમિત કરવામાં આવ્યા છે. બિલ પ્રમાણે દિલ્હી વિધાનસભા પોતે કે તેની કોઈ કમિટી એવો નિયમ નહીં બનાવે જે તેને દૈનિક પ્રશાસનની ગતિવિધિઓ પર વિચાર કરવા કે કોઈ વહીવટી નિર્ણયની તપાસ કરવા અધિકાર આપે. આ એવા અધિકારીઓ માટે ઢાલનું કામ કરશે જેમને હંમેશા વિધાનસભા કે તેની સમિતિઓ દ્વારા સમન્સ મળવાનો ડર હોય. 

આમ તો સુપ્રીમ કોર્ટે 2018ના પોતાના નિર્ણયમાં સ્પષ્ટ કહ્યું હતું કે, દિલ્હી સરકાર જે પણ નિર્ણય લેશે તે અંગે તે એલજીને જાણકારી આપશે. પરંતુ એલજીની સહમતી જરૂરી નથી. પરંતુ હવે આ બિલ અંતર્ગત એલજીને એવી સત્તા મળી ગઈ છે કે, જો તે મંત્રી પરિષદના કોઈ નિર્ણયથી સહમત ન હોય તો મુદ્દાને રાષ્ટ્રપતિ પાસે મોકલી શકે. 

એટલું તો સ્પષ્ટ છે કે, બિલ કાયદો બની જશે એટલે દિલ્હીના ઉપ રાજ્યપાલના અધિકાર ખૂબ વધી જશે. જો કે, કેન્દ્ર સરકારના કહેવા પ્રમાણે આ બિલને ફક્ત ઉપ રાજ્યપાલ અને દિલ્હી સરકારની ભૂમિકાઓ અને શક્તિઓ સ્પષ્ટ કરવા લાવવામાં આવ્યું છે જેથી ગતિરોધ ન થાય. હવે નવા એનસીટી બિલને સંસદની મંજૂરી મળવાની સાથે જ રાષ્ટ્રીય રાજધાનીમાં ફરી એક વખત  LG vs CMની નવી કાયદાકીય લડાઈ જોવા મળી શકે છે.