×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

45 વર્ષના નાગરિકોને કોરોનાની રસી અપાશે


એક જ દિવસમાં સૌથી વધુ 32.53 લાખનો રસી, કુલ 4.80 કરોડથી વધુનું રસીકરણ : સરકારે 1લી એપ્રિલથી 60 વર્ષની વયમર્યાદા ઘટાડી

દેશમાં 24 કલાકમાં 41 હજાર કેસ, એક્ટિવ કેસ 3.45 લાખને પાર ઃ કોરોના વકરતાં આરટી-પીસીઆર ટેસ્ટ અને રસીકરણની ઝડપ વધારવા બધા જ રાજ્યોને કેન્દ્રનો નિર્દેશ

(પીટીઆઈ) નવી દિલ્હી, તા.૨૩

ભારતમાં કોરોના મહામારી સતત વકરી રહી છે ત્યારે કેન્દ્ર સરકારે મંગળવારે રસીકરણ અભિયાન લંબાવવાનો મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. સરકારે મંગળવારે જણાવ્યું હતું કે, દેશમાં ૧લી એપ્રિલથી ૪૫ વર્ષથી વધુ વયના બધા જ લોકો કોરોનાની રસી મેળવી શકશે. દરમિયાન દેશમાં મંગળવારે એક જ દિવસમાં કોરોનાના ૪૦ હજારથી વધુ કેસ નોંધાયા હતા. આ સાથે કોરોનાના કુલ કેસ ૧.૧૬ કરોડ અને એક્ટિવ કેસ ૩.૪૫ લાખને પાર થઈ ગયા છે. મંગળવારે કોરોનાથી વધુ ૧૯૯નાં મોત સાથે મૃત્યુઆંક ૧.૬૦ કરોડ થયો છે. કોરોનાના કેસ વધતાં કેન્દ્ર સરકારે રાજ્યોને આરટી-પીસીઆર ટેસ્ટ અને રસીકરણની ગતિ વધારવા નિર્દેશ આપ્યા છે.

કેબિનેટની બેઠક પછી કેન્દ્રિય મંત્રી પ્રકાશ જાવડેકરે જણાવ્યું હતું કે, દેશમાં હવે ૪૫ વર્ષથી વધુ વયની દરેક વ્યક્તિ કોરોનાની રસી મેળવી શકશે. કેન્દ્રની અગાઉની ગાઈડલાઈન મુજબ અત્યાર સુધી ૪૫ વર્ષની વધુ વયની વ્યક્તિને કોઈ ગંભીર બીમારી હોય તો જ તે રસી મેળવવા યોગ્ય હતો. જાવડેકરે રસી લેવા માટે યોગ્ય બધા જ લોકોને રસીકરણ અભિયાનમાં જોડાવા માટે નોંધણી કરાવવા અને નિયત સમયે રસી લેવા માટે વિનંતી કરી હતી. 

તેમણે ઉમેર્યું હતું કે, દેશમાં પર્યાપ્ત સંખ્યામાં રસીઓ ઉપલબ્ધ છે. રસીની કોઈ અછત નથી અને દેશમાં રસી માટે સપ્લાય ચેઈન મજબૂત છે. મને ખાતરી છે કે સરકારના નિર્ણય મુજબ રસીકરણ માટે યોગ્ય બધા જ લોકો રસી લેવા માટે નોંધણી કરાવશે અને સમયસર રસી લેશે તેમજ દેશમાં રસીકરણની ઝડપ પણ વધશે.

દરમિયાન દેશમાં સતત ૧૩મા દિવસે કોરોનાના કેસમાં ઊછાળો યથાવત્ રહ્યો છે. છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના નવા ૪૦,૭૧૫ કેસ નોંધાયા હતા, જેને પગલે કોરોનાના કુલ કેસ ૧,૧૬,૮૬,૭૯૬ થયા હતા અને એક્ટિવ કેસ ૩,૪૫,૩૭૭ થયા હતા. ઉપરાંત છેલ્લા ૨૪ કલાકમાં વધુ ૧૯૯નાં મોત સાથે દેશમાં કુલ મૃત્યુઆંક ૧,૬૦,૧૬૬ થયો છે. દેશમાં અત્યાર સુધીમાં કોરોનાના કુલ ૧,૧૧,૮૧,૨૫૩ દર્દીઓ સાજા થયા છે. કોરોનાના કેસ સતત વધતા રીકવરી રેટ ઘટીને ૯૫.૬૭ ટકા થયો છે. દેશમાં કોરોનાના કેસ બમણા થવાનો દર ૫૦૪.૪ દિવસથી ઘટીને ૨૦૨.૩ દિવસ થયો છે, જે દર્શાવે છે કે દેશમાં છેલ્લા એક મહિનામાં કોરોનાની સ્થિતિ ભયજનક રીતે વકરી રહી છે. કોરોનાના નવા દૈનિક કેસમાં ૮૦.૯૦ ટકા કેસ છ રાજ્યોમાં નોંધાયા છે, જેમાં મહારાષ્ટ્ર, પંજાબ, કર્ણાટક, ગુજરાત, છત્તિસગઢ અને તામિલનાડુનો સમાવેશ થાય છે.

દેશમાં કોરોનાના કેસ સતત વધી રહ્યા હોવાથી કેન્દ્ર સરકારે બધા જ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને આરટી-પીસીઆર ટેસ્ટ  વધારવા, ટેસ્ટ-ટ્રેક-ટ્રીટ પ્રોટોકોલનું કડકાઈથી પાલન કરવા અને બધા જ અગ્રતાના વયજૂથને આવરી લેતાં રસીકરણ અભિયાન વધારવા નિર્દેશ આપ્યા છે. ગૃહમંત્રાલયે બધા જ રાજ્યોને એપ્રિલ મહિના માટે નવી માર્ગદર્શિકા જાહેર કરી હતી. ગૃહમંત્રાલયે જણાવ્યું હતું કે, પોઝિટિવ કેસ અને તેમના સંપર્કોને ટ્રેક કરીને જિલ્લા તંત્રે સાવધાનીપૂર્વક કેન્ટેનમેન્ટ ઝોન જાહેર કરવા જોઈએ અને માઈક્રો લેવલે કેન્દ્રની માર્ગદર્શિકાઓનું પાલન કરવું જોઈએ.

દેશમાં કોરોનાના વધતા કેસ વચ્ચે રસીકરણમાં પણ સતત વધારો થયો છે. સોમવારે એક જ દિવસમાં ૩૨.૫૩ લાખ લોકોને રસી અપાઈ હતી. આ સાથે ૭,૮૪,૬૧૨ સત્રોમાં કુલ ૪.૮૫ કરોડથી વધુ લોકોને રસી અપાઈ છે. રસીકરણના ૬૬ દિવસના અભિયાનમાં ૪૮,૩૪૫ સેશનમાં ૨૯,૦૩,૦૩૦ લાભાર્થીઓને રસીનો પહેલો ડોઝ અને ૩,૫૦,૦૬૫ સ્વાસ્થ્ય કર્મચારીઓ તથા ફ્રન્ટલાઈન વર્કર્સને રસીનો બીજો ડોઝ અપાયો છે.