×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

ભારતીય મૂળના અમેરિકન સ્વાસ્થ્ય કર્મચારીઓએ ગ્રીનકાર્ડ મુદ્દે દેખાવો કર્યાં

(પીટીઆઈ) વૉશિંગ્ટન, તા. ૧૮ભારતીય મૂળના અમેરિકન સ્વાસ્થ્ય હેલ્થ કર્મચારીઓએ અમેરિકાના સંસદ ભવન સામે ગ્રીનકાર્ડ આપવાની માગણી સાથે દેખાવો કર્યાં હતાં. ભારતીય મૂળના સ્વાસ્થ્ય કર્મચારીઓએ દેશ પ્રમાણે ગ્રીનકાર્ડ આપવાની મર્યાદા દૂર કરવાની રજૂઆત કરી હતી. હજારોની સંખ્યામાં ભારતીય મૂળના નાગરિકો દેખાવમાં જોડાયા હતા.અમેરિકાના હેલ્થ વિભાગમાં કાર્યરત ભારતીય મૂળના કર્મચારીઓએ કેપિટલ હિલ ખાતે ઉપસ્થિત થઈને ગ્રીનકાર્ડ આપવાની માગણી સાથે દેખાવો કર્યા હતા. ભારતીય મૂળના હેલ્થ કર્મચારીઓએ કહ્યું હતુંઃ 'અમે અમેરિકામાં તાલીમ લઈને અમેરિકન હેલ્થ સેક્ટરને બહેતર બનાવવા કામ કર્યું છે. ખાસ તો રૃરલ અને નાનકડા શહેરોમાં જઈને પણ અમે ફરજ નિભાવી રહ્યા છીએ. આવી સ્થિતિમાં અમને અમેરિકામાં કાયમી રહેઠાણનો પરવાનો મળવો જોઈએ. કોવિડ દરમિયાન અમે ફ્રન્ટલાઈન વર્કર્સ તરીકે દેશના ખૂણે-ખૂણે કામગીરી કરી છે.' આ કર્મચારીઓએ અમેરિકાની ક્વોટા પ્રમાણે ગ્રીનકાર્ડ આપવાની પદ્ધતિ નાબુદ કરવાની માગણી કરી હતી. અત્યારે અમેરિકામાં દેશ પ્રમાણે ક્વોટા નક્કી કરાયો છે. એ મર્યાદા પ્રમાણે જ જે તે દેશના નાગરિકોને ગ્રીનકાર્ડ અપાય છે. એના કારણે અસંખ્ય ભારતીય મૂળના નાગરિકો વર્ષોથી ગ્રીનકાર્ડની રાહ જોઈ રહ્યાં છે. એ મર્યાદા દૂર થાય તો વર્ષોનો ઈંતઝાર ખતમ થઈ શકે તેમ છે. અત્યારે દરેક દેશના નાગરિકો માટે સાત ટકાની મર્યાદા નક્કી કરવામાં આવી છે.જો બાઈડેને સત્તા સંભાળી પછી ગ્રીનકાર્ડમાં દેશ પ્રમાણે મર્યાદા દૂર કરવાનું બિલ સંસદમાં રજૂ કરાયું હતું. બાઈડેને ચૂંટણી પહેલાં પણ દેશ પ્રમાણે ગ્રીનકાર્ડ આપવાની પદ્ધતિ રદ્ કરવાનો વાયદો કર્યો હતો.અત્યારે અમેરિકામાં ૪.૭૩ લાખ ગ્રીનકાર્ડની અરજી પેન્ડિંગ છે. ગ્રીનકાર્ડ ન મળે ત્યાં સુધી વિદેશી મૂળના નાગરિકો અમેરિકાના કાયમી નાગરિક ગણાતા નથી.