×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

અમેરિકાના ડેનેવરમાં બરફનું તોફાન, 2000થી વધુ ફ્લાઈટ્સ રદ કરાઈ


ડેનેવર, તા. ૧૪

અમેરિકામાં શિયાળાના અંતમાં વાવાઝોડાં સક્રિય બનતાં સપ્તાહાંતમાં હવામાન વિનાશક બનવાની આશંકા છે. પૂર્વના પર્વતીય વિસ્તારો અને પશ્ચિમના મેદાની પ્રદેશોમાં ધીમી ગતિએ આગળ વધી રહેલા વાવાઝોડાંના પગલે આ વિસ્તારોમાં દાયકાઓમાં સૌથી મોટી હિમવર્ષા થવાની આશંકા છે. સ્ટોર્મ પ્રિડિક્શન સેન્ટરે પણ વાવાઝોડાં માટે પાંચ સ્તરની હવામાનની ચેતવણીમાંથી ત્રીજા સ્તરની ચેતવણી જાહેર કરી છે. કેયને સહિત વ્યોમિંગ અને નેબ્રાસ્કામાં ત્રણ લાખથી વધુ લોકોને બ્લિઝાર્ડ (ભયાનક હિમવર્ષા)જ્યારે ૭૦ લાખથી વધુ લોકોને વિન્ટર સ્ટોર્મની ચેતવણી અપાઈ છે. ડેનેવરમાં વાવાઝોડાંના કારણે ૨,૦૦૦થી વધુ ફ્લાઈટ્સ રદ કરાઈ છે. 

અમેરિકાના કોલોરાડો રાજ્યના પાટનગર ડેનેવરમાં બરફનું ભીષણ તોફાન સર્જાયું હતું. વધુમાં કોલોરાડો પરિવહન વિભાગે પણ લોકોને જરૂર ન હોય તો ઘરમાંથી બહાર નહીં નિકળવાની સલાહ આપી છે. અમેરિકાના દક્ષિણ મેદાની ક્ષેત્રમાં હિમવર્ષા સાથે આવેલા તોફાનના કારણે વાહનોના પરીવહન સાથે વિમાનના ટ્રાફિક પર પણ અસર થઈ છે. 


કોલોરાડોના ડેનેવરમાં રવિવારે સવારે ૧૮ ઈંચ જ્યારે લીડવીલેમાં અને સૉપીટમાં ૧૦ ઈંચ બરફ પડયો હતો.

નેશનલ વેધર સર્વિસે ડેનેવરમાં બરફના ભયાનક  તોફાનની ચેતવણી આપતાં કહ્યું કે શનિવારે બપોરથી રાત સુધીમાં ડેનેવરમાં ૧૮થી ૨૫ ઈંચ બરફ પડવાનો અંદાજ છે. આ સિવાય 'ફ્રન્ટ રેન્જ'ની તળેટીના કેટલાક વિસ્તારોમાં ૩૦ ઈંચ સુધીની હિમવર્ષાની આશંકા છે. બરફના તોફાનને ધ્યાનમાં રાખીને કોલોરાડો પરિવહન વિભાગે પણ લોકોને અત્યંત જરૂર ન હોય તો ઘરની બહાર ન નીકળવું.

ડેનેવરમાં બરફના તોફાનના કારણેે એકબાજુ માર્ગ પરિવહન પર અસર થઈ છે તો ડેનેવર બીજી બાજુ ડેનેવર આંતરરાષ્ટ્રીય એરપોર્ટના પ્રવક્તા એમિલી વિલિયમ્સે જણાવ્યું કે, શનિવારે સવારે એરપોર્ટ પર ભારે ભીડ રહી હતી, પરંતુ અંદાજે ૭૫૦ ફ્લાઈટ્સ કેન્સલ કરાઈ હતી અને રવિવાર માટે પણ અંદાજે ૧,૩૦૦થી વધુ ફ્લાઈટ્સ રદ કરાઈ હતી.

અમેરિકાના અગ્રણી હવામાનશાસ્ત્રી ટેલર મૌલ્દિને જણાવ્યું હતું કે, પશ્ચિમી મેદાની અને પર્વતીય પ્રદેશમાં કોલોરાડોના ડેનેવરમાં રવિવારે સવારે ૧૮ ઈંચ જ્યારે લીડવીલેમાં અને સૉપીટમાં ૧૦ ઈંચ બરફ પડયો હતો જ્યારે બોલ્ડરના ઉત્તરીય વિસ્તારોમાં બે ફૂટથી વધુ બરફ પડયો હતો. હવામાન વિભાગના જણાવ્યા મુજબ ડેનેવર આંતરરાષ્ટ્રીય હવાઈમથકે સાત ઈંચ બરફ પડયો હતો. પરિણામે અહીં ૨,૦૦૦થી વધુ ફ્લાઈટ્સ રદ કરવી પડી હતી.

બોલ્ડરમાં નેશનલ વેધર સર્વિસે ડેનેવરની ઉત્તરથી વ્યોમિંગની સરહદ સુધી મધ્યમથી ભારે હિમવર્ષા અને વિઝિબિલિટીમાં નોંધપાત્ર ઘટાડાની ચેતવણી આપી હતી. યુટાના સોલ્ટ લેક સિટીમાં પણ હવામાન વિભાગે એકથી બે ફૂટ બરફ પડવાની સંભાવના વ્યક્ત કરી હતી. વ્યોમિંગ, નેબ્રાસ્કા અને દક્ષિણ ડકોટાના અનેક ભાગોમાં હિમવર્ષાની સાથે ભારે પવન ફૂંકાયો હતો. દરમિયાન કેનસાસ અને મિસૌરીના વિસ્તારોમાં ભારે વરસાદના કારણે પૂરની સ્થિતિ સર્જાઈ હતી જ્યારે નેબ્રાસ્કા અને આયોવાના અનેક ભાગોમાં મૂશળધાર વરસાદ ખાબક્યો હતો. 

વાવાઝોડાંની સિસ્ટમ આગામી બે દિવસમાં પૂર્વ તરફ ફંટાઈ હોવાથી દક્ષિણ-પૂર્વ વિસ્તારોમાં પૂરની અસર જોવા મળી શકે છે. અલાબામા અને જ્યોર્જિના અનેક ભાગોમાં સોમવાર અને મંગળવારે બેથી ચાર ઈંચ વરસાદ પડવાની શખ્યતા છે. ટેક્સાસમાં રેન્ડલ કાઉન્ટીના શેરિફ ક્રિસ્ટોફર ફોર્બિસે ચેતવણી આપી હતી કે વાવાઝોડાના કારણે અનેક વિસ્તારોમાં વીજળી ખોરવાઈ શકે છે. કેટલાક વિસ્તારોમાં એક સાથે બે ટોર્નેડો સક્રિય થતાં બેઝબોલના આકારના કરાં પડયાં હતા.