×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

પેટ્રોલ-ડીઝલના ભાવ મુદ્દે રાજ્યસભા-લોકસભામાં હોબાળો


(પીટીઆઈ) નવી દિલ્હી, તા. 8 માર્ચ, 2021, સોમવાર

પેટ્રોલ-ડીઝલના ભાવવધારા મુદ્દે વિપક્ષોએ સંસદના બંને ગૃહોમાં હોબાળો મચાવ્યો હતો. સત્તાપક્ષના સાંસદો અને વિપક્ષના સાંસદો વચ્ચે બંને ગૃહમાં ઉગ્ર દલીલો થઈ હતી. એ પછી રાજ્યસભાની કાર્યવાહી સૃથગિત કરવામાં આવી હતી. લોકસભાની કાર્યવાહી તો એક દિવસ માટે જ સૃથગિત કરવી પડી હતી. કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને લોકસભામાં સ્વીકાર્યું હતું કે છેલ્લાં સાત વર્ષમાં રાંધણગેસના ભાવ બમણાં થયા છે. પેટ્રોલ-ડીઝલમાં સરકારનું ટેક્સ કલેક્શન 459 ટકા વધ્યું છે. કેરોસીનના ભાવમાં પણ અઢી ગણો વધારો થયો છે. રાંધણગેસના ભાવ માર્ચ-2014માં 410 રૂયિયા હતા, જે માર્ચ-2021માં 819 થઈ ગયા છે. વિપક્ષના નેતા ખડગેએ આરોપ લગાવ્યો હતો કે પેટ્રોલ-ડીઝલના મર્યાદ ભાવ વધારામાંથી કેન્દ્ર સરકારે 21 લાખ કરોડની કમાણી કરી લીધી છે. લોકો પરેશાન છે ને સરકાર નફાખોરી કરી રહી છે એવા નિવેદન પછી ભારે હોબાળો થયો હતો.

રાજ્યસભામાં વિપક્ષના નેતા ખડગેનો આક્ષેપ

સરકારે પેટ્રોલ-ડીઝલમાંથી 21 લાખ કરોડ રૂપિયા ખંખેરી લીધા

રાજ્યસભામાં ત્રણ નવા સાંસદોએ શપથ ગ્રહણ કર્યા  : પેટ્રોલ-ડીઝલ મુદ્દે વાતાવરણ તંગ બનતા લોકસભા એક દિવસ માટે સ્થગિત

(પીટીઆઈ) નવી દિલ્હી, તા. 8 માર્ચ, 2021, સોમવાર

રાજ્યસભામાં દિવસની શરૂઆતમાં ત્રણ નવા સાંસદોએ શપથ ગ્રહણ કર્યા હતા. ત્રણેય સભ્યો ભાજપના છે. બે ગુજરાતના અને એક આસામના સાંસદનું રાજ્યસભામાં સત્તાવાર સ્વાગત થયું હતું.

એ પછી રાજ્યસભામાં વિપક્ષોએ પેટ્રોલ-ડીઝલના બેકાબૂ બનેલા ભાવનો મુદ્દો ઉઠાવ્યો હતો. તેના કારણે ગૃહનું વાતાવરણ તંગ બની ગયું હતું. વિપક્ષના સાંસદોએ પેટ્રોલ-ડીઝલ-રાંધણગેસના ભાવ વધારા મુદ્દે સરકારને ચર્ચા કરવાનો પડકાર ફેંક્યો હતો.

સભાપતિ વૈકેયા નાયડુએ રાજ્યસભામાં કહ્યું હતું કે વિપક્ષના નેતા ખડગેએ તેમને નિયમ 267 અંતર્ગત બીજી કામગીરી સૃથગિત કરીને પેટ્રોલ-ડીઝલની ચર્ચા માટેની વિનંતી કરતી અરજી કરી છે, પણ એ સ્વીકારવામાં આવી નથી. આ જાહેરાત પછી વિપક્ષના સાંસદોએ હોબાળો મચાવ્યો હતો.

વિપક્ષના નેતા ખડગેએ આરોપ લગાવ્યો હતો કે પેટ્રોલ-ડીઝલના મર્યાદ ભાવ વધારામાંથી કેન્દ્ર સરકારે 21 લાખ કરોડની કમાણી કરી લીધી છે. લોકો પરેશાન છે ને સરકાર નફાખોરી કરી રહી છે એવા નિવેદન પછી ભારે હોબાળો થયો હતો.

એ જ રીતે લોકસભામાં પણ વિપક્ષોએ પેટ્રોલ-ડીઝલ-રાંધણગેસના ભાવવધારા માટે ચર્ચા કરવાની માગણી કરી હતી. લોકસભામાં બે સીટિંગ અને સાત પૂર્વ સાંસદોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. એ પછી તુરંત જ હોબાળો થયો હતો. વાતાવરણ ભારે તંગ થઈ જતાં એક દિવસ માટે લોકસભા સૃથગિત કરવાનો નિર્ણય જાહેર કરાયો હતો.

દરમિયાન ગૃહના સૂત્રોને ટાંકીને રજૂ થયેલા અહેવાલોમાં એવો પણ દાવો થયો હતો વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને આ સત્રને ટૂંકાવવામાં આવી શકે છે. નેતાઓ પ્રચારમાં વ્યસ્ત છે. તેમને લોકસભાની કાર્યવાહી કરતાં આગામી વિધાનસભાની ચૂંટણી જીતવામાં વધારે રસ છે.

ઘણાં પક્ષોએ રાજ્યસભાના ચેરમેન અને લોકસભા સ્પીકરને સત્ર વહેલું સમાપ્ત કરવાની વિનંતી કરી છે. આગામી દિવસોમાં આ અંગે બંને ગૃહોમાં નિર્ણય લેવાશે. સત્ર 8મી એપ્રિલ સુધી ચાલવાનું છે, પણ ઘટાડીને 27મી માર્ચ કરવાની વિનંતી થઈ છે.

ધર્મેન્દ્ર પ્રધાનની લોકસભામાં કબૂલાત

સરકારને પેટ્રોલ-ડીઝલમાંથી 11 મહિનામાં 2.94 લાખ કરોડની કમાણી

દેશ કોરોનામાં પાઈ-પાઈનો મહોતાજ હતો ત્યારે કેન્દ્રના તાગડધિન્ના  મોદી શાસનમાં એલપીજીના ભાવ રૂ. 410થી વધી રૂ. 819 થયા

(પીટીઆઈ) નવી દિલ્હી, તા. 8 માર્ચ, 2021, સોમવાર

લોકસભામાં ધર્મેન્દ્ર પ્રધાનને પેટ્રોલિયમની કિંમતો અંગે સવાલ પૂછાયો હતો. જવાબમાં ધર્મેન્દ્ર પ્રધાને સ્વીકાર્યું હતું કે રાંધણગેસના ભાવ છેલ્લાં સાત વર્ષમાં બમણાં થઈ ચૂક્યા છે. એ જ રીતે  2014માં એક લિટર કેરોસીનની કિંમત 14.96 રૂપિયા હતી. 2021માં આ કિંમત 35.35 રૂપિયા થઈ ગઈ છે.

પેટ્રોલ-ડીઝલમાંથી સરકારે ધીકતી કમાણી કરી છે. એ વાતનો સ્વીકાર પેટ્રોલિયમ મંત્રીએ પણ કર્યો હતો. મંત્રીએ સ્વીકાર્યું હતું એ પ્રમાણે 2013માં પેટ્રોલ-ડીઝલમાંથી સરકારે 52,537 કરોડ રૂપિયાનું ટેક્સ કલેક્શન મેળવ્યું હતું.

2019-20ના વર્ષમાં ટેક્સ કલેક્શન વધીને 2.13 લાખ કરોડ થયું હતું. છેલ્લાં 11 મહિનામાંજ સરકારનું પેટ્રોલ-ડીઝલમાંથી ટેક્સ કલેક્શન 2.94 લાખ કરોડ થઈ ચૂક્યું છે. એમાં એક મહિનો ઉમેરાશે એટલે આંકડો ત્રણ લાખ કરોડને પાર થઈ જાય તો નવાઈ પામવા જેવું નહીં હોય.

અત્યારે સરકાર પેટ્રોલમાંથી એક લિટરે 32.90 રૂપિયાનો ટેક્સ વસૂલે છે અને ડીઝલમાંથી 31.80 રૂપિયાનો ટેક્સ મેળવે છે. 2018માં સરકાર એક લિટર પેટ્રોલે 17.98 અને ડીઝલમાં 13.83 રૂપિયા વસૂલતી હતી. એ ટેક્સ માત્ર બે-અઢી વર્ષમાં જ બમણો થઈ ચૂક્યો છે.

ધર્મેન્દ્ર પ્રધાને લેખિતમાં સ્વીકાર્યું હતું એ મુજબ પેટ્રોલિયમ પ્રોડક્ટમાંથી સરકારે 2016-17માં 2.37 લાખ કરોડની કમાણી કરી હતી. એપ્રિલ-2020થી જાન્યુઆરી-2021 સુધીમાં જ સરકારે પેટ્રોલિયમ પ્રોડક્ટમાંથી 3.01 લાખ કરોડનો ટેક્સ વસૂલ્યો હતો. છેલ્લાં 15 માસમાં એક લિટર પેટ્રોલમાં 11.77 રૂપિયાનો ટેક્સ વધારો થયો હતો.

ડીઝલમાં લિટરે 13.47 રૂપિયા વધ્યા હતાં. ધર્મેન્દ્ર પ્રધાને કહ્યું હતું એ પ્રમાણે સરકારે ઓક્ટોબર-2017માં બે રૂપિયાની એક્સાઈઝ ડયૂટી ઘટાડી હતી, પરંતુ જુલાઈ-2019માં બે રૂપિયાનો વધારો પણ કરાયો હતો. માર્ચ-2020માં લિટરમાં 3 રૂપિયાની એક્સાઈઝ ડયૂટીનો વધારો સરકારે ઝીંક્યો હતો.

મેમાં સરકારે ફરી વખત પેટ્રોલમાં એક લિટરે 10 રૂપિયાની એક્સાઈઝ ડયૂટી વધારી હતી અને ડીઝલમાં 13 રૂપિયાની એક્સાઈઝ ડયૂટી એક લિટરે વધારાઈ હતી.  લોકડાઉન ચાલતું હતું ત્યારે આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રૂડના ભાવ ઐતિહાસિક તળીયે ગયા હતા. આથી લોકોને ક્રૂડમાં ઘટાડાનો લાભ ન આપવો પડે તે માટે સરકારે પેટ્રોલ-ડીઝલની એક્સાઈઝ ડયુટીમાં જંગી વધારો કર્યો હતો.