×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

બંગાળના લાખો ભત્રીજી-ભત્રીજાની આશા છોડીને તમે માત્ર તમારા ભત્રીજાની લાલચ કેમ પુરી કરી? : નરેન્દ્ર મોદીએ મમતા બેેનર્જી પર નિશાન સાધ્યું

કોલકાતા, તા. 7 માર્ચ 2021, રવિવાર

પશ્ચિમ બંગાળ વિધાનસભાની ચૂંટણીની જાહેરાત થતાની સાથે જ ખરાખરીનો રાજકિય જંગ જામ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ત્યારે પશ્ચિમ બંગાળના કોલકાતા પહોંચ્યા છે. જ્યાં તેઓ બ્રિગેડ મેદાનની અંદર વિશાળ જનસભાને સંબોધી રહ્યા છે. આ સાથે જ વડાપ્રધાને ભાજપ તરફથી ચૂંટણી અભિયાનનો શંખનાદ કર્યો છે.


વડાપ્રધાન નરેન્દ્ર મોદી બ્રિગેડ ગ્રાઉન્ડ પહોંચે તે પહેલા જ બોલિવૂડ અભિનેતા મિથુન ચક્રવર્તી ભાજપમાં જોડાયા હતા. તેમણે મંચ પર ભાજપના વરિષ્ઠ નેતાઓની હાજરીમાં પાર્ટીનો ઝંડો લહેરાવ્યો હતો. ત્યારબાદ જ્યારે નરેન્દ્ર મોદી બ્રિગેડ ગ્રાઉન્ડ ખાતે પહોંચ્યા ત્યારે મિથુન ચક્રવર્તીએ તેમનું સ્વાગત કર્યુ હતું.

ત્યારબાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના ભાષણની શરુઆત કરી હતી. ભાષણની શરુઆત તેમણે વંદે માતરમ અને ભારત માતાની જય નારા સાથે કરી હતી. ભાષણની શરુઆતમાં તેમણે કહ્યું કે ‘મેં અત્યાર સુધીમાં સેંકડો રેલીઓ કરી છે, પરંતુ ક્યારેય આટલો મોટો જનસૈલાબ જોયો નથી. મેં હેલિકોપ્ટરમાંથી જોયું તો મેદાનમાં બિલકુલ જગ્યા નહોતી. હજુ તો લોકો આ તરફ આવી રહ્યા છે.’

વડાપ્રધાન મોદીના ભાષણના અંશો :-

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોલકાતાના બ્રિગેડ મેદાન ખાતેથી વિશાળ રેલીને સંબોધતા કહ્યું કે, 'બંગાળની આ ધરતીએ આપણા સંસ્કારોને ઉર્જા આપી છે. બંગાળની આ ધરતીએ ભારતની આઝાદીના આંદોલનમાં નવા પ્રાણ ફુંક્યા છે. બંગાળની આ ધરતીએ જ્ઞાન-વિજ્ઞાનમાં ભારતનું ગૌરવ વધાર્યું છે.'

બંગાળે એક કાયદો, એક નિશાન, એક પ્રધાન આપ્યા

વડાપ્રધાને કહ્યું કે, 'બંગાળથી નીકળેલા મહાન વ્યક્તિત્વોએ એક ભારત, શ્રેષ્ઠ ભારતની ભાવનાને સશક્ત બનાવી. બંગાળની આ ધરતીએ એક કાયદો, એક નિશાન, એક પ્રધાન માટે બલિદાન આપનારા સપૂતો આપ્યા. આવી પાવન જમીનને હું નમન કરૂં છું.'

'બ્રિગેડ ગ્રાઉન્ડની આસપાસ એક તરફ સ્વામી વિવેકાનંદજીનું જન્મસ્થળ છે. બીજી બાજુ નેતાજી સુભાષ ચંદ્ર બોઝનું નિવાસ સ્થાન છે. એક તરફ મહર્ષિ ઓરોબિન્દોનું જન્મ સ્થળ છે તો બીજી બાજુ શ્યામા પ્રસાદ મુખર્જીનું જન્મ સ્થળ છે.'

'મમતા દીદીએ વિશ્વાસ તોડ્યો'

વડાપ્રધાને કહ્યું કે, 'બંગાળે પરિવર્તન માટે મમતા દીદી પર વિશ્વાસ મુક્યો હતો. પરંતુ દીદી અને તેમના કેડરે આ વિશ્વાસ તોડી નાખ્યો. આ લોકોએ બંગાળનો વિશ્વાસ તોડ્યો. આ લોકોએ બંગાળને અપમાનિત કર્યું. અહીંની બહેન દીકરીઓ પર અત્યાચાર કર્યા. 


TMC, લેફ્ટ-કોંગ્રેસનું બંગાળ વિરોધી વલણ

'આ વખતની વિધાનસભા ચૂંટણીમાં એક બાજુ TMC છે, લેફ્ટ-કોંગ્રેસ છે, તેમનું બંગાળ વિરોધી વલણ છે અને બીજી બાજુ બંગાળની જનતા પોતે જ કમર કસીને ઉભી રહી ગઈ છે.'

અમે દરેક પળે તમારા માટે જીવીશું

વડાપ્રધાને કહ્યું કે, 'હું વિશ્વાસ અપાવવા આવ્યો છું કે, તમારા માટે, અહીંના નવયુવાનો માટે, ખેડૂતો, ઉદ્યોગ  સાહસિકો, અહીંની બહેન-દીકરીઓના વિકાસ માટે અમે દિવસ-રાત 24 કલાક મહેનતથી કામ કરીશું. અમે  મહેનત કરવામાં કોઈ કમી નહીં રાખીએ. અમે દરેક પળ તમારા માટે જીવીશું. અમે દરેક પળ તમારા સપના  માટે જીવીશું.'

પરિવર્તનનો વિશ્વાસ અપાવવા આવ્યો

'આજે બ્રિગેડ ગ્રાઉન્ડમાં તમારા લોકોનો હુંકાર સાંભળ્યા બાદ કોઈને કોઈ શંકા નહીં રહે. કેટલાક લોકોને તો  આજે જ 2 મે હોવાનું લાગી રહ્યું છે. બ્રિગેડ ગ્રાઉન્ડથી હું પરિવર્તનનો વિશ્વાસ અપાવવા જ આવ્યો છું.  બંગાળના વિકાસ, બંગાળમાં પરિસ્થિતિ બદલવાનો અને રોકાણ વધારવાનો, બંગાળના પુનઃનિર્માણનો,  બંગાળની સંસ્કૃતિના સંરક્ષણનો વિશ્વાસ અપાવવા આવ્યો છું.'

તમે એક જ ભત્રીજાની ફઇ કેમ થયા? 

નરેન્દ્ર મોદીએ મમતા બેનર્જી પર નિશાન સાધતા કહ્યું કે તમે એક જ ભત્રીજાની ફઇ કેમ થયા? બંગાળના લાખો ભત્રીજા અને ભત્રીજીઓની આશાને ઠોકર મારીને માત્ર તમારા ભત્રીજાની લાલચ કેમ પુરી કરી? તમે પણ ભાઇ-ભત્રીજાવાદના એ કોંગ્રેસી સંસ્કારોને છોડી ના શકી, જેની સામે તમે બળવો કર્યો હતો. દીદી તમે માત્ર બંગાળ જ નહીં પણ પણ આ દેશની દીકરી છો. થોડા દિવસો પહેલા તમે સ્કૂટી ચલાવી હતા, ત્યારે બધાએ પ્રાર્થના કરી કે તમે સકુશળ રહો. સારુ થયું કે તમે સ્કૂટી પરથી પડ્યા નહીં, નહીંતર જે રાજ્યમાં સ્કૂટી બની હતી તેને તમે દુશ્મન ગણી લેત.