×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

લોકસભામાં તૃણમૂલ હાફ થઈ હતી, વિધાનસભામાં સાફ થઈ જશે : મોદી


કોલકાતા, તા. ૭

બંગાળમાં વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર થયા પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પહેલી વખત રવિવારે કોલકાતાના બ્રિગેડ પરેડ મેદાન પર રેલી મારફત મુખ્યમંત્રી મમતા બેનરજી પર શાબ્દિક પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું લોકસભામાં તૃણમૂલ હાફ થઈ ગઈ હતી, હવે વિધાનસભામાં સાફ થઈ જશે. પરિવારવાદ મુદ્દે વડાપ્રધાને મમતા બેનરજીને ઘેરતાં કહ્યું કે, તમે એક જ ભત્રીજાના ફઈબા બનવાની લાલચ કેમ રાખી? બંગાળના લાખો ભત્રીજા-ભત્રીજીઓની આશાના બદલે તમે પોતાના ભત્રીજાની લાલચ પૂરી કરવામાં શા માટે લાગી ગયા? તમે પણ પરિવારવાદના કોંગ્રેસી સંસ્કારો છોડી ન શક્યા, જેના વિરુદ્ધ તમે પોતે બળવો કર્યો હતો. આ સાથે રવિવારે બોલિવૂડ અભિનેતા મિથુન ચક્રવર્તી કોલકાતાની રેલીમાં ભાજપમાં જોડાઈ ગયા હતા.


વડાપ્રધાન મોદીએ જમ્મુ-કાશ્મીરમાંથી કલમ ૩૭૦ નાબૂદી અને અયોધ્યામાં બની રહેલા રામ મંદિરનો પણ ઉલ્લેખ કર્યો. તેમણે કહ્યું કે લોકસભા ચૂંટણીમાં તમે ચૂપચાપ કમલ છાપથી કમાલ કરી હતી. તમારા એક મતની શક્તિ કાશ્મીરથી લઈને અયોધ્યા સુધી જોવા મળી છે. તેમણે મમતા બેનરજી તરફ ઈશારો કરતાં કહ્યું કે, દીદી તમે બંગાળના જ નહીં આખા ભારતનાં પુત્રી છો. થોડાક દિવસ પહેલાં તમે સ્કૂટી હાથમાં પકડયું ત્યારે બધા પ્રાર્થના કરી રહ્યા હતા કે તમે સકુશળ રહો. સારું થયું કે તમે પડી ન ગયા, નહીં તો જે રાજ્યમાં આ સ્કૂટી બન્યું છે, તે રાજ્યને જ તમે તમારું દુશ્મન બનાવી લીધું હોત. તેમણે ઉમેર્યું કે, આજે પશ્ચિમ બંગાળના યુવાનો, અહીંના પુત્ર-પુત્રીઓ તમને સવાલ પૂછે છે. તેમણે તમને દીદીની ભૂમિકામાં પસંદ કર્યા હતા, પરંતુ તમે પોતાને એક જ ભત્રીજાના ફઈબા સુધી સિમિત શા માટે કરી દીધા?

વડાપ્રધાન મોદીએ કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી પર પણ નિશાન સાધતા કહ્યું કે આજકાલ અમારા વિરોધી પણ કહે છે કે હું મિત્રો માટે કામ કરું છું. અને હું કહું છું કે હા, હું મિત્રો માટે કામ કરું છું અને કરતો રહીશ. પણ મારા આ મિત્રો ગરીબો છે. હું બાળપણમાં ગરીબોની સાથે જ ભણ્યો, રમ્યો અને ઉછર્યો છું. તેથી તેમનું દુઃખ હું સમજી શકું છું. પીએમે કહ્યું, બંગાળના ચાવાળા, અહીંના ટી ગાર્ડન્સમાં કામ કરતા અમારા ભાઈ-બહેન મારા વિશેષ મિત્રો છે. અમારી સરકારના પ્રયાસોથી મારા આ ચાવાળા મિત્રોને સોશિયલ સિક્યોરિટી સ્કીમનો પણ લાભ મળવાનું નિશ્ચિત થયું છે.

મોદીએ બ્રિગેડ ગ્રાઉન્ડની રેલીમાં શ્યામા પ્રસાદ મુખરજીને યાદ કરતાં કહ્યું કે બંગાળથી નિકળેલા મહાન વ્યક્તિત્વોએ એક ભારત, શ્રેષ્ઠ ભારતની ભાવનાને સશક્ત કરી છે. બંગાળની આ ધરતીએ એક બંધારણ, એક નિશાન, એક પ્રધાન માટે બલિદાન આપનારા સપૂત આપણને આપ્યા છે. શ્યામા પ્રસાદ મુખરજી જમ્મુ-કાશ્મીરમાં કલમ ૩૭૦નો વિરોધ કરતા હતા અને મોદી સરકારે તેમનું આ સપનું પૂરું કર્યું. વડાપ્રધાને બંગાળમાં સત્તા પરિવર્તનનો દાવો કરતાં કહ્યું કે આ જે બ્રિગેડ ગ્રાઉન્ડમાં તમારા લોકોનો હુંકાર સાંભળ્યા પછી હવે કોઈને શંકા નહીં રહે. કેટલાક લોકોને તો આજે જ કદાચ બીજી મે આવી ગઈ તેમ લાગતું હશે. વિશાળ જનસભાને સંબોધતાં મોદીએ કહ્યું, હું બ્રિગેડ ગ્રાઉન્ડથી આપને આ સંપૂર્ણ પરિવર્તનનો વિશ્વાસ અપાવવા આવ્યો છું. વિશ્વાસ બંગાળના વિકાસનો, બંગાળમાં સ્થિતિઓ બદલવાનો, બંગાળમાં રોકાણ વધારવાનો, બંગાળના પુનઃ ર્નિર્માણનો. બંગાળમાં ૪ કરોડથી વધુ જન ધન ખાતા ખોલાયા હતા, તેમાંથી અડધાથી વધુ મહિલાઓના છે.