×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

ભારતના રહેવા લાયક સ્થળોમાં બેંગ્લુરુ પ્રથમ નંબરે, ૬૪.૮૭ પોઈન્ટ્સ સાથે અમદાવાદ ત્રીજા નંબરે



(પીટીઆઈ) નવી દિલ્હી, તા. ૪
કેન્દ્ર સરકારે ૧૧૧ શહેરોનો ઈઝ ઓફ લિવિંગ ઈન્ડેક્ષ રજૂ કર્યો હતો. બે કેટેગરીમાં રેન્કિંગ જાહેર થયું હતું. ૧૦ લાખથી વધુ વસતિ ધરાવતા શહેરોની એક કેટેગરી બનાવાઈ હતી અને ૧૦ લાખથી ઓછી વસતિ હોય એવા શહેરોની બીજી કેટેગરી બનાવવામાં આવી હતી. ૧૦ લાખથી વધુ વસતિ ધરાવતા શહેરોના રેન્કિંગમાં બેંગ્લુરુને પ્રથમ ક્રમ અપાયો હતો.
શિક્ષણ, સ્વાસ્થ્ય, સ્વચ્છતા, પરિવહન, સુરક્ષા, આર્થિક વિકાસની તકો, ગ્રીનકવર, વીજળીની ખપત જેવા માપદંડોના આધારે દેશના ૧૧૧ શહેરોનું મૂલ્યાંકન કરાયું હતું. કેન્દ્ર સરકારે બે કેટેગરીમાં ઈન્ડેક્ષ રજૂ કર્યો હતો. ૧૦ લાખથી વધુ વસતિ ધરાવતા શહેરોનું એક લિસ્ટ બનાવાયું હતું. ૧૦ લાખથી ઓછી વસતિ ધરાવતા શહેરોનું બીજું લિસ્ટ બનાવાયું હતું. ૧૦ લાખથી વધુ વસતિ ધરાવતા શહેરોના રેન્કિંગમાં બેંગ્લુરુએ ૧૦૦માંથી ૬૬.૭૦ પોઈન્ટ્સ મેળવ્યા હતા. તે સાથે જ બેંગ્લુરુને પ્રથમ ક્રમ મળ્યો હતો. એટલે કે બેંગ્લુરુ દેશનું પ્રથમ નંબરનું રહેવા લાયક શહેર છે.
૬૬.૨૭ સાથે પૂણે બીજા ક્રમે રહ્યું હતું. ૬૪.૮૭ પોઈન્ટ્સ સાથે અમદાવાદા ત્રીજું, ૬૨.૬૧ સાથે ચેન્નાઈ ચોથું, ૬૧.૭૩ સાથે સુરત પાંચમા નંબરે રહ્યું હતું. ટોપ-૧૦માં અમદાવાદ, સુરત, વડોદરા એમ ત્રણ ગુજરાતના શહેરોનો સમાવેશ થયો હતો. ૧૦ લાખથી ઓછી વસતિ ધરાવતા શહેરોમાં શિમલા પ્રથમ ક્રમે રહ્યું હતું. એ શહેરોના લિસ્ટમાં પણ ગુજરાતના પાટનગર ગાંધીનગરનો સમાવેશ થયો હતો. બંને કેટેગરીમાં મળીને ગુજરાતના ચાર શહેરો ટોપ-૧૦માં સામેલ થયા હતા.
હવા પ્રદૂષણના કારણે કુખ્યાત થઈ રહેલાં ભારતના પાટનગર દિલ્હીનો ટોપ-૧૦માં સમાવેશ થયો ન હતો. દિલ્હી ૧૩મા ક્રમે રહ્યું હતું. ૧૦ લાખથી વધુ વસતિ ધરાવતા શહેરોની કેટેગરીમાં સૌથી છેલ્લો ક્રમ શ્રીનગરને મળ્યો હતો. ૧૦ લાખથી વધુ વસતિ ધરાવતા શહેરોમાં દેશના ૪૯ શહેરોનો સમાવેશ થયો હતો. ૧૦ લાખથી ઓછી વસતિ ધરાવતા શહેરોમાં ૬૨ શહેરો હતા. એ કેટેગરીમાં બિહારનું મુઝફ્ફરપુર સૌથી છેલ્લું શહેર હતું. ઉત્તર પ્રદેશ, બિહાર, મધ્યપ્રદેશના શહેરો પાછળના ક્રમે રહ્યા હતા.

૧૦ લાખથી વધુ વસતિ ધરાવતા રહેવા લાયક ૧૦ શહેરો
ક્રમ    નામ    પોઈન્ટ્સ    રાજ્ય
૧    બેંગ્લુરુ    ૬૬.૭૦    કર્ણાટક
૨    પૂણે    ૬૬.૨૭    મહારાષ્ટ્ર
૩    અમદાવાદ    ૬૪.૮૭    ગુજરાત
૪    ચેન્નઈ    ૬૨.૬૧    તમિલનાડુ
૫    સુરત    ૬૧.૭૩    ગુજરાત
૬    નવી મુંબઈ    ૬૧.૬૦    મહારાષ્ટ્ર
૭    કોઈમ્બતુર    ૫૯.૭૨    તમિલનાડુ
૮    વડોદરા    ૫૯.૨૪    ગુજરાત
૯    ઈન્દોર    ૫૮.૫૮    મધ્યપ્રદેશ
૧૦    મુંબઈ    ૫૮.૨૩    મહારાષ્ટ્ર

-
૧૦ લાખથી ઓછી વસતિ ધરાવતા રહેવા લાયક ૧૦ શહેરો
ક્રમ    નામ    પોઈન્ટ્સ    રાજ્ય
૧    શિમલા    ૬૦.૯૦    હિમાચલ પ્રદેશ
૨    ભુવનેશ્વર    ૫૯.૮૫    ઓડિશા
૩    સેલ્વાસ    ૫૮.૪૩    દાદરા-નગર હવેલી (કેન્દ્રશાસિત)
૪    કાકિનાડા    ૫૬.૮૪    આંધ્રપ્રદેશ
૫    સેલમ    ૫૬.૪૦    તમિલનાડુ
૬    વેલ્લોર    ૫૬.૩૮    તમિલનાડુ
૭    ગાંધીનગર    ૫૬.૨૫    ગુજરાત
૮    ગુરુગ્રામ    ૫૬.૦૦    હરિયાણા
૯    દાવનગરે    ૫૫.૨૫    કર્ણાટક
૧૦    તિરૃચિરાપલ્લી    ૫૫.૨૪    તમિલનાડુ