×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

કોરોનાઃ ભારત બાયોટેકે શરૂ કરી નેઝલ વેક્સિનની ટ્રાયલ, શોર્ટલિસ્ટ કરાયા 10 લોકો


- ભારત બાયોટેક દ્વારા નિર્મિત કોરો-ફ્લૂના એક ટીપાથી જ કામ થઈ જશે

નવી દિલ્હી, તા. 5 માર્ચ, 2021, શુક્રવાર

દેશમાં કોરોના વાયરસ વિરૂદ્ધ વેક્સિનેશનનું કામ ચાલી રહ્યું છે ત્યારે આ મિશનમાં હવે વધુ એક સફળતા હાથ લાગી છે. હૈદરાબાદ સ્થિત ભારત બાયોટેક કંપનીએ નેઝલ વેક્સિનની ટ્રાયલ શરૂ કરી દીધી છે. તેમાં નાક દ્વારા વેક્સિનનો ડોઝ આપવામાં આવી રહ્યો છે જે કોરોના સામે કારગર સાબિત થઈ શકે છે. 

ભારત બાયોટેકે વર્ષની શરૂઆતમાં જ ફેઝ-1 ટ્રાયલ માટે મંજૂરી માંગી હતી જેને ડ્રગ કંટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયા તરફથી મંજૂર કરવામાં આવી હતી. આ સપ્તાહની શરૂઆતથી જ હૈદરાબાદની એક હોસ્પિટલમાં ઈન્ટ્રાનેઝલ વેક્સિન (BBV154)ની ટ્રાયલ શરૂ કરી દેવામાં આવી હતી. આ ટ્રાયલ માટે 10 લોકોને શોર્ટલિસ્ટ કરવામાં આવ્યા છે જ્યારે બે લોકોને વેક્સિન અપાઈ ચુકી છે. ભારત બાયોટેકના કહેવા પ્રમાણે જે બે વ્યક્તિને વેક્સિન આપવામાં આવી છે તેઓ બિલકુલ સ્વસ્થ છે. 

નેઝલ વેક્સિનની ટ્રાયલ સંપૂર્ણપણે સફળ થાય અને તેને મંજૂરી મળે તો કોરોના વાયરસનું જોખમ રોકવામાં તે ખૂબ જ કારગર સાબિત થશે. આ વેક્સિન નાકથી આપવામાં આવતી હોવાથી વધુ કારગર થાય તેવી શક્યતા છે. ભારત બાયોટેક દ્વારા નિર્મિત કોરો-ફ્લૂના એક ટીપાથી જ કામ થઈ જશે. 

ભારત બાયોટેકે વોશિંગ્ટન યુનિવર્સિટી સાથે મળીને Nasal વેક્સિન પર રિસર્ચ કરીને તેને તૈયાર કરી છે. જાણવા મળ્યા મુજબ આ વેક્સિન આપવા કોઈ પણ પ્રકારની સોયની જરૂર નહીં પડે. ઉપરાંત તેના માટે કોઈ પણ જાતના ટ્રેઈન્ડ હેલ્થ વર્કરની જરૂર પણ નહીં પડે.

નેઝલ વેક્સિનના 5 ફાયદાઃ

1. ઈન્જેક્શનથી છુટકારો

2. નાકના આંતરિક હિસ્સામાં ઈમ્યુન તૈયાર થવાથી શ્વાસ વડે સંક્રમણનું જોખમ ઘટશે

3. ઈન્જેક્શનથી છુટકારો મળવાના કારણે હેલ્થવર્કર્સને ટ્રેઈનિંગની જરૂર નહીં

4. ઓછું જોખમ હોવાથી બાળકો માટે પણ વેક્સિનેશનની સુવિધા સંભવ

5. ઉત્પાદન સરળ હોવાથી સમગ્ર વિશ્વમાં ડિમાન્ડ પ્રમાણે ઉત્પાદન અને સપ્લાય સંભવ

ઉલ્લેખનીય છે કે, ભારતમાં હાલ બે વેક્સિનને મંજૂરી આપવામાં આવી છે. સીરમ ઈન્સ્ટિટ્યુટ ઓફ ઈન્ડિયાની કોવિશીલ્ડ, ભારત બાયોટેકની કોવેક્સિન હાલ વેક્સિન પૂરી પાડી રહ્યા છે. બંને વેક્સિનના બે ડોઝ આપવામાં આવે છે જેના વચ્ચે 28 દિવસનો ગાળો રાખવામાં આવે છે.