×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

90થી વધુ તાલુકામાં માવઠું : 15 તાલુકામાં 2 ઈંચ સુધીનો વરસાદ


- ભરઉનાળે  અષાઢી માહોલ સૌરાષ્ટ્રમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ

- હજુ આગામી ચાર દિવસ વરસાદની આગાહી : અનેક સ્થળોએ મહત્તમ તાપમાન 10 ડિગ્રી જેટલું ઘટયું : કેરી, બાજરી, મકાઇ સહિતના પાકને વ્યાપક નુકસાનની ભીતિ

- વીજળી પડવાથી ભાવનગર, મોરબી અને કચ્છમાં 1-1 વ્યક્તિનું મૃત્યુ

અમદાવાદ : વેસ્ટર્ન ડિર્સ્ટબર્ન્સ અને સાયક્લોનિક સર્ક્યુલેશનને પગલે ગુજરાતમાં સતત બીજા દિવસે કમોસમી વરસાદે કેર વર્તાવ્યો છે. આજે ગુજરાતના ૯૦થી વધુ તાલુકામાં માવઠું પડયું હતું. જેમાં જામનગરના ધ્રોલમાં સૌથી વધુ બે ઈંચ વરસાદનો સમાવેશ થાય છે જ્યારે ૧૫ તાલુકામાં ૧ ઈંચથી વધારે વરસાદ પડયો હતો. ભરઉનાળે અષાઢી માહોલથી : મગ,મકાઇ, અડદ, કેરી,બાજરી સહિતના પાકને વ્યાપક નુકસાનની દહેશત છે. હવામાન વિભાગ દ્વારા હજુ ચાર દિવસ માવઠાની આગાહી કરવામાં આવતા ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. 

નૈઋત્ય,દક્ષિણ-પશ્ચિમ દિશાએથી જૂનમાં ચોમાસુ બેસે તે પહેલા દેશની ઉત્તરે સાયક્લોનિક સર્ક્યુલેશનમાં ફેરવાયેલા બે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ  અને હજુ ત્રીજુ ૧ મેના ત્રાટકી રહ્યું છે તથા ભરચોમાસામાં હોય તેવું  ટ્રોફ (હવાના નીચા દબાણનો વિસ્તાર)  સર્જાતા સૌરાષ્ટ્ર સહિત રાષ્ટ્રભરમાં કસમયે ચોમાસુ જામ્યું છે. સૌરાષ્ટ્રમાં હાલ વૈશાખના કાળઝાળ સુકા તડકાં વચ્ચે ઘરે ઘરે કેસર કેરી,અથાણા, ઘંઉ, મસાલાની  સીઝનનો ધમધમાટ હોય તેના બદલે વરસાદી માવઠાંની કમોસમ  જાણે મૌસમ બનીને ત્રાટકી હતી અને ગત મોડી રાત્રિ બાદ આજ  સાંજ સુધીમાં ગાજવીજ સાથે એકથી બે ઈંચ અને જુનાગઢના કેટલાક વિસ્તારોમાં તો ત્રણ-ચાર ઈંચ સુધી વરસાદ ખાબક્યો હતો. 

મોરબીમાં બે સ્થળે વિજળી પડી છે, લોધિકામાં ૧૬ વિજથાંભલા ધસી પડયા છે અને ગોંડલમાં રવેશ તુટી પડયો છે.યાર્ડોમાં પાણી ભરાયા, અનેક શહેરોમાં જળબંબાકાર સર્જાયો તો વીરપુર,જુનાગઢ સહિત વિસ્તારમાં નદીઓમાં પૂર આવ્યા હતા.સૌરાષ્ટ્રના માર્કેટ યાર્ડોને માલ સાચવવામાં નબળાઈ ખુલી પડી હતી.ગઈકાલે જ આગાહી જાહેર થવા છતાં રાજકોટ યાર્ડમાં ખુલ્લામાં પડેલ ઘંઉ સહિતની જણસી પલળી  હતી તો ગોંડલ યાર્ડમાં ડુંગળી,મરચાં સહિતનો પાક ઉપર પાણી ફરી વળ્યું હતું. જેતપુર માર્કેટ  યાર્ડમાં ચોથી વાર ખુલ્લામાં મુકેલા મરચાં, ઘંઉ,ધાણા, મગફળી સહિતનો પાક ભીંજાયો હતો. અનેક યાર્ડમાં ખેડૂતોની કિંમતી જણસીને નુક્શાની થઈ હતી. ઉપરાંત ખેતરોમાં ઉભા પાકમાં ભારે વરસાદથી અને હવામાન ડિસ્ટર્બ થતા વ્યાપક નુક્શાન થયાના ઠેરઠેરથી અહેવાલો છે.ચૈત્રના કમોસમી વરસાદમાં હજુ ખેડૂતોને સહાય બાકી છે ત્યાં વૈશાખમાં સર્વે કરી નુક્શાન વળતરની ઠેરઠેર માંગ ઉઠી છે. 

વિજળી પડવાથી ભાવનગર અને કચ્છ જિલ્લામાં ૧-૧ વ્યક્તિના મૃત્યુના અહેવાલ પ્રાપ્ત થયા છે. ભુજ તાલુકાના લાખોંદ ગામે જાબુંના ઝાડ  પર પાક ઉતારવા ચડેલા ભુજના યુવાન પર આકાશી વીજળી પડતાં યુવાન ગંભીર રીતે સળગી ગયો હતો. તો, ઝાડને ટેકે સીડી પકડીને ઉભેલી તેની પત્ની  ધડાકાના અવાજથી ઉછળીને જમીન પર પટકાતાં ઇજા પહોંચી હતી. બન્નેને સારવાર માટે હોસ્પિટલમાં લઇ અવાતાં જ્યાં યુવકનું મોત નીપજ્યું હતું જ્યારે મહિલાને સારવાર હેઠળ દાખલ કરાઇ હતી. બનાવને પગલે મૃતકના પરિવારજનોમાં ગમગીની છવાઇ ગઇ હતી.

અમદાવાદનું મહત્તમ તાપમાન સામાન્ય કરતાં 9 ડિગ્રી ઘટયું

અમદાવાદના મોટાભાગના વિસ્તારોમાં આજે વહેલી સવારે ગાજવીજ સાથે વરસાદ તૂટી પડયો હતો અને આજે દિવસ દરમિયાન વાદળછાયું વાતાવરણ રહ્યું હતું. જેના પગલે અમદાવાદનું સરેરાશ મહત્તમ તાપમાન સામાન્યથી ૯ ડિગ્રી ઘટીને ૩૨.૮ ડિગ્રી નોંધાયું હતું. આગામી પાંચ દિવસ અમદાવાદનું મહત્તમ તાપમાન ૪૦ ડિગ્રીને પાર જવાની સંભાવના નહિવત્ છે.