×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

9 એપ્રિલે જુનિયર ક્લાર્કની પરીક્ષા લેવાશે,રાજ્ય સરકાર પરીક્ષાર્થીઓને ટ્રાવેલિંગ એલાઉન્સ આપશે



ગાંધીનગર, 31 માર્ચ 2023 શુક્રવાર

ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડ દ્વારા તારીખ 9 એપ્રિલે જુનિયર કલાર્ક પરીક્ષા આયોજિત થશે. જેના કોલલેટર માટેના સમાચાર આપતા ઈન્ચાર્જ અધ્યક્ષ હસમુખ પટેલે ટ્વિટ કરીને જાહેરાત કરી હતી. હસમુખ પટેલે ટ્વિટ કરીને કહ્યું હતું કે, 31-03-2023થી જુનિયર કલાર્ક પરીક્ષા માટે ઉમેદવારો કોલલેટર ડાઉનલોડ કરી શકશે. આજે બપોરે 1.00 વાગ્યાથી જુનિયર ક્લાર્કના કોલ લેટર ડાઉનલોડ થઈ શકશે. તે ઉપરાંત સરકાર ઉમેદવારોને ટ્રાવેલિંગ એલાઉન્સ પણ આપશે. સરકાર દરેક પરીક્ષાર્થીને 254 રૂપિયા એસટી ભાડુ આપશે. આ રકમ આયોગને આપી દેવામાં આવી છે. પરીક્ષા પુરી થયા બાદ બેન્ક ડિટેલ અને કોલ લેટર વેરીફાઈ કરીને નાણાં ચૂકવવામાં આવશે. 

એસટી બસોની પણ સુવિધા કરવામાં આવશે
હસમુખ પટેલે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું કે, પરીક્ષાર્થીને પોતાની રીતે વાહનમાં આવવાની સગવડતા રહે તે માટે આ ભાડુ આપવામાં આવશે. ઉમેદવારો માટે સરકાર દ્વારા એસટી બસોની પણ સુવિધા કરવામાં આવશે. સરકાર દ્વારા કહેવાયું છે કે પરીક્ષા કેન્દ્રો જાણી જોઈને દૂર દૂર રાખવામાં આવ્યાં છે. તે છતાંય કોઈના ધ્યાને કોઈ ગેરરિતી આવે તો તરત ધ્યાન દોરવા વિનંતી કરાઈ છે. સ્વૈચ્છિક સંસ્થાઓને પણ વિદ્યાર્થીઓને યથાશક્તિ સહાય કરવા અપીલ કરવામાં આવી છે.

આ પરીક્ષા યોજવા 30 કરોડ જેટલો ખર્ચ થશે
ગયા વખતે જે પરીક્ષાર્થીઓ પરીક્ષા આપવાના હતાં તે જ પરીક્ષાર્થીઓ આ વખતે પરીક્ષા આપી રહ્યાં છે. આ વખતે આયોગ દ્વારા કડક પણે પરીક્ષાનો અમલ કરાશે. છતાં વિદ્યાર્થીઓને એલર્ટ રહેવા વિનંતી કરાઈ છે. ગઇ વખતે પોલીસની જાગૃતતાથી પરીક્ષાની ગેરરિતી બહાર આવી હતી. આ વખતે પરીક્ષાર્થીઓ ખુદ પણ જાગૃત રહે તેવી અપીલ કરાઈ છે. આ પરીક્ષા યોજવા 30 કરોડ જેટલો ખર્ચ થશે. તે ઉપરાંત વીસ કરોડ રૂપિયા ભાડા રૂપે ચૂકવાશે. 

તલાટીની પરીક્ષા 30 એપ્રિલે યોજવા તૈયારીઓ
હસમુખ પટેલે કહ્યું હતું કે, આગામી 30મી એપ્રિલે તલાટીની પરીક્ષા લેવા માટે આયોગ દ્વારા તૈયારીઓ કરાઈ છે. પરંતુ પુરતા પ્રમાણમાં પરીક્ષા કેન્દ્રો મળ્યાં નથી. 17 લાખ ઉમેદવારો સામે 14 લાખ ઉમેદવારો બેસી શકે એટલી જ વ્યવસ્થા ઉપલબ્ધ થઈ શકી છે. કેટલીક કોલેજોને આયોગ તરફથી અપાતુ મહેનતાણું ઓછું પડ્યું છે એટલે કોલેજો મળી નથી.