×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

71 વર્ષના થયા PM મોદી, યોગી-શાહ-રાષ્ટ્રપતિએ પાઠવી શુભેચ્છા, મેગા વેક્સિનેશનની તૈયારી


- પીએમ મોદીના 71મા જન્મ દિવસની પૂર્વ સંધ્યાએ વારાણસીમાં લોકોએ માટીના દીપક પ્રગટાવ્યા હતા અને 71 કિલોના લાડુનો ભોગ લગાવીને પ્રસાદ વહેંચ્યો

નવી દિલ્હી, તા. 17 સપ્ટેમ્બર, 2021,શુક્રવાર

આજે 17 સપ્ટેમ્બરના રોજ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો 71મો જન્મ દિવસ છે. આ નિમિત્તે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, કર્ણાટકના પૂર્વ સીએમ એચડી કુમારસ્વામી, રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ વગેરેએ ટ્વીટ કરીને તેમને શુભેચ્છા પાઠવી હતી. આ પ્રસંગે ભારતીય જનતા પાર્ટી દ્વારા દેશના વિવિધ હિસ્સાઓમાં અનેક કાર્યક્રમો આયોજિત કરવામાં આવી રહ્યા છે. ભાજપ દ્વારા સેવાથી સમર્પણ કેમ્પેઈન ચલાવવામાં આવશે જે 17મી સપ્ટેમ્બરથી 20 દિવસ સુધી ચાલશે. 

વડાપ્રધાન મોદીનો આ જન્મ દિવસ એટલા માટે પણ ખાસ છે કારણ કે, આ વર્ષે તેઓ કોઈ પદ પર બની રહ્યાને પણ 20 વર્ષ પૂરા કરશે. 7 ઓક્ટોબર, 2001ના રોજ તેઓ ગુજરાતના મુખ્યમંત્રી બન્યા હતા અને ત્યારથી લઈને આજ સુધી તેઓ પહેલા મુખ્યમંત્રી અને પછી વડાપ્રધાન પદે આસીન છે. 

ભાજપ દ્વારા આજે અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે અને લોકોને કોવિડ પ્રોટોકોલ અંતર્ગત ઉજવણી કરવા વિનંતી કરવામાં આવી છે. તે સિવાય આજે વેક્સિનેશન મોરચે પણ મોટી ઉપલબ્ધિ મળી શકે છે કારણ કે, આ પ્રસંગે તમામ સરકારો અને સેન્ટર્સે મોટો ટાર્ગેટ સામે રાખ્યો છે. ભાજપ દ્વારા પણ પોતાના સ્તરે વેક્સિનેશન કેમ્પ લગાવવામાં આવી રહ્યા છે. 

દિગ્ગજોએ પાઠવી શુભેચ્છા

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે વડાપ્રધાન મોદીને જન્મ દિવસની શુભેચ્છા પાઠવી હતી. તેમણે લખ્યું હતું કે, ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જન્મ દિવસની હાર્દિક શુભેચ્છાઓ. મારી શુભેચ્છા છે કે, તમે સ્વસ્થ રહો અને દીર્ઘાયુ પ્રાપ્ત કરીને 'અહર્નિશ સેવામહે'ની તમારી સર્વવિદિત ભાવના સાથે રાષ્ટ્ર સેવાનું કાર્ય કરતા રહો. 

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ટ્વીટ કરીને પીએમ મોદીને જન્મ દિવસની શુભેચ્છા પાઠવી હતી. અમિત શાહે લખ્યું હતું કે, દેશના સર્વપ્રિય નેતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીને જન્મ દિવસની શુભેચ્છાઓ. ઈશ્વર પાસે તમારા ઉત્તમ સ્વાસ્થ્ય અને સુદીર્ઘ જીવનની કામના કરૂ છું. મોદીજીએ ન ફક્ત દેશને સમયથી આગળ વિચારવા અને પરિશ્રમની પરાકાષ્ઠાના સંકલ્પને સિદ્ધ કરવાનો વિચાર આપ્યો પરંતુ તેને ચરિતાર્થ કરીને પણ બતાવ્યું. 

યોગી આદિત્યનાથે લખ્યું હતું કે, અંત્યોદયથી આત્મનિર્ભર ભારતની સંકલ્પના સાકાર કરી રહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જન્મ દિવસની શુભેચ્છાઓ. પ્રભુ શ્રી રામની કૃપાથી તમને દીર્ઘાયુ અને ઉત્તમ સ્વાસ્થ્યની પ્રાપ્તિ થાય. તમને આજીવન માતા ભારતીની સેવાનું પરમ સૌભાગ્ય પ્રાપ્ત થતું રહે. 

કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી એચડી કુમારસ્વામીએ લખ્યું હતું કે, હું આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મ દિવસના અવસરે હાર્દિક શુભેચ્છા આપું છું. હું ઈશ્વરને પ્રાર્થના કરૂ છું કે, તેમને રાષ્ટ્રની સેવા કરતા રહેવા માટે હજુ વધુ ઉર્જા, પ્રેરણા અને સ્વાસ્થ્ય પ્રદાન કરે. 

વારાણસીમાં દીપ પ્રાગટ્ય, લાડુની વહેંચણી

પીએમ મોદીના 71મા જન્મ દિવસની પૂર્વ સંધ્યાએ વારાણસીમાં લોકોએ માટીના દીપક પ્રગટાવ્યા હતા અને 71 કિલોના લાડુનો ભોગ લગાવીને પ્રસાદ વહેંચ્યો હતો.