×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

'7.5 મિલિયન યુરોનું કમિશન-નકલી બિલ', ફ્રાંસમાં રાફેલ ડીલ મામલે નવો ખુલાસો


- સુશેન ગુપ્તાની મોરેશિયસ સ્થિત કંપની ઈન્ટરસ્ટેલર ટેક્નોલોજીસને 2007થી 2012 દરમિયાન દસો પાસેથી 7.5 મિલિયન યુરો મળ્યા હોવાનો દાવો

નવી દિલ્હી, તા. 08 નવેમ્બર, 2021, સોમવાર

ભારત-ફ્રાંસ વચ્ચે થયેલી રાફેલ ફાઈટર પ્લેન ડીલ મામલે ફરી એક વખત ભ્રષ્ટાચારનો જિન બહાર આવ્યો છે. ફ્રાંસના એક પબ્લિકેશન 'મીડિયાપાર્ટ' દ્વારા કરવામાં આવેલા દાવા પ્રમાણે ફ્રાંસીસી કંપની દસો એવિએશને 36 એરક્રાફ્ટની ડીલ માટે એક વચેટિયાને 7.5 મિલિયન યુરો કમિશન આપ્યું હતું. 

મીડિયાપાર્ટના કહેવા પ્રમાણે તેના દસ્તાવેજ હોવા છતાં ભારતીય પોલીસે આ મામલે તપાસ શરૂ ન કરી. મીડિયાપાર્ટે કરેલા દાવા પ્રમાણે આ માટે નકલી બિલ બનાવવામાં આવેલા. પબ્લિકેશને એવો દાવો પણ કર્યો કે, ઓક્ટોબર 2018થી સીબીઆઈ અને ઈડીને પણ આ અંગે ખબર હતી કે, દસો એવિએશને સુશેન ગુપ્તા નામના વચેટિયાને 7.5 મિલિયન યુરો (આશરે 65 કરોડ રૂપિયા)નું કમિશન આપ્યું. કંપનીએ આ બધું એટલા માટે કર્યું જેથી ભારત સાથેની 36 ફાઈટર પ્લેનની ડીલ પૂરી થઈ શકે. 

સાથે જ એવો દાવો પણ કરવામાં આવ્યો કે, સુશેન ગુપ્તાએ દસો એવિએશન માટે ઈન્ટરમીડિએટર તરીકે કામ કર્યું. સુશેન ગુપ્તાની મોરેશિયસ સ્થિત કંપની ઈન્ટરસ્ટેલર ટેક્નોલોજીસને 2007થી 2012 દરમિયાન દસો પાસેથી 7.5 મિલિયન યુરો મળ્યા હતા. પબ્લિકેશને કરેલા ખુલાસા પ્રમાણે મોરેશિયસ સરકારે 11 ઓક્ટોબર, 2018ના રોજ તેના સાથે સંકળાયેલા દસ્તાવેજ પણ સીબીઆઈને સોંપ્યા હતા જેને બાદમાં ઈડી સાથે શેર કરવામાં આવેલા.