×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

6 કારનો કાફલો ધરાવતા નીતિન ગડકરી નિવેદન આપી ફસાયા, કહ્યું, ‘લોકો પાસે 5-5 કાર હોવાથી ટ્રાફિક જામ થાય છે’

નવી દિલ્હી, તા.28 જૂન-2023, બુધવાર

કેન્દ્રમાં નરેન્દ્ર મોદી સરકારના નવ વર્ષ પુરા થયા છે. મોદી સરકારના પહેલા અને બીજા કાર્યકાળમાં સૌથી વધુ ચર્ચા માર્ગ અને પરિવહન મંત્રાલય અને આ મંત્રાલયના મંત્રી નીતિન ગડકરીની થઇ છે. આ હકીકત છે કે નીતિન ગડકરીના વડપણ હેઠળ કેન્દ્રીય માર્ગ અને પરિવહન મંત્રાલયે દેશમાં પરિવહન ક્ષેત્રે જે વિકાસના કામો કર્યા છે એ કોઈ નકારી શકે નહીં. નીતિન ગડકરી મોદી સરકારના એવા મંત્રી છે, જેના વિપક્ષી નેતાઓ પણ વખાણ કરે છે. પણ આ જ નીતિન ગડકરી પોતાના જ એક નિવેદનથી ફસાયા છે. 

છેલ્લા 9 વર્ષમાં ભારતના રોડ નેટવર્કમાં 59 ટકાનો વધારો થયો : ગડકરી

હકીકતમાં બાબત એવી છે કે નીતિન ગડકરીએ પોતાના  માર્ગ અને પરિવહન મંત્રાલયની નવ વર્ષની સિદ્ધિઓ ગણાવતા કહ્યું કે છેલ્લા 9 વર્ષમાં ભારતના રોડ નેટવર્કમાં 59 ટકાનો વધારો થયો છે અને તે અમેરિકા પછી વિશ્વમાં બીજા સ્થાને પહોંચી ગયું છે. ગડકરીએ તેમના મંત્રાલયના 9 વર્ષના કાર્યની વિગતો આપતા કહ્યું કે, સમગ્ર દેશમાં હાઈટેક હાઈવેનું નેટવર્ક સતત વધી રહ્યું છે.ગડકરીએ એક પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે હાલમાં દેશનું રોડ નેટવર્ક લગભગ 1,45,240 કિમી છે, જ્યારે નાણાકીય વર્ષ 2013-14માં તે માત્ર 91,287 કિમી હતું.

ગડકરીને ટ્રાફિક જામ અંગે પ્રશ્ન કરાતા પોતાના જ નિવેદનમાં ફસાયા

ગડકરીએ કહ્યું કે તેમનું મંત્રાલય અકસ્માતોને રોકવા અને દેશના હાઈવે પરના બ્લેક સ્પોટને દૂર કરવા માટે કામ કરી રહ્યું છે.  રોડ-હાઇવેના નિર્માણની સાથે તેમણે આ સમયગાળા દરમિયાન દેશમાં ઝડપથી વધી રહેલા ટ્રાફિક જામ વિશે પણ વાત કરી. જામ સાથે જોડાયેલા એક પ્રશ્ન પર ગડકરીએ કહ્યું કે સરકાર દ્વારા સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે, પરંતુ લોકો દિવસ-રાત મહેનત કરીને વસ્તી પણ વધારી રહ્યા છે. એક માણસ પાસે પાંચ વાહનો છે. તો પછી જામથી કેવી રીતે છુટકારો મેળવવો?

ગડકરી પાસે કુલ 46,76,609 રૂપિયા કિંમતની 6 કાર

અહીં નીતિન ગડકરી કહી રહ્યાં છે કે એક વ્યક્તિ પાસે પાંચ-પાંચ ગાડીઓ છે, માટે ટ્રાફિક જામ થાય છે. જો કે આવું કહેનારા ખુદ નીતિંન ગડકરી પાસે 6 કાર છે. આ અમે નથી કરી રહ્યાં પણ લોકસભા ચૂંટણી – 2019 સમયે નીતિન ગડકરીએ ઉમેદવારી સમયે ચૂંટણીપંચ સમક્ષ રજૂ કરેલા સોગંદનામામાં તેમણે જ પોતાની પાસે 6 કાર હોવાની વિગતો રજૂ કરી કરી છે. આ સોગંદનામા મુજબ નીતિન ગડકરી પાસે કુલ 46,76,609 રૂપિયા કિંમતની 6 કાર છે જેની વિગત આ મુજબ છે : 

નીતિન ગડકરી પાસે આ કાર

1) એમ્બેસેડર – MZV7088 :  કિંમત રૂ.10000 (પોતાના નામે)

2) હોન્ડા – MH49AE2700 : કિંમત રૂ.20,00,000 (પોતાના નામે)

3) ઇનોવા – MH49T0081 :  કિંમત રૂ.6,20,000 (પત્નીના નામે)

4) મારુતિ – MH49AE0027 :  કિંમત રૂ.7,20,000 (પત્નીના નામે)

5) ઇસુઝુ –  MH49AT2727 : કિંમત રૂ.8,23,484 (પત્નીના નામે)

6) મહિન્દ્રા –  MH40AM0827 : કિંમત રૂ. 5,03,125 (પત્નીના નામે)

હવે તમારા મનમાં પણ એક જ સવાલ ઉઠી રહ્યો હશે કે જેમની પોતાની પાસે અને પત્ની પાસે થઈને 6-6 કાર છે એવા મોદી સરકારના આ સુપર મંત્રી કહી રહ્યાં છે કે દેશમાં એક વ્યક્તિ પાસે 5-5 કાર છે માટે ટ્રાફિક જામ થાય છે.