×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

5Gમાં અદાણી ભરી શકશે ઉંચી ઉડાન, મળ્યું ફુલ ટેલિકોમ સર્વિસ લાયસન્સ

અમદાવાદ, તા. 12 ઓક્ટોબર 2022,બુધવાર

ટેલિકોમ ક્ષેત્રે ભારત નવી ઉડાન ભરવાની તૈયારી કરી રહ્યું છે. ગત સપ્તાહે જ દેશમાં 5જી ટેલિકોમ સર્વિસની શરૂઆત થઈ છે અને આ ક્ષેત્રે અંબાણી vs મિત્તલની સીધી લડાઈ જોવા મળવાની અપેક્ષા હતી એટલેકે જિયો vs એરટેલ. દેશના 2જી ટેલિકોમ ક્ષેત્રે એકહથ્થુ શાસન ધરાવતી વોડાફોન આઈડિયાના આ નવી અપગ્રેડેડ સર્વિસિસમાં પૈસાની તંગીને પગલે સુસ્ત છે. જોકે 5જી સ્પેકટ્રમ માટે અદાણીએ પણ અરજી કરી હતી પરંતુ હવે મળતી માહિતી પ્રમાણે અદાણી સમૂહની કંપનીને સંપૂર્ણ લાયસન્સ મળ્યું છે.

અદાણી ડેટા નેટવર્ક્સ લિમિટેડને આખરે ટેલિકોમ સેવાઓનો ઉપયોગ કરવા માટે યુનિફાઇડ લાઇસન્સ મળ્યું છે. આ લાઇસન્સ મળ્યા પછી અદાણી ડેટા નેટવર્ક્સ દેશમાં તેની ટેલિકોમ સેવાઓ સંપૂર્ણ રીતે શરૂ કરી શકશે. 

અદાણી ગ્રુપે તાજેતરમાં દેશમાં યોજાયેલી 5G સ્પેક્ટ્રમની હરાજીમાં ભાગ લીધો હતો. હવે ટેલિકોમ માટે યુનિફાઈડ લાઇસન્સ મળ્યા બાદ અદાણીની ટેલિકોમ કંપની પણ તેની 5G સેવાઓ સાથે દેશમાં પ્રવેશ કરી શકે છે.


Adani Data Networksને મળ્યું UL (AS) લાયસન્સ :

અદાણી ડેટા નેટવર્ક્સ લિમિટેડ (ADNL) કંપની અદાણી એન્ટરપ્રાઇઝ લિમિટેડનું એક યુનિટ છે. પીટીઆઈના અહેવાલ અનુસાર અદાણી ડેટા નેટવર્ક્સને UL (AS) લાયસન્સ મળ્યું છે. એક અધિકારીએ જણાવ્યું કે આ લાઇસન્સ સોમવારે જારી કરવામાં આવ્યું છે.

5G સ્પેક્ટ્રમની હરાજીમાં અદાણી ડેટા નેટવર્ક્સે 20 વર્ષ માટે 212 કરોડ રૂપિયા ખર્ચ્યા હતા. કંપનીએ 26GHz મિલિમીટર વેવ બેન્ડ્સમાં 400MHz સ્પેક્ટ્રમનો ઉપયોગ કરવાના અધિકારો પ્રાપ્ત કર્યા છે.

અદાણી ગ્રૂપે તે સમયે કહ્યું હતું કે કંપની આ એરવેવ્સને તેના ડેટા સેન્ટર્સ માટે ઉપયોગ કરવાની યોજના ધરાવે છે. આ સિવાય કંપની તેનો ઉપયોગ સુપર એપમાં વીજળી વિતરણથી લઈને એરપોર્ટ, ગેસ રિટેલથી લઈને પોર્ટ સુધીના બિઝનેસ માટે કરશે.

અદાણી ગ્રૂપે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, "નવા હસ્તગત કરાયેલા 5G સ્પેક્ટ્રમથી એક યુનિફાઇડ ડિજિટલ પ્લેટફોર્મ બનાવવાની અપેક્ષા છે જે અદાણી ગ્રૂપના ડિજિટાઇઝેશનના મુખ્ય ઇન્ફ્રાસ્ટ્રક્ચર, પ્રાઈમરી ઈન્ડસ્ટ્રી અને B2C બિઝનેસ પોર્ટફોલિયોના સ્કેલ અને ઝડપને આગળ વધારવામાં મદદ કરશે.”