×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

5 લાખ પગારમાં 2.75 લાખ તો ટેક્ષમાં નીકળી જાય છે, અમારાથી વધુ તો શિક્ષકને મળે છે, જાણો કયા અર્થમાં રાષ્ટ્રપતિએ આપ્યું આવું નિવેદન


- ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલ અને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે તેમનું સ્વાગત કર્યું હતું

નવી દિલ્હી, તા. 28 જૂન, 2021, સોમવાર

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે પોતાના પૈતૃક ગામ પરોખ ખાતે લોકોને સંબોધિત કરતા કહ્યું કે, મને 5 લાખ રૂપિયા પ્રતિ માસ પગાર મળે છે જેમાંથી પોણા 3 લાખ રૂપિયા તો ટેક્ષના કપાઈ જાય છે. અમારાથી વધારે બચત તો એક શિક્ષકની હોય છે. જોકે બાદમાં તેમણે કહ્યું કે, તેમણે આ જે વાત કરી તેનો અર્થ એવો થાય છે કે, આ જે ટેક્ષ આપણે ભરીએ છીએ તેનાથી જ તો વિકાસ કાર્ય થાય છે. 

રાષ્ટ્રપતિએ જણાવ્યું કે, આ વાત બધા જાણે જ છે માટે હું કહી શકું કે રાષ્ટ્રપતિ દેશમાં સૌથી વધારે વેતન મેળવનાર કર્મચારી છે. પરંતુ તે ટેક્ષ પણ તો ચુકવે છે. અમે 2.75 લાખ રૂપિયા પ્રતિ માસ ટેક્ષ ભરીએ છીએ. પરંતુ જે મળે છે તેની બધા લોકો ચર્ચા કરે છે. પરંતુ તેમાંથી દર મહિને 2.75 લાખ રૂપિયા નીકળી જાય છે. બચ્યા કેટલા? જેટલા બચ્યા તેનાથી વધારે તો આપણા અધિકારીઓને મળે છે. આ જે શિક્ષકો બેઠેલા છે તેમને સૌથી વધારે મળે છે. 

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે રવિવારે જણાવ્યું કે, ગામના એક સામાન્ય બાળક તરીકે તેમણે કદી વિચાર્યું પણ નહોતું કે તેઓ દેશના સર્વોચ્ય પદ પર બિરાજશે. કાનપુર દેહાત જિલ્લામાં આવેલા પોતાના જન્મ સ્થળ પરૌંખ ગામમાં સભાને સંબોધિત કરતી વખતે તેમણે જણાવ્યું કે, 'એક સામાન્ય બાળક તરીકે મેં સપનામાં પણ નહોતું વિચાર્યું કે મને દેશના સર્વોચ્ય પદ પર આસીન થવાનું સન્માન મળશે, પરંતુ આપણી લોકશાહી વ્યવસ્થાએ તેને સાકાર કરીને બતાવ્યું.'

સમારંભમાં આવેલા લોકો સાથે ભાવનાત્મક સંબંધ જોડતા રાષ્ટ્રપતિ કોવિંદે કહ્યું કે, 'હું ગમે ત્યાં રહું, ગામની માટીની સુવાસ અને મારા ગામના લોકોની યાદો હંમેશા મારા દિલમાં વસેલી રહેશે. પરૌંખ ગામ, મારી માતૃભૂમિ છે જ્યાંથી મને દેશસેવા કરવાની પ્રેરણા મળતી રહી છે. જન્મભૂમિ સ્વર્ગ કરતા પણ ચડિયાતી છે.'

રાષ્ટ્રપતિએ જણાવ્યું કે, 'માતૃભૂમિની આ પ્રેરણાએ જ મને ઉચ્ચ ન્યાયાલયથી ઉચ્ચતમ ન્યાયાલય, ઉચ્ચતમ ન્યાયાલયથી રાજ્ય સભા, રાજ્ય સભાથી રાજભવન અને રાજભવનથી રાષ્ટ્રપતિ ભવન સુધી પહોંચાડ્યો છે.' રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ રવિવારે સવારે કાનપુર દેહાત જિલ્લાના પરૌંખ ગામ ખાતે આવેલા પોતાના જન્મ સ્થળે પહોંચ્યા હતા જ્યાં ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલ અને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે તેમનું સ્વાગત કર્યું હતું.