×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

5 ડોઝ લાગી ચુક્યા, 6ઠ્ઠો બુક… મેરઠમાં BJP નેતાના વેક્સિન સર્ટિફિકેટ મુદ્દે બબાલ, CMOએ કહ્યું- હેકિંગ થયું


- સર્ટિફિકેટ પ્રમાણે રામપાલને ત્રીજો અને ચોથો ડોઝ 15 મે, 5મો ડોઝ 15 સપ્ટેમ્બરના રોજ લગાવાયો

નવી દિલ્હી, તા. 20 સપ્ટેમ્બર, 2021, સોમવાર 

ઉત્તર પ્રદેશમાં મેરઠના સરધના ખાતે ભાજપના એક નેતાનું વેક્સિન સર્ટિફિકેટ સામે આવતા જ ભારે હોબાળો મચ્યો છે. આ વેક્સિન સર્ટિફિકેટ પ્રમાણે ભાજપના નેતાને વેક્સિનના 5 ડોઝ અપાઈ ચુક્યા છે અને 6ઠ્ઠું શિડ્યુઅલ બુક છે. જોકે અધિકારીઓના કહેવા પ્રમાણે સર્ટિફિકેટમાં દેખાઈ રહેલી વિગતો ખોટી છે અને આ કેસ કોઈ ષડયંત્ર કે ટીખળનો જણાઈ રહ્યો છે. 

મેરઠના સરધના ખાતે રામપાલ સિંહ બુથ નંબર 79ના ભાજપા અધ્યક્ષ છે. તેઓ હિંદુ યુવાવાહિનીના નેતા પણ છે. તેમણે પોતાનું વેક્સિન સર્ટિફિકેટ ડાઉનલોડ કર્યું હતું. તે સર્ટિફિકેટમાં દેખાઈ રહ્યું છે કે, તેમને કોરોના વેક્સિનના 5 ડોઝ અપાઈ ચુક્યા છે અને 6ઠ્ઠો ડોઝ શિડ્યુલ્ડ છે. તેમણે સ્વાસ્થ્ય વિભાગ પર બેદરકારીનો આક્ષેપ કરીને કેસ નોંધાવ્યો છે અને હાલ આ મુદ્દે તપાસ શરૂ થઈ ગઈ છે. 

રામપાલ સિંહે 2 ડોઝ લીધા

રામપાલ સિંહના કહેવા પ્રમાણે તેમણે 16 માર્ચના રોજ વેક્સિનનો પહેલો અને 8 મેના રોજ વેક્સિનનો બીજો ડોઝ લીધો હતો. પરંતુ જ્યારે તેમણે પોતાનું સર્ટિફિકેટ ડાઉનલોડ કર્યું ત્યારે તેમાં 5 ડોઝ દેખાઈ રહ્યા છે અને 6ઠ્ઠા ડોઝ માટે ડિસેમ્બર 2021થી જાન્યુઆરી 2022 સુધીનો સમય દેખાઈ રહ્યો છે. 

કોઈએ પોર્ટલ હેક કર્યું

સર્ટિફિકેટ પ્રમાણે રામપાલને ત્રીજો અને ચોથો ડોઝ 15 મે, 5મો ડોઝ 15 સપ્ટેમ્બરના રોજ લગાવાયો છે. આ તરફ ચીફ મેડિકલ ઓફિસર અખિલેશ મોહનના કહેવા પ્રમાણે આ પહેલો કેસ છે જ્યારે કોઈને 2 ડોઝ કરતા વધુ ડોઝ અપાયાનું દેખાઈ રહ્યું છે. પ્રાથમિક દૃષ્ટિએ આ કેસ કોઈ ષડયંત્ર કે ટીખળનો જણાઈ રહ્યો છે. એવું લાગે છે કે, કેટલાક શરારતી તત્વોએ પોર્ટલ હેક કરીને આવું કર્યું છે. હાલ આ મામલે તપાસના આદેશ આપી દેવામાં આવ્યા છે.