×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

26/11 એટેકઃ 'જ્યારે મુંબઈ પર હુમલો થયો ત્યારે રાહુલ ગાંધી પાર્ટી કરી રહ્યા હતા, ભૂલીશું નહીં'- BJP નેતા


- મુંબઈ હુમલાની 13મી વરસી પર રાહુલ ગાંધીએ પણ ટ્વિટ કરીને શહીદોને નમન કર્યું 

નવી દિલ્હી, તા. 26 નવેમ્બર, 2021, શુક્રવાર

ભારતીય જનતા પાર્ટીના આઈટી સેલ ઈન્ચાર્જ અમિત માલવીયે 26/11 મુંબઈ આતંકવાદી હુમલાની 13મી વરસી નિમિત્તે કોંગ્રેસી નેતા રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું છે. તેમણે સમાચાર પત્રની એક ક્લિપ શેર કરીને ટ્વિટ કરી હતી. ટ્વિટમાં લખ્યું હતું કે, 'જ્યારે 26/11ના રોજ મુંબઈ પર હુમલો થયો ત્યારે રાહુલ ગાંધી પાર્ટી કરી રહ્યા હતા. ભૂલીશું નહીં.' આ પેપરની એ જ ક્લિપિંગ છે જે 26/11ના હુમલાની વરસી પર દર વર્ષે સોશિયલ મીડિયામાં ખૂબ જ શેર કરવામાં આવે છે. આ રિપોર્ટ પ્રમાણે મુંબઈમાં હુમલા બાદ તરત જ રાહુલ ગાંધી દિલ્હીની એક પાર્ટીમાં જોવા મળ્યા હતા. 

મુંબઈ ખાતે 26 નવેમ્બર, 2008ના રોજ ભારે મોટો આતંકવાદી હુમલો થયો હતો જેમાં 15 દેશોના 166 લોકોના મોત થયા હતા અને 300 કરતા પણ વધારે લોકો ઘાયલ થયા હતા. આ હુમલો ભારતીય ઈતિહાસનો સૌથી ઘાતક હુમલો માનવામાં આવે છે. વાયરલ સમાચાર ક્લિપમાં લખેલું છે કે, તે સમયે મેજર સંદીપ ઉન્નીકૃષ્ણનની માતાની આંખોમાંથી આંસુ પણ નહોતા સુકાયા અને રાહુલ ગાંધી દિલ્હીના બાહ્ય વિસ્તારમાં આવેલા એક ફાર્મહાઉસ ખાતે મિત્રો સાથે પાર્ટી કરી રહ્યા હતા. રિપોર્ટ પ્રમાણે રાહુલ ગાંધી પોતાના મિત્ર સમીર શર્માની સંગીત સેરેમનીમાં સામેલ થયા હતા. 

મુંબઈ હુમલાની 13મી વરસી પર રાહુલ ગાંધીએ પણ ટ્વિટ કરીને શહીદોને નમન કર્યું છે. રાહુલ ગાંધીએ ટ્વિટમાં લખ્યું હતું કે, 'સરહદ પર આકરા મોસમમાં પણ પરિવારથી દૂર રહીને દેશની રક્ષા કરે છે. આતંકવાદી હુમલામાં જીવની બાજી લગાવીને માસૂમોને બચાવે છે. જાનની નહીં, જહાનની ફિકર કરે છે. પરિવારની, ગામની, દેશની શાન છે- એવો મારા દેશનો જવાન છે. 26/11 મુંબઈ આતંકવાદી હુમલાના વીરોને નમન. જય હિંદ!'