×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

25 કિગ્રા કે 25 લિટરથી વધારે વજનની પેકેજ્ડ ખાદ્ય સામગ્રી પર નહીં લાગે GST


- 10-10 કિલોના 3 પેકેટ હોય તો કુલ વજન 30 કિગ્રા થવા છતાં પણ પેકેટ અલગ હોવાના કારણે જીએસટી ભરવો પડશે

નવી દિલ્હી, તા. 18 જુલાઈ 2022, સોમવાર

જીએસટી કાઉન્સિલના નિર્ણય પ્રમાણે આજથી એટલે કે, 18મી જુલાઈથી લોટ, દહીં, પનીર, હોસ્પિટલના રૂમ સહિતના અનેક ઉત્પાદનો અને સેવાઓ ઉપર 5 ટકા જીએસટી લાગુ થઈ ગયો છે. આ કારણે આજથી આ વસ્તુઓની કિંમતોમાં પણ ફેરફાર જોવા મળશે. 

કેન્દ્રીય અપ્રત્યક્ષ કર અને સીમા શુલ્ક બોર્ડ (CBIC)એ જીએસટીનો નવો નિયમ લાગુ થયો તેના એક દિવસ પહેલા નોટિફિકેશન બહાર પાડીને કેટલીક સ્પષ્ટતાઓ પણ કરી છે. બોર્ડના કહેવા પ્રમાણે જીએસટીના ક્ષેત્રમાંથી બહાર રહેલા આ ઉત્પાદનો અને સેવાઓને હવે જીએસટીમાં આવરી લેવામાં આવ્યા છે. જોકે કેટલાક નિયમો હજુ પણ આ ઉત્પાદનોને જીએસટીના ક્ષેત્રમાંથી બહાર રાખી શકશે. સીબીઆઈસીએ ગ્રાહકોને જીએસટી ભર્યા વગર આ વસ્તુઓ ખરીદવા માટેનો રસ્તો બતાવ્યો છે. તેમાં કેટલીક પ્રી-પેક્ડ પ્રોડક્ટ્સ છે જે પહેલેથી જ પેકિંગમાં આવે છે. 

જાણો કઈ રીતે GSTમાંથી બચી શકાય 

સીબીઆઈસીના કહેવા પ્રમાણે 25 કિગ્રા સુધીનું વજન ધરાવતા લોટ, દાળ, ચોખા કે કોઈ પણ અનાજના સિંગલ પેકિંગને લેબલ્ડ પ્રોડક્ટ માનવામાં આવશે અને તેના ઉપર 5 ટકા જીએસટી લાગુ થશે. અત્યાર સુધી આ વસ્તુઓમાં ટેક્સ છૂટ મળતી હતી. 

પરંતુ 25 કિગ્રાથી વધારે વજન ધરાવતા લોટ, ચોખા કે અન્ય સામગ્રીના પેકેટ પર કોઈ જ જીએસટી નહીં લાગે. લોકોની ચિંતામાં થઈ રહેલા વધારાને ધ્યાનમાં રાખીને સરકારે પ્રી-પેક્ડ અને લેબલ્ડ કોમોડિટીની કેટેગરી અંગે સ્પષ્ટતા કરી છે. સરકારે જણાવ્યું છે કે, 25 કિગ્રાથી વધારે વજનના લોટ, ચોખા, દાળ કે અન્ય અનાજના પેકેટને આ કેટેગરીમાં નહીં ગણવામાં આવે. આ કારણે આ પ્રકારના પેકેટ પર કોઈ જ જીએસટી નહીં લાગે. 

સરળતાથી સમજીએ તો છૂટક વેચાણ માટેની 25 કિગ્રા વજનની લોટની થેલી કે બોરી ઉપર 5 ટકા જીએસટી લાગશે અને ગ્રાહકે તે મુજબ પૈસા ચુકવવા પડશે. પરંતુ જો ગ્રાહક લોટની 30 કિગ્રા વજનની બોરી કે પેકેટ ખરીદશે તો તેના પર કોઈ જ જીએસટી નહીં લાગે.   

પરંતુ જો કોઈ પ્રોડક્ટનું વજન 25 કિગ્રાથી વધારે છે પણ તે સિંગલ પેકમાં નથી તો પણ 5 ટકાનો જીએસટી ચુકવવો પડશે. મતલબ કે, 10-10 કિલોના 3 પેકેટ હોય તો કુલ વજન 30 કિગ્રા થવા છતાં પણ પેકેટ અલગ હોવાના કારણે જીએસટી ભરવો પડશે.

આ પણ વાંચોઃ આજથી પેકિંગ અને લેબલવાળા લોટ, પનીર, દહીં પર પાંચ ટકા જીએસટી ચુકવવો પડશે