×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

25મા યુવા મહોત્સવના શુભારંભમાં PM મોદીએ કહ્યું- ભારતનું સપનું યુવાનો, મન યુવાનો…


- પુડુચેરી યુવા મહોત્સવમાં ભારતના દરેક જિલ્લાનું પ્રતિનિધિત્વ કરનારા યુવાનો સહભાગી બનશે

નવી દિલ્હી, તા. 12 જાન્યુઆરી, 2022, બુધવાર

વડાપ્રધાન મોદીએ બુધવારે વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી પુડુચેરી ખાતે 25મા યુવા મહોત્સવનું ઉદ્ઘાટન કર્યું હતું. યુવા મહોત્સવનો શુભારંભ કરીને વડાપ્રધાને કહ્યું હતું કે, 'ભારત પાસે 2 અસીમ શક્તિઓ છે. એક ડેમોગ્રાફી અને બીજું ડેમોક્રસી. જે દેશ પાસે જેટલી યુવા શક્તિ હોય, તેની ક્ષમતાઓને એટલી જ વ્યાપક માનવામાં આવે છે. ભારત પાસે આ બંને શક્તિઓ છે.'

વડાપ્રધાને કહ્યું કે, આજે ભારતના યુવાનોમાં જો ટેક્નોલોજીનો ચાર્મ છે તો લોકશાહીની ચેતના પણ છે. આજે ભારતના યુવાનોમાં જો શ્રમનું સામર્થ્ય છે તો ભવિષ્યની સ્પષ્ટતા પણ છે. આ કારણે જ ભારત આજે જે કહે છે તેને દુનિયા આવનારા કાલનો અવાજ માને છે. ભારત પોતાના યુવાનોને વિકાસની સાથે લોકશાહીના મૂલ્યોની તાકાત માને છે. આજે ભારત અને દુનિયાના ભવિષ્યનું નિર્માણ થઈ રહ્યું છે. 2022 ભારત માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. તે નેતાજી સુભાષ ચંદ્ર બોઝની 125મી જયંતી પણ છે. 

વૈશ્વિક સમૃદ્ધિના કોડ લખી રહ્યા છે ભારતના યુવાનો

વડાપ્રધાને કહ્યું કે, આજે ભારતનો યુવાન વૈશ્વિક સમૃદ્ધિના કોડ લખી રહ્યો છે. સમગ્ર વિશ્વની યુનિકોર્ન ઈકોસિસ્ટમમાં ભારતીય યુવાનોનો જલવો છે. ભારત પાસે આજે 50 હજાર કરતાં વધારે સ્ટાર્ટઅપ્સની મજબૂત ઈકોસિસ્ટમ છે. તેમણે કહ્યું કે, 'ભારતના યુવાનો પાસે ડેમોગ્રાફિક ડિવિડન્ડની સાથે સાથે લોકશાહીનું મૂલ્ય પણ છે, તેમનું ડેમોક્રેટિક ડિવિડન્ડ પણ અતુલનીય છે. ભારત પોતાના યુવાનોને ડેમોગ્રાફિક ડિવિડન્ડની સાથે સાથે ડેવલપમેન્ટના ડ્રાઈવર પણ માને છે.'

મહર્ષિ અરબિંદો અને સુબ્રમણ્યમ ભારતીને યાદ કર્યા

વડાપ્રધાને કહ્યું કે, આ વર્ષે આપણે શ્રી અરબિંદોની 150મી જયંતી ઉજવી રહ્યા છીએ અને આ વર્ષે મહાકવિ સુબ્રમણ્યમ ભારતીજીની 100મી પુણ્યતિથિ પણ છે. આ બંને મનીષીઓનો પુડુચેરી સાથે ખાસ સંબંધ છે. આ બંને એકબીજાની સાહિત્યિક અને આધ્યાત્મિક યાત્રાના ભાગીદાર રહ્યા છે. 

દીકરો-દીકરી એક સમાન, માટે વધારે લગ્નની ઉંમર

પુડુચેરી ખાતે આયોજિત યુવા મહોત્સવને સંબોધિત કરતી વખતે વડાપ્રધાને જણાવ્યું કે, અમે માનીએ છીએ કે, દીકરો અને દીકરી એક સમાન છે. આ વિચાર સાથે જ સરકારે દીકરીઓના સારા ભવિષ્ય માટે લગ્નની ઉંમર 21 વર્ષ કરવાનો નિર્ણય લીધો છે. દીકરીઓ પોતાની કરીયર બનાવી શકે, તેમને વધારે સમય મળે, આ દિશામાં આ એક મહત્વપૂર્ણ પગલું છે. 

અગાઉ વડાપ્રધાને ટ્વિટમાં લખ્યું હતું કે, હું મહાન સ્વામી વિવેકાનંદજીને તેમની જયંતી પર શ્રદ્ધાંજલિ અર્પિત કરૂં છું. તેમનું જીવન રાષ્ટ્રીય ઉત્થાન માટે સમર્પિત હતું. તેમણે અનેક યુવાનોને રાષ્ટ્ર નિર્માણની દિશામાં કામ કરવા માટે પ્રેરિત કર્યા છે. આવો આપણે દેશ માટે તેમના સપનાઓ પૂરા કરવા સાથે મળીને કામ કરીએ. 

દેશના દરેક જિલ્લાનું પ્રતિનિધિત્વ હશે

પુડુચેરી યુવા મહોત્સવમાં ભારતના દરેક જિલ્લાનું પ્રતિનિધિત્વ કરનારા યુવાનો સહભાગી બનશે. રાષ્ટ્રીય યુવા મહોત્સવનો ઉદ્દેશ્ય યુવાન નાગરિકોને રાષ્ટ્ર-નિર્માણની દિશામાં પ્રેરિત કરવાનો, પ્રજ્વલિત કરવાનો, એકજૂથ કરવાનો અને સક્રિય કરવાનો છે જેથી આપણી વસ્તી વિષયક (ડેમોગ્રાફિક) શક્તિની વાસ્તવિક ક્ષમતાને ઉજાગર કરી શકાય. 

વિવેકાનંદે 25 વર્ષની ઉંમરે લીધો હતો સંન્યાસ

સ્વામી વિવેકાનંદનો જન્મ 12 જાન્યુઆરી, 1863ના રોજ કોલકાતામાં થયો હતો. તેમનું સાચું નામ નરેન્દ્ર દત્ત હતું. તેઓ વેદાંતના વિખ્યાત અને પ્રભાવશાળી આધ્યાત્મિક ગુરૂ હતા. નાની ઉંમરથી જ તેમને આધ્યાત્મમાં રૂચિ જાગી હતી. અભ્યાસમાં સારા હોવા ઉપરાંત 25 વર્ષના થયા ત્યારે પોતાના ગુરૂથી પ્રભાવિત થઈને નરેન્દ્રનાથે સાંસારિક મોહનો ત્યાગ કરીને સંન્યાસ સ્વીકાર્યો હતો. સંન્યાસ લીધા બાદ તેમનું નામ વિવેકાનંદ પડ્યું. 1881ના વર્ષમાં વિવેકાનંદની મુલાકાત રામકૃષ્ણ પરમહંસ સાથે થઈ હતી.