×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

21 વર્ષની હરનાઝ સંધુ મિસ યુનિવર્સ-2021


મિસ યુનિવર્સનો તાજ સૌપ્રથમ વખત સુષ્મિતા સેનને મળ્યો હતો

પ્રાગ્વેની નાદીયા ફરીરા બીજા અને દ. આફ્રિકાની લાલેલા મેસ્વા ત્રીજા ક્રમે : લારા દત્તાએ ભારત તરફથી મિસ યુનિવર્સનો તાજ પહેર્યો એ જ વર્ષે હરનાઝનો જન્મ થયો હતો

નવી દિલ્હી : ચંદીગઢમાં 3 માર્ચ, 2000માં જન્મેલી હરનાઝ કૌર સંધુએ મિસ યુનિવર્સનો તાજ મેળવીને ઈતિહાસ રચ્યો છે. ભારત માટે છેલ્લે 21 વર્ષ પહેલાં લારા દત્તાએ મિસ યુનિવર્સનો તાજ પહેર્યો હતો. લારા દત્તાએ જે વર્ષે મિસ યુનિવર્સનો તાજ પહેર્યો એ જ વર્ષે હરનાઝનો જન્મ થયો હતો.ઈઝરાયેલમાં યોજાયેલી સ્પર્ધામાં વિશ્વની 80 જેટલી સુંદરીઓએ ભાગ લીધો હતો. 

એ તમામને પાછળ મૂકીને હરનાઝે આ પ્રતિષ્ઠિત તાજ હાંસિલ કર્યો હતો. હરનાઝે ત્રણ કલાક ચાલેલી લાઈવ સ્પર્ધામાં તમામ મોરચે શાનદાર દેખાવ કર્યો હતો. નેશનલ કોસ્ચ્યુમ, ઈનવિંગ ગાઉન, ઈન્ટરવ્યૂ અને સ્વીમવેર રાઉન્ડમાં હરનાઝે તમામ સુંદરીઓને પાછળ રાખી હતી. સેમિ ફાઈનલમાં પહોંચવા માટે તેની ફેવરમાં સૌથી વધુ વોટિંગ થયું હતું.

મિસ-યુનિવર્સની 70મી સ્પર્ધા આ વર્ષે ઇઝરાયલનાં એલિયટમાં યોજાઈ હતી. હરનાઝ પબ્લિક-એડમિનીસ્ટ્રેશન (જાહેર-વહીવટ) વિષયમાં અનુસ્નાતક કક્ષાએ અભ્યાસ કરી રહી છે. તેને આ વર્ષનો મિસ-યુનિવર્સનો 'તાજ' 2020માં 'મિસ યુનિવર્સ' થયેલી મેક્સિકોની આંદ્રીયા મેઝાએ પહેરાવ્યો હતો.

આ સ્પર્ધામાં પેરૂની નાદીયા ફરીરા દ્વિતીય ક્રમે રહી હતી જ્યારે દ.આફ્રિકાની લાલેલા મેસ્વાને ત્રીજા ક્રમે હતી. આ તાજ પહેર્યા પછી હરનાઝે કહ્યું હતું કે ''હું આ માટે ભગવાન, મારાં માતા-પિતાની આભારી છું. તેમ જ મિસ-ઈન્ડિયા ઓર્ગેનાઈઝેશને મને આપેલાં માર્ગદર્શન તથા પ્રોત્સાહન માટે તેમની પણ આભારી છું.' વિજેતા બન્યા પછી ભારતીય પરંપરા પ્રમાણે હાથ જોડીને હરનાઝે સૌનું અભિવાદન ઝીલ્યું હતું.

હરનાઝ કૌર સંધુ જજ બનવા માગતી હતી

હરનાઝ કૌર સંધુના પિતા પરમજીત સંધુ પ્રોપર્ટી ડીલર છે. માતા રવીન્દ્ર કૌર સંધુ એક પ્રાઈવેટ હોસ્પિટલમાં ગાઈનેક છે. હરનાઝ કૌર સંધુ બાળપણમાં ન્યાયધીશ બનવાના સપના જોતી હતી, પરંતુ ફિલ્મોનો શોખ તેને ગ્લેમર વર્લ્ડમાં લઈ આવ્યો. હરનાઝનો પરિવાર મોહાલીના ખરડમાં મૂન પેરેડાઈઝ સોસાયટીમાં રહે છે. તેમના પિતા મૂળ ગુરદાસપુર જિલ્લાના નાનકડા ગામમાંથી શહેરમાં આવીને વસ્યા હતા.

હરનાઝની સ્પર્ધા યોજાઈ તે પહેલાં તેના પરિવારે ગુરૂદ્વારામાં જઈને પ્રાર્થના કરી હતી. દીકરી સફળ થાય તે માટે માએ અખંડ પાઠ કરાવ્યા હતા. હરનાઝ મિસ વર્લ્ડ બની એ સાથે જ તેમના ઘરે મીડિયા પ્રતિનિિધઓ ઈન્ટરવ્યૂ માટે ઉમટી પડયા હતા.

તેની સોસાયટીમાં હરનાઝના સન્માનમાં સેલિબ્રેશન યોજાયું હતું. રવીન્દ્ર કૌરે કહ્યું હતું કે હરનાઝ પાછી ફરશે તે સાથે જ તેના હાથે અખંડ પાઠ કરાવાશે. માતા રવીન્દ્ર કૌરે કહ્યું હતું કે ઈવેન્ટ પૂરી થઈ પછી હરનાઝ સાથે વીડિયો કોલમાં વાત થઈ હતી.

હરનાઝને તેમણે કહ્યું હતું કે આઈ પ્રાઉડ ઓફ યુ.. જવાબમાં હરનાઝે કહ્યું હતું કે તમે મને એને યોગ્ય બનાવી છે. પિતાએ કહ્યું હતું કે હરનાઝ બાળપણથી જ કોઈને કોઈ ઈનામ લાવતી હતી. તેમણે કહ્યું હતું કે શાંત રહેનારી દીકરીએ દુનિયામાં તહલકો મચાવી દીધો તેનાથી તેને ખૂબ જ ગૌરવની લાગણી થાય છે.

ઈન્ટરવ્યૂમાં પૂછાયેલો એ જવાબ જેણે હરનાઝને વિજેતા બનાવી

તેને ઈન્ટરવ્યૂના રાઉન્ડમાં પૂછવામાં આવ્યું હતું કે આજની યુવાપેઢીની મહિલાઓ દબાણમાં જીવે છે. તેમને તમે શું સલાહ આપશો? જવાબમાં હરનાઝે કહ્યું હતું: આજની જનરેશન સૌથી મોટું દબાણ અનુભવે છે તે એ કે પોતાના પર વિશ્વાસનો અભાવ.

આપણે યુનિક છીએ એ જાણવું તે આપણને વધુ વિશ્વાસ અને સુંદરતા આપે છે. બીજા સાથે સરખામણી કરવાથી દૂર રહો. દુનિયામાં સૌથી મહત્વની જે ચર્ચા થતી હોય એના વિશે વાત કરો. પોતાના માટે અવાજ ઉઠાવો. તમે જ તમારા નેતા છો.