×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

2023ની વિદેશ વ્યાપારની નીતિની જાહેરાત 2030 સુધીમાં બે ટ્રિલિયન ડોલર નિકાસનું ધ્યેય


- આ નીતિ માટે વ્યાપાર ઉદ્યોગ સાથે ચર્ચા કરી તેમના પ્રશ્નો ઉકેલાશે : રાજ્યોનું પ્રદાન વધારવા વિચારણા ચાલી રહી છે

નવી દિલ્હી : કેન્દ્રના વાણિજ્ય મંત્રી પીયુષ ગોયેલે આજે ગતિશીલ અને ફળદાયી તેવી વિદેશ વ્યાપાર નીતિ (ફોરેન-ટ્રેડ-પોલિસી-એફટીપી)ની જાહેરાત કરી હતી જે ૧લી એપ્રિલથી જ અમલી બનનાર છે. તેનું દ્યેય ૨૦૩૦ સુધીમાં દેશની ગુડઝ અને સર્વીસીઝની નિકાસ વધારી ૨ ટ્રિલિયન ડૉલર સુધી લઇ જવાનું છે. આ સાથે ડયુટી (નિકાસ-જકાત) અંગે વૈશ્વિક નિયમોને પણ અનુસરવા નિર્ણય લેવાયો છે, તથા ડયુટી રૂપિયામાં જ લેવા માટે જાહેરાત કરાઈ છે.

ગોયેલે વધુમાં જણાવ્યું હતું કે વૈશ્વિક બજારોના અત્યંત ગતિશીલ બની રહેલાં બજારોને લીધે તત્કાળ ફળદાયી નીવડે તેવી નીતિ અનિવાર્ય બની રહી છે.

આ અંગે અધિકારીઓનું કહેવું છે કે નવી વિદેશ વ્યાપાર નીતિ સ્થિતિ સ્થાપક છે અને તે પાંચ વર્ષની મુદત સાથે પૂરી થયેલી પણ નહીં ગણાય.

વર્તમાન વિદેશ વ્યાપાર નીતિ ૨૦૧૫-૨૦ વાસ્તવમાં માર્ચ ૩૧, ૨૦૨૩ના દિને પુરી થઇ છે. કારણ કે તે ઘણી વખત લંબાવવામાં આવી હતી. તેનું કારણ ઉદ્યોગો દ્વારા કરાતી માગણીનું હતું. તેઓએ કોવિદ-૧૯ મહામારી અને યુક્રેન યુદ્ધની દ્રષ્ટિએ તે નીતિ ચાલુ રાખવા અનુરોધ કર્યો હતો.

કેન્દ્રના વાણિજ્ય મંત્રીએ વધુ સ્પષ્ટતા કરતાં કહ્યું હતું કે આ પાછળનો મુખ્ય હેતુ નિકાસ વધારવાનો છે.

આ નીતિ ઘડવામાં વ્યાપાર ઉદ્યોગ ક્ષેત્ર સાથે, મંત્રણા કરવામાં આવી હતી. અને તેમાં સલાહ સૂચનોને પણ સકારાત્મક રીતે લેવામાં આવ્યાં હતાં. તેટલું જ નહીં પરંતુ સરકારનો આ અભિગમ ચાલુ જ રહેશે. સાથે નિકાસ વધારવા છેક પાયાથી જરૂરિયાતો વિષે વિચારણા થઇ ચૂકી છે.

ઉલ્લેખનીય છે કે નિકાસ વધારવા ભારત સબસીડી આપવાથી દૂર રહેવાનું છે. તે વ્યાપાર ઉદ્યોગને તેમની તાકાત ઉપર જ તે માટે ઉભા રહેવા અનુરોધ કરે છે.

ગોયેલે વધુમાં જણાવ્યું હતું કે વૈશ્વિક તોફાની પવનો છતાં ભારત ૨૦૨૨-૨૩માં ગુડઝ અને સર્વિસીઝ ક્ષેત્રે ૭૬૦ મીલિયન ડોલરનો આંક વટાવી શક્યું હતું. તે એક નવો વિક્રમ બની રહ્યો છે.

તેઓએ વિશ્વાસ સાથે કહ્યું હતું કે ૨૦૩૦ સુધીમાં આપણે ગુડઝ અને સર્વિસીઝ ક્ષેત્રે ૨ ટ્રિલિયન (ખર્ચ) ડોલરનો આંક વટાવી જ શકીશું. અહી માત્ર માલસામાન કે, સેવાઓના નિકાસની જ વાત નથી પરંતુ તેમાં ઇ-કોમર્સ દ્વારા પણ નિકાસ વધારવાની વાત આવરી લેવાશે. તેમાં કુરિયર સર્વિસીઝ પણ આવરી લેવાશે જે માટે હાલની મર્યાદા કન્સાઇનમેન્ટ દીઠ રૃા. ૫ લાખની છે તે વધારી રૂ. ૧૦ લાખની કરાશે.

નિકાસમાં જેઓને રસ છે તેવા સાથે ચર્ચા કરવામાં આવશે. ડીરેકટર જનરલ ઓફ ફોરેન ટ્રેડ, સંતોષકુમારે પણ જણાવ્યું હતું કે વિદેશ વ્યાપાર ૨૦૩૦ સુધીમાં વધીને ૨૦૦ બિલિયન ડોલરથી ૩૦૦ બિલિયન ડોલર જેટલો વધવા સંભવ છે. તેમાં સ્પેશ્યલ કેમિકલ્સ, ઓર્ગેનિક્સ મટીરિયલ્સ, ઇક્વિપમેન્ટસ અને ટેકનોલોજીસ (SCOMET)  વ્યાપારીઓની મુશ્કેલીઓ દૂર કરવાનું કાર્ય કરશે.

જ્યારે પીયુષ ગોયેલે તેમ પણ કહ્યું હતું કે આ હેતુઓ સિદ્ધ કરવા માટે રાજ્યોનો પણ સાથ લેવામાં આવશે તેમનું પ્રદાન વધારવા ગંભીર વિચારણા થઇ રહી છે.