×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

'2011ના હાઈકોર્ટ બ્લાસ્ટની રેકી મેં કરી હતી'- દિલ્હીમાંથી પકડાયેલા પાકિસ્તાની આતંકવાદીનો ખુલાસો


- 40 વર્ષીય આ શખ્સ દિલ્હી-એનસીઆરમાં પીર-મૌલાના બનીને ઝાડ-ફૂંકનું કામ પણ કરતો હતો

નવી દિલ્હી, તા. 13 ઓક્ટોબર, 2021, બુધવાર

દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલે મંગળવારે જે શંકાસ્પદ પાકિસ્તાની આતંકવાદી મોહમ્મદ અશરફને ઝડપી લીધો હતો તેની પુછપરછમાં અનેક ખુલાસાઓ થયા છે. સૂત્રો દ્વારા મળતા અહેવાલ પ્રમાણે વર્ષ 2011માં હાઈકોર્ટ બહાર જે બ્લાસ્ટ થયા હતા તે દરમિયાન તેણે જ હાઈકોર્ટની રેકી કરી હતી. 

સંદિગ્ધ પાકિસ્તાની આતંકવાદી અશરફને બ્લાસ્ટમાં સામેલ એક શકમંદનો ફોટો બતાવવામાં આવ્યો ત્યારે અશરફે પોતે જ હાઈકોર્ટની રેકી કરી હોવાનું જણાવ્યું હતું. જોકે તે એ બ્લાસ્ટમાં સામેલ હતો કે નહીં તે પુછપરછમાં સ્પષ્ટ થશે. NIA, RAW અને  MIએ પણ અશરફની લાંબી પુછપરછ કરી હતી. 

તે સિવાય 2011ની આસપાસ તેણે આઈટીઓ સ્થિત પોલીસ હેડક્વાર્ટર (જૂના પોલીસ હેડક્વાર્ટર)ની રેકી કરી હતી. તેના કહેવા પ્રમાણે તેણે અનેક વખત રેકી કરી હતી પરંતુ વધુ જાણકારી નહોતી મળી શકી કારણ કે, પોલીસ હેડક્વાર્ટરની બહાર લોકોને રોકાવા નહોતા દેતા. સાથે જ તેણે આઈએસબીટીની રેકી કરીને તે જાણકારીઓ પાકિસ્તાનના હેન્ડલર્સને મોકલી હતી. દિલ્હીના કોઈ બ્લાસ્ટમાં અશરફ પોતે સામેલ હતો કે નહીં તેને લઈ પુછપરછ ચાલુ છે. 

પુછપરછ દરમિયાન ખુલાસા

1. 2009માં જમ્મુમાં બસ સ્ટેન્ડ પાસે બ્લાસ્ટ કરેલો જેમાં 3-4 લોકોના મોત થયા હતા અને ISIના ઓફિસર નાસિરના કહેવાથી તે હુમલો કરેલો.

2. 2011માં દિલ્હી હાઈકોર્ટ બ્લાસ્ટની રેકી કરેલી અને વિસ્ફોટ કરવા માટે આવેલા 2 પાકિસ્તાનીઓમાંથી એકનું નામ ગુલામ સરવર હતું. 

3. જમ્મુ કાશ્મીરમાં આર્મીના 5 જવાનોની નિર્દયતાપૂર્વક હત્યાની કબૂલાત કરી જેને વેરિફાઈ કરવામાં આવી રહી છે. 

4. ISI ઓફિસર નાસિરના કહેવાથી અનેક વખત જમ્મુ કાશ્મીરમાં હથિયાર સપ્લાય કરવા માટે ગયેલો.

5. ISI ઓફિસર સાથે હંમેશા ઈ મેઈલ દ્વારા વાત થતી, ઈ મેઈલ ડ્રાફ્ટમાં એક નાનો મેસેજ છોડવામાં આવતો. 

દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલે મંગળવારે ધરપકડ કરવામાં આવી તે આતંકવાદી મુદ્દે પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. સ્પેશિયલ સેલના ડીસીપી પ્રમોદ કુશવાહે જણાવ્યું હતું કે, મોહમ્મદ અશરફ લાંબા સમયથી બોગસ આઈડી સાથે ભારતમાં રહેતો હતો અને સ્લીપર સેલની માફક કામ કરતો હતો. તેના પાસેથી AK-47, ગ્રેનેડ વગેરે મળી આવ્યા હતા. તેને ISI હેન્ડલ કરી રહ્યું હતું. 

સ્પેશિયલ સેલના કહેવા પ્રમાણે અશરફને બાંગ્લાદેશના રસ્તેથી ભારત મોકલવામાં આવ્યો હતો. તે સિલિગુડી દ્વારા ભારતમાં દાખલ થયો હતો. ત્યાં તેણે લગ્ન પણ કરી લીધા હતા. તેણે ગાઝિયાબાદની કોઈ યુવતી સાથે લગ્ન કર્યા હતા. 40 વર્ષીય આ શખ્સ દિલ્હી-એનસીઆરમાં પીર-મૌલાના બનીને ઝાડ-ફૂંકનું કામ પણ કરતો હતો.