×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

2 લાખ લોકોને મકાનો, 32 રસ્તાઓ, PM મોદી આવતીકાલે ઉત્તરપૂર્વને આપશે 6800 કરોડના પ્રોજેક્ટની ભેટ

Image Source - PMO Twitter

નવી દિલ્હી, તા.17 ડિસેમ્બર-2022, શનિવાર

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે રવિવારે ઉત્તરપૂર્વીય રાજ્યો ત્રિપુરા અને મેઘાલયની મુલાકાત લેશે. આ દરમિયાન તેઓ 6800 કરોડ રૂપિયાથી વધુની યોજનાઓનું ખાતમુહૂર્ત અને શિલાન્યાસ કરશે. PMOએ કહ્યું કે, આ પ્રોજેક્ટ્સોમાં મકાનો, રસ્તા, કૃષિ, ટેલિકોમ્યુનિકેશન્સ, ઇન્ફોર્મેશન ટેક્નોલોજી (IT), પ્રવાસન અને હોસ્પિટાલિટી સહિતના અનેક ક્ષેત્રોના પ્રોજેક્ટનો સમાવેશ થાય છે.

મોદી બે લાખથી વધુ લાભાર્થીઓને ગૃહ પ્રવેશ કરાવશે

PMOએ કહ્યું કે, મોદી ઉત્તર-પૂર્વ કાઉન્સિલની સુવર્ણ જયંતિની ઉજવણીમાં પણ ભાગ લેશે અને શિલોન્ગમાં તેની બેઠકમાં પણ ભાગ લેશે. અગરતલામાં મોદી ‘પ્રધાનમંત્રી આવાસ યોજના-શહેરી અને ગ્રામીણ’ હેઠળ બે લાખથી વધુ લાભાર્થીઓ માટેના ગૃહ પ્રવેશ કાર્યક્રમનો શુભારંભ કરશે.

PM મોદી NECની સુવર્ણ જ્યંતિમાં ભાગ લેશે

PMOએ કહ્યું કે, ઉત્તર-પૂર્વ કાઉન્સિલ (NEC)નું ઔપચારિક ઉદઘાટન 7 નવેમ્બર-1972માં થયું હતું. NECએ ઘણા ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સ અને વિકાસ ક્ષેત્રનું સમર્થન કરી સામાજિક-આર્થિક વિકાસમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે. PMOએ કહ્યું કે, એનઈસીએ શિક્ષણ, આરોગ્ય, રમતગમત, જળ સંશાધનો, કૃષિ, પ્રવાસન અને ઉદ્યોગ સહિત ઘણા ક્ષેત્રોમાં માળખાકીય સુવિધા ઉભી કરવામાં મદ દકરી છે.

દેશને 4G ટાવર સમર્પિત કરશે PM મોદી

PMOમાંથી જણાવાયું છે કે, એક જાહેર કાર્યક્રમમાં મોદી 2450 કરોડ રૂપિયાથી વધુની ઘણી યોજનાઓનું ઉદઘાટન અને શિલાન્યાસ કરશે. પ્રદેશમાં ટેલિકૉમ કનેક્ટિવિટીને વધુ શ્રેષ્ઠ બનાવવાના ભાગરૂપે વડાપ્રધાન દેશને 4G ટાવર સમર્પિત કરશે, જેમાં 320થી વધુનું કામ પૂર્ણ થઈ ગયું છે અને લગભગ 890 બની રહ્યા છે.

ત્રણ રાજ્યોને 4 રોડ પ્રોજેક્ટ્સની ભેટ

વડાપ્રધાન મોદી 3 રાજ્યો મેઘાલય, મણિપુર અને અરૂણાચલ પ્રદેશમાં 4 રોડ પ્રોજેક્ટ્સ સહિત અન્ય ઘણી વિકાસ યોજનાઓની શરૂઆત કરશે. આ ઉપરાંત તેઓ ઉમસાવલીમાં ભારતીય મેનેજમેન્ટ સંસ્થા (IIM) શિલોન્ગનું ઉદઘાટન કરશે.

PMOમાંથી જણાવાયું છે કે, PM મોદી મેઘાલયમાં મશરૂમ ડેવલપમેન્ટ સેન્ટર ખાતે 'સ્પોન લેબોરેટરી' અને મધમાખી ઉછેર વિકાસ કેન્દ્રનું પણ ઉદ્ઘાટન કરશે. ઉપરાંત તેઓ મિઝોરમ, મણિપુર, ત્રિપુરા અને આસામમાં 21 હિન્દી પુસ્તકાલયોનું ઉદ્ઘાટન કરશે. PM ત્રિપુરામાં રૂપિયા 4,350 કરોડથી વધુના પ્રોજેક્ટ લોન્ચ કરશે.

PM મોદી રાષ્ટ્રીય ધોરીમાર્ગ-8, અગરતલા બાયપાસ (ખૈરપુર-અમતલી)ને પહોળો કરવાની યોજનાનું પણ ઉદ્ઘાટન કરશે, જેના કારણે અગરતલા શહેરમાં ટ્રાફિક હળવો થઈ શકશે.