×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

10 જિલ્લામાં રસીકરણના ચોથા તબક્કાની શરુઆત, વ્યવસ્થાનો અભાવ અને ટેકનિકલ ખામીના કારણે મુશ્કેલી

અમદાવાદ, તા. 1 મે 2021, શનિવાર

કેન્દ્ર સરકારે કરેલી જાહેરાત પ્રમાણે પહેલી મે એટેલે કે આજથી દેશમાં કોરોના રસીકરણના ચોથા તબક્કાની શરુઆત થઇ ગઇ છે. આ તબક્કાની અંદર દેશના તમામ 18થી 44 વર્ષના લોકોને કોરોના રસી આપવામાં આવશે. ત્યારે ગુજરતામાં પણ આજથી એટલે કે ગુજરાત સ્થાપના દિવસથી ચોથા તબક્કાના રસીકરણનો શુભારંભ થયો છે. રાજ્યમાં આજથી 18થી 44 વર્ષના નાગરિકોને કોરોનાની રસી આપવામાં આવશે. જો કે ગઇકાલે સરકારે કરેલી સ્પષ્ટતા પ્રમાણે હાલ રાજ્યના માત્ર 10 જિલ્લામાં ચોથા તબક્કાનું રસીકરણ શરુ થશે.

સરકારે એવો તર્ક રજૂ કર્યો છે કે આ 10 જિલ્લા એવા છે, જે કોરોના વાયરસથી સૌથી વધારે પ્રભાવિત છે. જેમાં અમદાવાદ, સુરત, ગાંધીનગર, રાજકોટ, વડોદરા, જામનગર, ભાવનગર, કચ્છ, મહેસાણા, અને ભરૂચનો સમાવેશ થાય છે. ત્યારા આજે સવારથી રાજ્યના આ તમામ જિલ્લાઓમાં રસીકરણની શરુઆત થઇ ગઇ છે. જો કે રસીકરણ માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન ફરજીયાત છે. પરંતુ વ્યવસ્થાના અભાવે અથવા તો ટેકનિકલ ખામીના કારણે લોકોએ પરેશાની વેઠવી પડી છે.

અમદાવાદમાં ગુરુકુળ પાસે આવેલી મહારાજા અગ્રસેન સ્કૂલ ખાતે લોકો રસી માટે આવ્યા હતા. લાંબી લાંબી કતાર લગાવી હતી. લોકોનુ રજીસ્ટ્રેશન થયુ પરંતુ એપોઈન્ટમેન્ટ સ્લોટ બુક ન થવાના કારણે પરેશાની વેઠવી પડી હતી. આ પ્રકારની જાણકારી અનેક જિલ્લાઓમાંથી સામે આવી રહી છે.

રાજ્ય પાસે હાલમાં ૪.૬૨ લાખ વેક્સિનના ડોઝ ઉપલબ્ધ છે. અને બીજા અઢી કરોડ ડોઝની વ્યવસ્થા કરવામાં આવી છે. આ માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન ફરજિયાત છે. જે રજીસ્ટ્રેશન કરાવ્યું હશે તે લોકોને રસી આપવામાં આવશે. એસએમએસમાં દર્શાવેલી તારીખ, સમય અને સ્થળ પર જે-તે સેન્ટર પરથી જ રસી મળી શકશે.. અને સ્થળ પર ઉંમર માટેનો કોઈપણ પુરાવો રાખવો જરૂરી છે. સ્થળ પર રજિસ્ટ્રેશન કરવાની કોઈ જોગવાઈ નથી.