×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

૩૮ વર્ષની મહિલા તલાટીએ ચાર મહિના લડત આપીને કોરોનાને હરાવ્યો


વડોદરા : નર્મદા જિલ્લાની ૩૮ વર્ષની મહિલા દર્દી અને એસએસજી હોસ્પિટલના ડોક્ટરોની ટીમે ચાર મહિના (૧૧૯ દિવસ)ની લડાઇ બાદ કોરોનાને આખરે હરાવી દીધો. કોરોનાના કારણે મહિલાના ફેંફસા ખલાસ થઇ ગયા હતા એટલે કોરોના નેગેટિવ આવ્યા બાદ પણ છેલ્લા ૩ મહિનાથી આ મહિલા દર્દી સારવાર હેઠળ હતી. આજે તેને એસએસજી હોસ્પિટલના ડોક્ટરોએ લાંબા જીવનની શુભેચ્છા આપીને ડિસ્ચાર્જ આપ્યો હતો.

નર્મદા જિલ્લાના ગરૃડેશ્વર નજીક આવેલા ગભાણા ગામના ૩૮ વર્ષના મહિલા તલાટીમંત્રી પુષ્પાબેન શનાભાઇ તડવીની તબિયત ખરાબ થતાં તેઓએ સ્થાનિક પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ગત તા.૨૮ એપ્રિલે ટેસ્ટ કરાવતા કોરોના પોઝિટિવ આવ્યા હતા. તેમની હાલત ગંભીર હતી અને ઓક્સિજનની જરૃર હોવાથી ગત તા.૩૦મી એપ્રિલે વડોદરા સ્થિત એસએસજી હોસ્પિટલ સંચાલિત સમરસ કોવિડ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. અહી તેમને વેન્ટિલેટર ઉપર રાખવા પડયા હતા.જો કે દાખલ થયાના આઠ દિવસ બાદ એટલે કે તા.૭મી મેના રોજ તેમનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવી ગયો હતો પરંતુ  ફેંફસામાં કોરોનાનું સંક્રમણ ફેલાઇ જતાં ફેંફસા ૮૫ ટકા સુધી ડેમેજ થઇ ગયા હતા. પુષ્પાબેન ડાયાબિટિક હતા ઉપરાંત તેમનું વજન પણ વધારે હતુ.

કોરોના નેગેટિવ હોવાથી પુષ્પાબેનને કોવિડ વોર્ડમાંથી શિફ્ટ કરાયા હતા પરંતુ ફેંફસા ડેમેજ હોવાથી રેસ્પિરેટિવ આઇસીયુમાં વેન્ટિેલેટર ઉપર રાખવામાં આવ્યા હતા.દરમિયાન સમરસ કોવિડ હોસ્પિટલમાં દર્દીઓ ઘટી જતા તેને બંધ કરવામાં આવી હતી. તા.૧૧મી જુને સમરસ હોસ્પિટલમાંથી એસએસજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હોય તેવા પુષ્પાબેન છેલ્લા દર્દી હતા.

પુષ્પાબેનને એસએસજી હોસ્પિટલમાં પણ વેન્ટિલેટર ઉપર જ રાખવામાં આવ્યા હતા. તા.૩૦મી એપ્રિલથી તા.૧૫ જુલાઇ સુધી એટલે કે ૭૭ દિવસ સુધી વેન્ટિલેટર ઉપર રખાયા હતા દરમિયાન તેમના ફેંફસા કામ કરતા થયા હતા અને ઓક્સિજન લેવલ પણ યોગ્ય થઇ જતાં તેમને આજે રજા આપવામાં આવી હતી. એસએસજી હોસ્પિટલના કોવિડ વિભાગના નોડલ ઓફિસર ડો.બેલીમ ઓ.બી. કહે છે કે આ જીત પુષ્પાબેનના આત્માવિશ્વાસની જીત છે અને એસએસજીના ડોક્ટરો જયંત ચૌહાણ, જિતેન્દ્ર સોસોદિયા, અમ્રિત દેદુન, પિંકેશ રાઠવા, પ્રિયંકા પટેલ અને અસ્લમ ચૌહાણની મહેનત પણ રંગ લાવી છે.

દર્દીઓ ડિસ્ચાર્જ લેતા જોઇને મારો આત્મવિશ્વાસ તુટી ગયો હતો : પુષ્પાબેન તડવી

૧૧૯ દિવસ સુધી યુધ્ધ કરીને કોરોનાને હરાવનાર નર્મદા જિલ્લાના મહિલા તલાટી પુષ્પાબેન તડવી કહે છે કે 'કોરોનાનો ડર જ એટલો હતો કે પોઝિટિવ રિપોર્ટ જોઇને જ આઘાત લાગી જતો. મારો રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ મને વડોદરામાં સમરસ હોસ્પિટલમા દાખલ કરવામાં આવી હતી. દિન પ્રતિદિન મારી તબિયત વધુ ખરાબ થઇ રહી હતી બીજી તરફ મારી આસપાસના બેડ ઉપરના દર્દીઓ સાજા થઇને ઘરે જઇ રહ્યા હતા આ જોઇને એક તબક્કે મારો આત્મવિશ્વાસ તુટી ગયો હતો જો કે એસએસજી હોસ્પિટલના ડોક્ટરો અને સ્ટાફે મને હિમ્મત આપી જેના કારણે આજે સ્વસ્થ થઇને ઘરે પરત ફરી રહી છું.