×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

હોળી અગાઉ ગૃહિણીઓનું બજેટ ખોરવાયું ઃ એલપીજીના ભાવમાં રૃ. ૫૦નો વધારો


 

(પીટીઆઇ)     નવી દિલ્હી, તા. ૧

હોળી, ઘૂળેટી સહિતના તહેવારો અગાઉ જ રાંધણ ગેસ તરીકે વપરાતા એલપીજી સિલિન્ડરના ભાવમાં ૫૦ રૃપિયાનો વધારો કરવામાં આવતા ગૃહિણીઓનું બજેટ ખોરવાઇ જવાની શક્યતા છે.

ઉત્તર પૂર્વના ત્રણ રાજ્યોમાં ચૂંટણી પૂર્ણ થતા જ સિલિન્ડરના ભાવમાં વધારો કરવામાં આવતા વિરોધ પક્ષોએ સરકારની ટીકા કરી છે. હોળી અગાઉ એલપીજીના ભાવ વધારવા બદલ પણ વિરોધ પક્ષોએ સરકાર પર પ્રહારો કર્યા છે. કોંગ્રેસે જણાવ્યું છે કે જો કેન્દ્રમાં તેમની સરકાર આવશે તો તે આ લૂંટનો અંત લાવશે અને પ્રજાને ૫૦૦ રૃપિયાથી ઓછા ભાવમાં એલપીજી સિલિન્ડર આપશે.

સરકારી માલિકીના ફ્યુઅલ રિટેલર્સ દ્વારા જારી કરવામાં આવેલા પ્રેસ નોટિફિકેશન અનુસાર દિલ્હીમાં ૧૪.૨ કિગ્રાના એલપીજી સિલિન્ડરનો ભાવ ૧૦૫૩ રૃપિયાથી વધીને ૧૧૦૩ રૃપિયા થઇ ગયો છે. જો કે આઠ મહિના પછી એલપીજી સિલિન્ડરના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. આઠ મહિના સુધી સિલિન્ડરનો ભાવ ૧૦૫૩ રૃપિયાએ સ્થિર હતો.

સરકારી માલિકીની કંપનીઓ ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન (આઇઓસી), ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ (બીપીસીએલ) અને હિંદુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ (એચપીસીએલ)ના જણાવ્યા અનુસાર સાબસિડી વગરના ૧૪.૨ કિગ્રાના એલપીજી સિલિન્ડરનો ભાવ વધારીને ૧૧૦૩ રૃપિયા કરવામાં આવ્યો છે.

ઉલ્લેખનીય છે કે સરકાર પ્રધાન મંત્રી ઉજ્જવાલા યોજનાના ૯.૫૮ કરોડ રીબ લાભાર્થીઓેને સિલિન્ડર દીઠ ૨૦૦ રૃપિયાની સબસિડી આપે છે. તેમને ૧૪.૨ કિગ્રાનોે એલપીજી સિલિન્ડર ૯૦૩ રૃપિયામાં પડશે.

આ અગાઉ ચાર જુલાઇ, ૨૦૨૨ના રોજ ડોમેસ્ટિક એલપીજી સિલિન્ડરના ભાવમાં ફેરફાર કરવામાં આવ્યો હતો.

આજના ભાવવધારા પછી ૧૪.૨ કિગ્રાના એલપીજી સિલિન્ડરનો ભાવ વધીને મુંબઇમાં ૧૧૦૨.૫૦ રૃપિયા, કોલકાતામાં ૧૧૨૯ રૃપિયા અને ચેન્નાઇમાં ૧૧૧૮.૫૦ રૃપિયા થઇ ગયો છે.

આ સાથે જ હોટેલ અને રેસ્ટોરન્ટમાં ઉપયોગમાં લેવામાં આવતા કોમર્શિયલ એલપીજીના ૧૯ કિલોના સિલિન્ડરના ભાવમાં ૩૫૦.૫૦ રૃપિયાનો વધારો કરવામાં આવ્યો છે. આ સાથે જ ૧૯ કિલોના કોમર્શિયલ એલપીજી સિલિન્ડરનો ભાવ વધીને ૨૧૧૯.૫૦ રૃપિયા થઇ ગયો છે.

આ અગાઉ જાન્યુઆરીમાં કોમર્શિયલ એલપીજી સિલિન્ડરના ભાવમાં ૨૫ રૃપિયાનો વધારો કરવામાં આવ્યો હતો.જો કે બીજી તરફ વિમાન ઇંધણ (એટીએફ)ના ભાવમાં ઘટાડો કરવામાં આવ્યો છે. દિલ્હીમાં એક કિલોલિટર જેટ ફ્યુલનો ભાવ ૪૬૦૬.૫૦ રૃપિયા ઘટીને ૧,૦૭,૭૫૦.૨૭ રૃપિયા થઇ ગયો છે.

પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઇ ફેરફાર કરવામાં આવ્યો છે. વિક્રમજનક સળંગ ૧૧મા મહિને પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઇ ફેરફાર કરવામાં આવ્યો નથી. દિલ્હીમાં એક લિટર પેટ્રોલનો ભાવ ૯૬.૭૨ રૃપિયા અને એક લિટર ડીઝલનો ભાવ ૮૯.૬૨ રૃપિયાએ સ્થિર છે.

માર્ચ મહિનામાં હોળી સહિતના અનેક તહેવારો આવી રહ્યાં છે. જેના કારણે માર્ચ મહિનામાં કુલ ૧૨ દિવસ બેંકો બંધ રહેશે. ૧૨ દિવસોમાં રવિવાર અને બીજા અને ચોથા શનિવારની રજાઓ પણ સામેલ છે.