×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

હૈતી શરણાર્થીઓને લઈ ડોનાલ્ડ ટ્રમ્પે આપ્યું 'વિવાદિત નિવેદન', કહ્યું- 'આમાંથી અનેક લોકોને AIDS છે'


- 1980ના દશકામાં હૈતી પર આરોપ લગાવાયો હતો કે, તેના નાગરિકો દ્વારા અમેરિકામાં એઈડ્સ ફેલાયો

નવી દિલ્હી, તા. 09 ઓક્ટોબર, 2021, શનિવાર

અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકામાં એન્ટ્રી કરવા માગતા હૈતીના પ્રવાસીઓ (શરણાર્થીઓ) માટે ખૂબ જ આક્રમક નિવેદન આપ્યું છે. ટ્રમ્પે જણાવ્યું કે, હૈતી પ્રવાસીઓમાંથી સેંકડો અને હજારો અમેરિકામાં આવી રહ્યા છે અને તેમાંથી અનેકને એઈડ્સ છે. ટ્રમ્પે રાષ્ટ્રપતિ તરીકે પણ પોતાના કાર્યકાળ દરમિયાન હૈતી માટે અપમાનજનક ટિપ્પણીઓ કરી હતી. પૂર્વ રાષ્ટ્રપતિ ટ્રમ્પના કહેવા પ્રમાણે હૈતી પ્રવાસીઓને અમેરિકામાં પ્રવેશ માટેની મંજૂરી આપવી તે દેશ માટે મૃત્યુની ઈચ્છા માગવા સમાન છે. 

ડોનાલ્ડ ટ્રમ્પે ટેક્સાસના ડેલ રિયો ખાતે યુએસ-મેક્સિકો સરહદે શરણ માગી રહેલા હજારો હૈતી પ્રવાસીઓ અને શરણાર્થીઓનો ઉલ્લેખ કર્યો હતો. હકીકતે હૈતી ખાતે આવેલા 2 વિનાશક ભૂકંપ અને જુલાઈ મહિનામાં હૈતીના રાષ્ટ્રપતિ જોવેનેલ મોઈસની હત્યા કરવામાં આવી ત્યાર બાદ અનેક નાગરિકો દેશ છોડીને ભાગી ગયા છે. એક ઈન્ટરવ્યુ દરમિયાન ટ્રમ્પે વારંવાર એવો દાવો કર્યો હતો કે, અમેરિકામાં પ્રવેશ કરવાનો પ્રયત્ન કરી રહેલા હૈતીના પ્રવાસીઓ એઈડ્સથી સંક્રમિત છે. તેમણે જણાવ્યું કે, હૈતીમાં મોટા પાયે એઈડ્સની સમસ્યા છે. 

પૂર્વ રાષ્ટ્રપતિએ જણાવ્યું હતું કે, 'આપણા દેશમાં સેંકડો, હજારો લોકો આવી રહ્યા છે. જો તમે આંકડાઓ અને સંખ્યાને જોશો તો તમને સમજાશે કે હૈતીમાં શું બની રહ્યું છે. એઈડ્સ એક જબરજસ્ત સમસ્યા છે.' ટ્રમ્પના દાવાથી વિરૂદ્ધ સંયુક્ત રાષ્ટ્રના આંકડાઓ કંઈક અલગ જ તસવીર બતાવે છે. સંયુક્ત રાષ્ટ્રના અહેવાલ પ્રમાણે 15થી 49 વર્ષની ઉંમરના વયસ્કોમાં એચઆઈવીનો પ્રસાર લગભગ 1.9 ટકા છે જે 0.7 ટકાના વૈશ્વિક દર કરતા વધારે છે. જોકે વર્તમાન દશકામાં હૈતીમાં એચઆઈવીનો પ્રસાર દર ખૂબ જ ઘટ્યો છે. 1980ના દશકામાં હૈતી પર આરોપ લગાવાયો હતો કે, તેના નાગરિકો દ્વારા અમેરિકામાં એઈડ્સ ફેલાયો.