×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

હેપ્પી બર્થડે અનુ કપૂરઃ વાંચો તેમની ચૂરણ-લોટરી વેચવાથી લઈને કરોડપતિ બનવા સુધીની સફર


- તેમણે પહેલી વાઈફથી ડિવોર્સ લઈને બીજા લગ્ન કર્યા અને પછી બીજી વાઈફથી અલગ થઈને ફરી પહેલી પત્ની સાથે લગ્ન કરી લીધા હતા

મુંબઈ, તા. 20 ફેબ્રુઆરી, 2022, રવિવાર

અનુ કપૂરની જિંદગી પોતાના રીતે એક મિસાલ સમાન છે. જીવનની તમામ મુશ્કેલીઓ વચ્ચે પણ જે શખ્સ પોતાની કાબેલિયત પર વિશ્વાસ કરે, ડગે નહીં અને સફળતાની કહાની બની જાય તેનું નામ અનુ કપૂર છે. 20 ફેબ્રુઆરી, 1965માં ભોપાલ ખાતે જન્મેલા અનુ ખૂબ જ જિંદાદિલ એક્ટર છે. એક્ટર, ડાયરેક્ટર, પ્રોડ્યુસર, સિંગર, રેડિયો જોકી, ટીવી હોસ્ટ અનુએ 100 કરતાં પણ વધારે ફિલ્મોમાં કામ કરેલું છે. જોકે તેઓ પોપ્યુલર 'અંતાક્ષરી'ના કારણે જ બન્યા. આજે તેમના જન્મ દિવસ પર તેમની જિંદગી પર એક નજર નાખીએ. 

ખૂબ જ તંગીમાં વિત્યું બાળપણ

અનુ કપૂરના પિતા મદનલાલ કપૂર એક પારસી થિયેટર કંપની ચલાવતા હતા અને તેમના માતા કમલ શબનમ કપૂર ટીચર હતા. અનુને 3 ભાઈ-બહેન છે. તેમનું બાળપણ ખૂબ જ તંગીમાં વિત્યું હતું. અનુનુ સાચું નામ અનિલ કપૂર હતું પરંતુ એવું કહેવાય છે કે, અભિનેતા અનિલ કપૂરના કારણે તેમણે પોતાનું નામ બદલીને અનુ કપૂર કરી દીધું. આર્થિક તંગીનો સામનો કરી રહેલા પરિવારની મદદ માટે તેઓ ચા વેચતા હતા. તેમણે ચૂરણ અને લોટરીની ટિકિટ પણ વેચ્યા છે. તેમણે દિલ્હીની નેશનલ સ્કૂલ ઓફ ડ્રામામાં એડમિશન લીધું હતું અને ત્યાં જ એક્ટિંગના પાઠ ભણ્યા હતા. 

23ના અનુએ 70 વર્ષના વૃદ્ધનો રોલ ભજવ્યો

અનુ કપૂર જ્યારે એનએસડીમાં હતા તે દરમિયાન એક પ્લેમાં તેમણે એવું શાનદાર કામ કર્યું કે, પ્રખ્યાત ફિલ્મમેકર શ્યામ બેનેગલ તેમના પર ઓળઘોળ થઈ ગયા. હકીકતે 23 વર્ષીય અનુએ તે પ્લેમાં 70 વર્ષીય વૃદ્ધનો રોલ ભજવ્યો હતો. શ્યામ બેનેગલ તેમની અભિનય પ્રતિભાના એવા ચાહક બની ગયા કે ફિલ્મ 'મંડી'માં કામ આપી દીધું. તે ફિલ્મ બાદ અનુએ કદી પાછા વળીને નથી જોવું પડ્યું. તેમણે અનેક ફિલ્મોમાં કામ કર્યું પરંતુ 'અંતાક્ષરી'ને હોસ્ટ કરીને તે શોને યાદગાર બનાવી દીધો. શો દરમિયાન એનર્જીથી ભરપૂર અનુ દર્શકોને ખૂબ મનોરંજન કરાવે છે. 

'અંતાક્ષરી'એ બનાવ્યા પોપ્યુલર

સંગીતની સુંદર જાણકારી ધરાવતા અનુ કપૂર એક શાનદાર સિંગર પણ છે. તે સિવાય હિંદી ભાષા પર પણ તેઓ કમાલની પકડ ધરાવે છે. તેઓ બોલે ત્યારે સાંભળનારાઓ ભાવવિભોર થઈ જાય છે. ખૂબ જ એનર્જેટિક એવા અનુએ જ્યારે ટીવી પર 'અંતાક્ષરી'ને હોસ્ટ કરવાનું શરૂ કર્યું તો તેને પોપ્યુલર શો બનાવી દીધો. એટલું જ નહીં, તેઓ હિંદુ શાસ્ત્રનું પણ અદભૂત જ્ઞાન ધરાવે છે. તેઓ બોલે છે ત્યારે શ્રોતાઓને મંત્રમુગ્ધ કરી દે છે. તેઓ શો અને ફિલ્મોમાં કામ કરવા માટે ખૂબ સારી ફી લે છે. 

કરોડપતિ છે અનુ કપૂર

અનુ કપૂરે 2012માં આવેલી ફિલ્મ 'વિક્કી ડોનર'માં બલદેવ ચડ્ઢાનો રોલ પ્લે કરીને દર્શકોનું ખૂબ જ મનોરંજન કર્યું હતું. ફિલ્મથી લઈને ટીવીની દુનિયામાં પોતાના કામની અમીટ છાપ છોડનારા અનુનું બાળપણ ભલે મુશ્કેલીમાં વિત્યું હોય પરંતુ આજે તેમના પાસે મુંબઈમાં પોતાનું ઘર છે અને લક્ઝરી ગાડીઓ પણ છે. એક અહેવાલ પ્રમાણે તેમની નેટવર્થ આશરે 170 કરોડ રૂપિયાની છે. 

પર્સનલ લાઈફમાં પણ રહ્યો ટ્વિસ્ટ

અનુ કપૂરની પર્સનલ લાઈફ પણ ટ્વિસ્ટથી ભરપૂર છે. તેમણે 2 વખત લગ્ન કર્યા છે અને તેમને 4 બાળકો છે. એક અહેવાલ પ્રમાણે તેમણે પહેલી વાઈફથી ડિવોર્સ લઈને બીજા લગ્ન કર્યા અને પછી બીજી વાઈફથી અલગ થઈને ફરી પહેલી પત્ની સાથે લગ્ન કરી લીધા હતા.