×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

હીરાબા માટે રાહુલ ગાંધીએ કરી પ્રાર્થના, માતા-પુત્રના પ્રેમને લઈને કર્યુ ભાવુક ટ્વિટ

અમદાવાદ, 28 ડિસેમ્બર 2022, બુધવાર

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના માતા હીરાબાની તબિયત નાદુરસ્ત જણાતા તેમને ગઈકાલે રાત્રે યુ.એન મહેતા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આજે આ સમાચાર વહેતા થતા જ એક પછી એક નેતાઓની પ્રતિક્રિયા આવવાની શરુઆત થઈ હતી. રાહુલ- પ્રિયંકા ગાંધીથી લઈ ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અને આપના ઈશુદાન ગઢવીએ ટ્વીટ કર્યુ હતું. સૂત્રો દ્વારા માહિતી જાણવા મળી રહ્યું છે. હીરાબાને હોસ્પિટલમાં ખસેડવાને પગલે યુ.એન મહેતા ખાતે VVIPની દોડધામ જોવા મળી હતી. અહીં એક પછી એક ધારાસભ્યો હોસ્પિટલ આવી પહોંચ્યા હતા. આ ઉપરાંત પોલીસ અધિકારીઓ પણ દોડી આવ્યા હતાં. હવે યુ એન મહેતા હોસ્પિટલ દ્વારા મેડિકલ બુલેટિન જાહેર કરવામાં આવ્યું છે. જેમાં હીરાબાની તબિયત હવે સુધારા પર હોવાનું જણાવવામાં આવ્યું છે. આજે સીએમ ભૂપેન્દ્ર પટેલ પણ યુ એન મહેતા હોસ્પિટલમાં પહોંચ્યા હતા. 

રાહુલ- પ્રિયંકા સહિત અનેક નેતાઓએ પ્રતિક્રિયા આપી
કોંગ્રેસના રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીએ પીએમ માટે ટ્વીટ કરી હતી. રાહુલ ગાંધીએ લખ્યુ છે કે માતા અને પુત્ર વચ્ચેનો પ્રેમ અનંત અને અનમોલ છે. મોદીજી, આ મુશ્કેલ સમયમાં મારો પ્રેમ અને સમર્થન તમારી સાથે છે. હું આશા રાખું છું કે તમારી માતા જલ્દી સ્વસ્થ થઈ જાય. પ્રિયંકા ગાંધીએ લખ્યુ હતુ કે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના માતાની તબિયત ખરાબ હોવાના સમાચાર મળ્યા છે. આ ઘડીમાં આપણે બધા તેની સાથે છીએ. હું ભગવાનને પ્રાર્થના કરું છું કે તે જલ્દી સ્વસ્થ થઈ જાય. આ ઉપરાંત ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર અને આમ આદમી પાર્ટીના ઈશુદાન ગઢવીએ પણ ટ્વીટ કરી હતી. જગદીશ ઠાકોરે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજીના માતૃશ્રી પૂ.હીરાબા અસ્વસ્થ હોવાના સમાચાર મળ્યા. પૂ.હીરાબા ઝડપથી સ્વસ્થ થઈને ઘરે પરત ફરે તેવી ઈશ્વરને પ્રાર્થના ટ્વીટ કરી હતી જ્યારે ઈશુદાન ગઢવીએ ટ્વીટ કર્યુ હતુ કે માતા હીરાબાની તબિયત બગડી છે. હું ભગવાનને પ્રાર્થના કરું છું કે માતા હીરાબા જલ્દી સ્વસ્થ થઈ જાય! નરેન્દ્રભાઈ, સોમાભાઈ સહિતના પરિવાર સાથે અમારી સંવેદના!

હોસ્પિટલે મેડિકલ બુલેટિન જાહેર કર્યું
યુ એન મહેતા હોસ્પિટલના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન મોદીની માતા હીરાબાને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે અને હવે તેમની તબિયત સુધારા પર છે. હીરાબાને યુ.એન મહેતા હોસ્પિટલમાં દાખલ કર્યાની જાણ થયા બાદ અહીં દરિયાપુરના ધારાસભ્ય કૌશિક જૈન, અસારવાના ધારાસભ્ય દર્શનાબેન વાઘેલા પહોંચ્યા હતા. આ ઉપરાંત અધિકારીમાં કે.કૈલાસનાથન સહિત પોલીસબેડાના ઉચ્ચ અધિકારીઓ પણ હોસ્પિટલ પહોંચ્યા હતા તેવું જાણવા મળી રહ્યું છે.