×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

હિમાચલ-ઉત્તરાખંડમાં મેઘતાંડવ, યુપી-પંજાબની હાલત પણ દયનીય થઈ, અત્યાર સુધી 91 લોકોનાં મોત

image : IANS 


ઉત્તરાખંડને મંગળવારે મોનસૂન અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સે ઘમરોળી નાખ્યું હતું. તેના લીધે ભારે વરસાદ પડ્યો અને પથ્થરો પડવા અને ભૂસ્ખલન જેવી ઘટનાઓ બની હતી. આ ઘટનાઓમાં મધ્યપ્રદેશના ત્રણ ગંગૌત્રી જનારા તીર્થયાત્રીઓ સહિત કુલ 8 લોકો મૃત્યુ પામી ગયા હતા. જોકે વરસાદે હિમાચલ પ્રદેશ, જમ્મુ-કાશ્મીર, પંજાબ, હરિયાણા અને રાજસ્થાનને થોડીક રાહત આપી હતી. 

મૃતકાંક સતત વધી રહ્યો છે 

અધિકારીઓને રાહત, બચાવ અને માર્ગને ફરી બહાલ કરવામાં મદદ મળી રહી છે. ઉલ્લેખનીય છે કે મંગળવારે વરસાદ સંબંધિત દુર્ઘટનાઓ, ભૂસ્ખલન અને પૂરને લીધે વધુ 21 લોકોના મૃત્યુ થયાના અહેવાલ મળ્યા હતા. તેની સાથે 8 જુલાઈ બાદથી આ વિસ્તારોમાં મૃત્યુ પામનારા લોકોની સંખ્યા 91ને વટાવી ગઈ હતી. 

પર્વતીય વિસ્તારોમાં પર્યટકો ફસાયા 

પર્વતીય વિસ્તારોમાં ભારે વરસાદને લીધે અનેક પર્યટકોના જીવ જોખમમાં મૂકાયા હતા. હિમાચલ પ્રદેશના લાહોલ-સ્પીતિ જિલ્લામાં આવેલા ચંદ્રતાલ સરોવરમાં ભારે વરસાદ અને હિમવર્ષાને લીધે 300 જેટલા પર્યટકો ફસાયા હતા. ગત 3 દિવસમાં આ રાજ્યમાં 31 લોકો મૃત્યુ પામી ચૂક્યા છે. 

હિમાચલમાં વાયુસેનાની મદદ માગવામાં આવી 

અધિકારીઓએ કહ્યું કે 14100 ફૂટની ઊંચાઈએ આવેલા ચંદ્રતાલમાં 300 પર્યટકો કેમ્પમાં ફસાયેલા છે. ભારે વરસાદ અને હિમવર્ષને કારણે તેઓ પાછા ફરી શકી રહ્યા નથી. તંત્રએ વાયસુના પાસે હેલિકોપ્ટરની મદદ માગી હતી. 

ઉત્તરાખંડ : પુલ વહી જતાં સરહદી ગામના લોકો સંપર્કવિહોણાં થયા 

ચમોલી જિલ્લામાં જુમ્માગાડ નદીમાં આવેલા પૂરને લીધે પુલ વહી ગયું હતું. જેના લીધે ભારત-તિબેટની સરહદે આવેલા ગામના લોકો સંપર્કવિહોણાં થઈ ગયા હતા. 

ઉત્તરપ્રદેશમાં ત્રણના મોત 

ઉત્તરપ્રદેશમાં મંગળવારે ભારે વરસાદ સંબંધિત ઘટનાઓમાં ત્રણ લોકો મૃત્યુ પામી ગયા હતા. અધિકારીઓએ કહ્યું કે ગૌતમબુદ્ધ નગર, સીતાપુર અને મેનપુરી જિલ્લામાં એક-એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું. 

હરિયાણા-પંજાબમાં હાલત દયનીય 

હરિયાણા અને પંજાબમાં છેલ્લાં ત્રણ દિવસથી સતત વરસાદને લીધે કરોડો રુપિયાની સંપત્તિને નુકસાન છે.  11 લોકો અત્યાર સુધી મૃત્યુ પામી ચૂક્યા છે. મંગળવારે જ પંજાબમાં ત્રણ લોકો મૃત્યુ પામી ગયા હતા.