×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

હિમાચલમાં વિનાશકારી વરસાદ : 88ના મોત, 40 પુલ ક્ષતિગ્રસ્ત, 4000 કરોડથી વધુનુ નુકસાન

દહેરાદુન, તા.12 જુલાઈ-2023, બુધવાર

હિમાચલમાં ચોમાસાના વરસાદે મોટી આફત સર્જી છે. ભારે વરસાદ, પૂર અને ભૂસ્ખલનના કારણે અનેક લોકોના મોત થયા છે. ઉપરાંત કરોડોની સંપત્તિને નુકસાન થયું છે. ભારે વરસાદથી સેંકડો પશુઓના મોત થયા છે. રાજ્ય સરકારના આંકડા અનુસાર, હિમાચલ પ્રદેશમાં વિનાશક વરસાદને કારણે 88 લોકોના મોત થયા છે, જ્યારે 16 લાપતા, 100 ઈજાગ્રસ્ત થયા છે. રાજ્યભરમાં 492 પશુઓના મોત થયા છે.

1300 રસ્તાઓ બંધ, 40 પુલને નુકસાન

હિમાચલ પ્રદેશમાં વિવિધ સ્થળોએ ભારે વરસાદ અને ભૂસ્ખલન બાદ જ્યારે સરકાર અને વહીવટીતંત્રે નુકસાનીનો તાગ મેળવ્યો ત્યારે સર્વત્ર તબાહી જોવા મળી છે. સામાન્ય લોકો અને પશુઓના મૃત્યુ ઉપરાંત, રાજ્યમાં ભારે વરસાદ, ભૂસ્ખલન અને પૂરને કારણે લગભગ 1300 રસ્તાઓ બંધ થઈ ગયા છે, જ્યારે 40 મોટા પુલને નુકસાન થયું છે.

રાજ્યને અંદાજીત 4000 કરોડનું નુકસાન

રોડ રેસ્ક્યુ ટીમ ચંદ્રતાલના રસ્તાઓ પર પડેલા બરફને સાફ કરી રહી છે. મુખ્યમંત્રી સુખુએ મંગળવારે કહ્યું હતું કે, તમામ ફસાયેલા પ્રવાસીઓને બુધવાર સુધીમાં બહાર કઢાશે અને આ કાર્ય માટે 6 હેલિકોપ્ટર તૈનાત કરાયા છે. તેમણે એવો પણ દાવો કર્યો હતો કે કુદરતી આફતને કારણે પહાડી રાજ્યને અંદાજિત 4000 કરોડ રૂપિયાનું નુકસાન થયું છે.

ભૂસ્ખલનની સંભાવનાઓ

હિમાચલના હવામાન વિભાગના ડાયરેક્ટર સુરેન્દ્ર પોલે રાજ્યમાં વરસાદ વિશે કહ્યું કે, છેલ્લા 24 કલાકમાં સિરમૌર, સોલન, શિમલા અને કિન્નૌર જિલ્લામાં વરસાદ જ્યારે મંડી, કાંગડા, કુલ્લુમાં સામાન્ય વરસાદ થયો છે. તેમણે કહ્યું કે આજે અને આવતીકાલે વરસાદનું જોર ઘટશે. 14મી જુલાઈની આસપાસ ચોમાસું ફરી સક્રિય થશે. આગામી 48 કલાકમાં ભૂસ્ખલનની શક્યતાઓ છે.

પૂર અને વરસાદમાં પ્રવાસીઓ ફસાયા

હિમાચલમાં મુશળધાર વરસાદના કારણે ઘણા પ્રવાસીઓએ હાલાકીનો સામનો કર્યો... કેટલાક વિસ્તારોમાંથી પ્રવાસીઓને બહાર કઢાયા છે, તો કેટલાક વિસ્તારોમાંથી અન્યત્ર ખસેડવાની કામગીરી ચાલી રહી છે. હકીકતમાં રાજ્યના 850થી વધુ રસ્તાઓ બંધ થવાને કારણે, મોટી સંખ્યામાં પ્રવાસીઓ પોતપોતાના સ્થળોએ ફસાયા છે અને પરિસ્થિતિ સુધરવાની રાહ જોઈ રહ્યા છે. મુખ્યમંત્રી સુખુએ જણાવ્યું કે, મોટાભાગના પર્યટકો શનિવારથી ફસાયા છે, જેમાં સૌથી વધુ ચંદ્રતાલમાં 300 લોકો ફસાયા છે. પ્રવાસીઓમાં 2 વૃદ્ધ અને 1 યુવતી સહિત 7 બીમાર લોકોને મંગળવારે હવાઈ માર્ગે ચંદ્રતાલથી ભુંતર લવાયા છે.