×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

હિમાચલમાં ફરી ભૂકંપના આંચકા અનુભવાયા, 18 દિવસમાં 5મી વખત ધરા ધ્રુજી


- ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 2.7 હતી 

- વર્ષ 1905માં કાંગડા અને ચંબા જિલ્લામાં આવેલા વિનાશક ભૂકંપમાં 10,000થી વધુ લોકો માર્યા ગયા હતા

શિમલા, તા. 03 જાન્યુઆરી 2023, મંગળવાર

હિમાચલ પ્રદેશમાં ફરી એકવાર ભૂકંપના આંચકા અનુભવાયા છે. મંગળવારે સવારે 5:33 કલાકે થોડી સેકન્ડ માટે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. હવામાન કેન્દ્ર શિમલાના જણાવ્યા પ્રમાણે ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 2.7 નોંધવી હતી અને તેનું કેન્દ્ર સોલન જિલ્લાના સિહાલમાં જમીનની સપાટીથી 5 કિમીની ઊંડાઈએ નોંધાયું હતું. 

18 દિવસમાં 5મી વખત આવ્યો ભૂકંપ

સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, ભૂકંપની ઓછી તીવ્રતાના કારણે કોઈ જાનહાનિ કે સંપત્તિને નુકસાન થયું હોવાના અહેવાલ નથી મળ્યા. છેલ્લા 18 દિવસમાં હિમાચલ પ્રદેશના વિવિધ વિસ્તારોમાં 5 ભૂકંપ આવ્યા છે. મંડી જિલ્લામાં 3 દિવસ પહેલા એટલે કે 31 ડિસેમ્બરે સમાન તીવ્રતાના ભૂકંપના આંચકા અનુભવાયા હતા. અગાઉ 26 ડિસેમ્બરે કાંગડા, 21 ડિસેમ્બરે લાહૌલ-સ્પીતિ અને 16 ડિસેમ્બરે કિન્નૌર જિલ્લામાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. 

હિમાચલ પ્રદેશ ભૂકંપની દૃષ્ટિએ સૌથી સંવેદનશીલ

હિમાચલ પ્રદેશ ભૂકંપની દૃષ્ટિએ સૌથી સંવેદનશીલ ઝોન 4 અને 5માં આવે છે. વર્ષ 1905માં કાંગડા અને ચંબા જિલ્લામાં આવેલા વિનાશક ભૂકંપમાં 10,000થી વધુ લોકો માર્યા ગયા હતા. રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી ઓછી અને મધ્યમ તીવ્રતાના ભૂકંપના આંચકા અનુભવાઈ રહ્યા છે. વારંવાર આવતા ભૂકંપથી લોકોમાં ડરનો માહોલ છે.