×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

હિમાચલમાં ગુલાબી ઠંડી વચ્ચે રાજકીય ગરમાવો 12મી નવેમ્બરે ચૂંટણી, 8મી ડિસેમ્બરે પરિણામ


- પક્ષોએ 'મફત રેવડી'ના પૈસા ક્યાંથી આવશે તે પણ ઢંઢેરામાં જાહેર કરવું પડશે

- ભાજપને રાજ્યમાં ત્રણ દાયકાથી ચાલતી શાસક પક્ષના પરાજયની પરંપરા તોડવાની, કોંગ્રેસને ફરી સત્તાની આશા

નવી દિલ્હી : હિમાચલ પ્રદેશમાં વિધાનસભા ચૂંટણીનું બ્યુગલ વાગી ગયું છે. ચૂંટણી પંચે શુક્રવારે હિમાચલ પ્રદેશમાં ચૂંટણી કાર્યક્રમ જાહેર કરી દીધો છે. રાજ્યમાં એક જ તબક્કામાં બધી જ ૬૮ વિધાનસભા બેઠકો પર ૧૨મી નવેમ્બરે મતદાન થશે અને લગભગ એક મહિના પછી ૮મી ડિસેમ્બરે પરિણામ જાહેર થશે તેમ ચૂંટણી પંચે શુક્રવારે જણાવ્યું હતું. જોકે, પંચે ગુજરાતમાં ચૂંટણી કાર્યક્રમ જાહેર કરવાનું ટાળ્યું હતું.

મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે જણાવ્યું હતું કે હિમાચલ પ્રદેશમાં વિધાનસભા ચૂંટણીની જાહેરાત સાથે ૧૪મી ઑક્ટોબરથી જ આદર્શ ચૂંટણી આચાર સંહિતા લાગુ થઈ ગઈ છે. ૧૭મીએ ચૂંટણી પંચ સંબંધિત જાહેરનામું બહાર પાડશે. ૨૫મીએ ઉમેદવારી નોંધાવવાની પ્રક્રિયા શરૂ થશે. ૨૭મીએ ઉમેદવારોના અરજી પત્રકોની ચકાસણી થશે. ૨૯મી સુધીમાં ઉમેદવારો નામ પાછું ખેંચી શકશે. ૧૨મી નવેમ્બરે બધી જ ૬૮ વિધાનસભા બેઠકો  પર એક જ તબક્કામાં મતદાન થશે અને ૮મી ડિસેમ્બરે મતગણતરી થશે. આ જ દિવસે પરિણામોની જાહેરાત થશે. લોકશાહીના ઉત્સવમાં મતદારોની મહત્તમ ભાગીદારીની ખાતરી માટે પર્યાપ્ત વ્યવસ્થા કરાઈ છે.  

હિમાચલ પ્રદેશમાં ભાજપ ફરીથી ચૂંટાઈને ત્રણ દાયકાથી ચાલી આવતી શાસક પક્ષના પરાજયની પરંપરા તોડવા આતુર છે જ્યારે મુખ્ય વિપક્ષ કોંગ્રેસે ફરીથી સત્તામાં પાછા આવવા કમર કસી છે. ચૂંટણી પંચે હિમાચલમાં ચૂંટણીની જાહેરાત કરવા છતાં ગુજરાત વિધાનસભાનો ચૂંટણી કાર્યક્રમ જાહેર કર્યો નહોતો. 

ગુજરાતમાં સરકારનો કાર્યકાળ ૧૮મી ફેબુ્રઆરી ૨૦૨૩ના રોજ પૂરો થાય છે ત્યારે વડાપ્રધાન મોદીના વતનમાં પણ ચૂંટણીની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. ચૂંટણી પંચ આગામી કેટલાક દિવસોમાં વિશેષરૂપે દિવાળી પછીના સમયમાં ગુજરાતમાં પણ ચૂંટણીની જાહેરાત કરે તેવી સંભાવના છે.

હિમાચલ પ્રદેશમાં ૬૮ વિધાનસભા મતવિસ્તારોમાં ૫૫ લાખ મતદારો છે, જેમાં ૧.૮૬ લાખ મતદારો પહેલી વખત મતદાન કરશે જ્યારે ૧.૨૨ લાખ મતદારોની વય ૮૦થી વધુ છે અને ૧,૧૮૪ મતદારોની વય ૧૦૦થી વધુ વર્ષ છે. ચૂંટણી પંચે કહ્યું હતું કે રાજ્યમાં ૮૦થી વધુ વયના વૃદ્ધો અને દિવ્યાંગોને ઘરે બેઠાં મતદાન કરવાની સુવિધા અપાશે. હિમાચલ પ્રદેશમાં ૨૦૧૭માં ભાજપે ૪૪ બેઠકો પર વિજય મેળવીને બહુમતી મેળવી હતી જ્યારે કોંગ્રેસ ૨૧ બેઠકો પર ચૂંટણી જીતી શકી હતી. અપક્ષ ઉમેદવારોએ બે બેઠક અને સીપીઆઈ(એમ)એ એક બેઠક જીતી હતી.

રાજ્યમાં ભાજપ અને કોંગ્રેસ બંને મુખ્ય પક્ષોએ હજુ સુધી ઉમેદવારોની જાહેરાત નથી કરી. કોંગ્રેસમાં બેઠકોનો દોર ચાલુ છે તથા બેઠકો પરના ચહેરા લગભગ નક્કી થઈ ગયા છે. પરંતુ ભાજપ આ બાબતમાં હજુ શાંત છે, પરંતુ પ્રચારમાં ભાજપ ઘણો આગળ છે. કેન્દ્રીય મંત્રી રાજનાથ સિંહ, સ્મૃતિ ઈરાની, અનુરાગ ઠાકુર અનેક સભાઓ કરી ચૂક્યા છે. જેપી નડ્ડાએ પણ હિમાચલમાં મોરચો સંભાળ્યો છે. ભાજપના સ્ટાર પ્રચારક પીએમ મોદી પાંચ જિલ્લામાં પહોંચી ગયા છે. કોંગ્રેસમાં પક્ષનાં મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ શુક્રવારે સોલનથી પ્રચાર શરૂ કર્યો છે.

પક્ષોએ વચનો કેવી રીતે પૂરા થશે તે કહેવું પડશે

હિમાચલ પ્રદેશમાં વિધાનસભા ચૂંટણી જાહેર કરવાની સાથે ચૂંટણી પંચે શુક્રવારે અનેક આકરા નિયમોની પણ જાહેરાત કરી હતી. પંચે ચૂંટણી ઢંઢેરા અંગે કડકાઈથી કહ્યું છે કે બધા જ પક્ષોએ તેમના વચનો અંગે સ્પષ્ટતાથી જણાવવાનું રહેશે. મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે કહ્યું, પક્ષના ચૂંટણી ઢંઢેરા અંગે ચર્ચા-વિચારણા ચાલુ છે. કોઈપણ ચૂંટણી વચનો અંગે સ્પષ્ટ થવું જોઈએ કે તે કેવી રીતે વ્યવહારુ છે. પક્ષોએ જણાવવું પડશે કે તેમના ચૂંટણી વચનો કેવી રીતે પૂરા થશે. દેશમાં 'રેવડી'ઓ એટલે કે મફત સોગાતો અંગે ચર્ચા ચાલી રહી છે તેવામાં ચૂંટણી પંચના નિર્દેશો ઘણા મહત્વપૂર્ણ છે. આગામી વિધાનસભા ચૂંટણીના સંદર્ભમાં ચૂંટણી પંચે ફેક ન્યૂઝ અંગે પણ કડકાઈ દર્શાવી છે. સીઈસી રાજીવ કુમારે કહ્યું કે, પંચ સતત સોશિયલ મીડિયા પર નજર રાખશે અને કોઈપણ ફેક સમાચાર જણાતા તુરંત કાર્યવાહી કરાશે.