×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

હિમાચલમાં કોંગ્રેસને મોટો ઝટકો: 26 નેતા BJPમાં સામેલ થયા


- મુખ્યમંત્રી જયરામ ઠાકુર અને ભાજપના રાજ્ય ચૂંટણી પ્રભારી સુધન સિંહની હાજરીમાં કોંગ્રેસના નેતાઓ ભાજપમાં જોડાયા હતા

શિમલા, તા. 08 નવેમ્બર 2022, મંગળવાર

હિમાચલ પ્રદેશમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે. હિમાચલ પ્રદેશમાં રાજ્ય કોંગ્રેસ સમિતિના ભૂતપૂર્વ મહાસચિવ ધરમપાલ ઠાકુર ખંડ સહિત રાજ્યના ઘણા કોંગ્રેસના નેતાઓ અને સભ્યો સોમવારે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા હતા. હિમાચલ પ્રદેશમાં મતદાનના ચાર દિવસ અગાઉ કોંગ્રેસના કુલ 26 નેતાઓ સત્તાધારી પક્ષ ભાજપમાં જોડાયા છે.

વિધાનસભા ચૂંટણી પહેલા કોંગ્રેસના 26 નેતાઓનું ભાજપમાં જવું એ કોંગ્રેસ પાર્ટી માટે મોટો ઝટકો છે. મુખ્યમંત્રી જયરામ ઠાકુર અને ભાજપના રાજ્ય ચૂંટણી પ્રભારી સુધન સિંહની હાજરીમાં કોંગ્રેસના નેતાઓ ભાજપમાં જોડાયા હતા. આ અવસર પર શિમલાથી ભાજપના ઉમેદવાર સંજય સૂદ પણ હાજર રહ્યા હતા.

કોંગ્રેસ છોડીને ભાજપમાં સામેલ થનારા નેતાઓમાં પૂર્વ મહાસચિવ ધરમપાલ ઠાકુર, પૂર્વ સચિવ આકાશ સૈની, પૂર્વ કાઉન્સિલર રાજન ઠાકુર, પૂર્વ જિલ્લા ઉપાધ્યક્ષ અમિત મહેતા, મેહરસિંહ કંવર, યુથ કોંગ્રેસના રાહુલ નેગી, જય મા શક્તિ સામાજિક સંસ્થાનના પ્રમુખ જોગીન્દર ઠાકુર, નરેશ વર્મા, ચમયાના વોર્ડના સભ્ય યોગેન્દ્ર સિંહ, ટેક્સી યુનિયનના સભ્ય રાકેશ ચૌહાણ, ઈન્ડિયન નેશનલ ટ્રસ્ટ ફોર આર્ટ એન્ડ કલ્ચરલ હેરિટેજ શિમલાના પ્રમુખ ધર્મેન્દ્ર કુમાર, વીરેન્દ્ર શર્મા, રાહુલ રાવત, સોનુ શર્મા, અરુણ કુમાર, શિવમ કુમાર અને ગોપાલ ઠાકુર સામેલ છે.

એટલું જ નહીં, ચમન લાલ, જિલ્લા કોંગ્રેસ સમિતિના સચિવ દેવેન્દ્ર સિંહ, મહેન્દ્ર સિંહ, પૂર્વ યુથ કોંગ્રેસના મહાસચિવ મુનીશ મંડલા, બાલકૃષ્ણ બોબી, સુનીલ શર્મા, સુરેન્દ્ર ઠાકુર, સંદીપ સમતા અને રવિ પણ સોમવારે જ ભાજપમાં જોડાયા હતા. મુખ્યમંત્રી જયરામ ઠાકુરે આ તમામનું ભાજપમાં સ્વાગત કર્યું હતું. આ દરમિયાન તેમણે કહ્યું કે ચાલો આપણે સાથે મળીને ભાજપની ઐતિહાસિક જીત માટે કામ કરીએ.