×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

હિમાચલમાં કુદરત રૂઠી : વાદળ ફાટયું-ભૂસ્ખલન, 51નાં મોત


- ભૂસ્ખલનમાં આખુ કુટુંબ સાફ, સાતેય સભ્યોના મોત

- શિમલામાં ભંડારા સમયે મંદિર પર પહાડ ધસી પડતા દસનાં મોત અને હજી પણ કેટલાય ભક્તો દટાયા હોવાની શંકા

- હિમાચલમાં સ્વતંત્રતા દિનની ઉજવણી રદ્દ કરાઇ : એનડીઆરએફ રાહત કાર્યમાં તૈનાત

શિમલા : હિમાચલમાં આ વખતે કુદરત બરોબરની રુઠી છે. ભારે વરસાદ, ભૂસ્ખલન અને પૂરના લીધે એક જ દિવસમાં ૫૧ના મોત નીપજ્યા છે. તેની સાથે હિમાચલ પ્રદેશમાં અત્યાર સુધીમાં ભૂસ્ખલન, ભારે વરસાદ અને પૂરથી મૃત્યુ પામનારાઓનો આંકડો ૨૫૭ પર પહોંચી ગયો છે. આ ઉપરાંત હજી કેટલાય લોકો ગુમ છે. અત્યાર સુધીમાં રાજ્યને સાત હજોર કરોડથી વધુનું નુકસાન થઈ ચૂક્યું છે. 

હિમાચલ પ્રદેશમાં એક જ દિવસમાં ભૂસ્ખલનના બે બનાવમાં ૧૪ના મોત થયા હતા. ભારે વરસાદે હિમાચલ પ્રદેશમાં તબાહી મચાવી છે. રાજ્યમાં ભારે વરસાદ, તેના લીધે ભૂસ્ખલન અને પૂરની ઘટના એક સાથે બની છે. આવા જ એક ભૂસ્ખલનમાં મંદિર પર પહાડ ધસી જતા મંદિરમાં દર્શનાર્થે આવેલા દસથી વધુ શ્રદ્ધાળુઓના મોત થયા હતા. 

હિમાચલ પ્રદેશના એકલા મંડી જિલ્લામાં જ વરસાદ સાથે સંલગ્ન ઘટનાઓમાં ૧૯ના મોત થયા છે. શિમલાના સમરહિલ વિસ્તારના મંદિરમાં હજી પણ કેટલાય ભક્તો દટાયેલા હોવાની સંભાવના છે. રાજ્યની રાજધાની શિમલામાં ભારે વરસાદના લીધે ભૂસ્ખલનની બે ઘટના બની છે અને તેમા મૃત્યુઆંક હજી પણ વધવાની સંભાવના છે. ફગલી વિસ્તારમાં પાંચ દટાયેલા મૃતદેહો કાઢવામાં આવ્યા છે અને ૧૭ને બચાવાયા છે. મુખ્યપ્રધાન સુખદેવકુમારસિંહે જણાવ્યું હતું કે મંદિરના કાટમાળમાંથી નવ મૃતદેહો કાઢવામાં આવ્યા છે. આ સિવાય બીજા વિસ્તાર ફગલીમાં કેટલાય મકાનો કાદવના આવેલા પ્રવાહમાં દટાઈ ગયા છે. સોમવારે રાજ્યની બધી સ્કૂલો અને કોલેજો બંધ રાખવામાં આવી છે. સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર મુજબ હોનારતના લીધે રાજ્યમાં કુલ ૬૧૨ રોડ બંધ કરવામાં આવ્યા છે. 

હવામાન વિભાગે હજી પણ રાજ્યના ૧૨માંથી નવ જિલ્લામાં આગામી ૨૪ કલાકમાં ભારે વરસાદની આગાહી કરી છે. ફક્ત કુલ્લુ, કિન્નોર, લાહૌલ અને સ્પિતિમાં જ ભારે વરસાદની આગાહી નથી. સોલન જિલ્લાના જેડોન ગામમાં વાદળ ફાટવાના લીધે એક જ કુટુંબના સાત સભ્યો માર્યા ગયા હતા. વાદળ ફાટવાના લીધે સોલન જિલ્લામાં બે મકાનો વહી ગયા હતા. આ ઘટનામાં સાતના મોત થયા હતા જ્યારે બીજા છને બચાવી લેવામાં આવ્યા છે.

રવિવારે રાત્રે સેઘલી પંચાયતમાં ભૂસ્ખલનના ઘટનાના લીધે બે વર્ષના બાળક સહિત એક જ કુટુંબના સાત સભ્યોના મોત થયા હતા. જ્યારે ત્રણને બચાવી લેવાયા છે. પંડોહમાં સંભાલ નજીક છ મૃતદેહો મળી આવ્યા છે, હજી સુધી તેમની ઓળખ થઈ શકી નથી. આ ઉપરાંત ધરમપુર વિસ્તારમાં બે મોત થયા છે. આ સિવાય ભૂસ્ખલનના લીધે બલેરામાં કામચલાઉ મકાન તૂટી પડતા બે બાળકના મોત થયા છે. 

યુનેસ્કો વર્લ્ડ હેરિટેજમાં સ્થાન પામેલો શિમલા-કાલકા રેલ્વે બ્રિજ પણ નુકસાન પામ્યો છે. બ્રિજનો ૫૦ મીટરનો હિસ્સો ધોવાઈ જતાં તેના ટ્રેક હવામાં લટકી રહ્યા છે.એસડીઆરએફ, એનડીઆરએફ, આઇટીબીપી, સ્ટેટ પોલીસની સાથે લશ્કરના જવાનો પણ બચાવકાર્યમાં લાગેલા છે. શિમલાના ડેપ્યુટી કમિશ્નર આદિત્ય નેગીએ જણાવ્યું હતું કે બચાવકાર્ય ચાલુ છે અને શિમલામાં સમરહિલ અને ફગલી વિસ્તાર એમ બે સ્થળોએ થયેલા ભૂસ્ખલનમાં હજી પણ લોકો દટાયેલા હોવાની સંભાવના જોતાં મૃત્યુઆંક વધી શકે છે. ભૂસ્ખલનના લીધે વૃક્ષો ઉખડીને વીજ લાઇનો પર પડતા રાજધાનોનો અમુક વિસ્તાર વીજવિહોણો રહ્યો હતો. આ ઉપરાંત હમીરપુર જિલ્લામાં પણ ભારે વરસાદના લીધે ચારના મોત થયા હતા. જ્યારે બે જણા ગુમ છે. જિલ્લાના બધા રહેવાસીઓને ઘરમાં રહેવાની અને બહાર નીકળતા સાવધાની દાખવવાની અપીલ કરવામાં આવી છે. રાજ્યમાં અત્યાર સુધીમાં વાદળ ફાટવાના ૧૭૦ બનાવ બની ચૂક્યા છે અને તેમા ૯,૬૦૦ મકાનોને સંપૂર્ણ કે અંશત: નુકસાન થયું છે.