×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

હિજાબ વિવાદ મુદ્દે કેવુ વલણ અપનાવવુ તેને લઈને કોંગ્રેસમાં જ ભાગલા


કર્ણાટક, તા. 19. ફેબ્રુઆરી 2022 શનિવાર

કર્ણાટકમાં ચાલી રહેલા હિજાબ વિવાદને લઈને કયા પ્રકારનુ વલણ અપનાવવુ તે બાબતે કોંગ્રેસમાં આંતરિક મતભેદો સર્જાયા છે.

કર્ણાટક કોંગ્રેસના અધ્યક્ષ ડી કે શિવકુમાર તેમજ તેમના જૂથના નેતાઓ આ મુદ્દે સાવધાનીથી આગળ વધરવા માંગે છે જ્યારે પૂર્વ સીએમ સિધ્ધારમૈયા વિધાનસભામાં આ મુદ્દાને જોરશોરથી ઉઠાવવા માંગે છે.

જેના પગલે પાર્ટીના ધારાસભ્યોમાં પણ મૂંઝવણ છે અને તેના પગલે પાર્ટીના સિનિયર નેતાઓ દ્વારા હાઈકમાન્ડ સાથે એક બેઠક યોજવામાં આવી હતી.જેમાં નિર્ણય લેવાયો હતો કે, હાલમાં ભાજપના નેતાઓ દ્વારા જે વિવાદિત નિવેદનો અપાયા છે તેને ટાર્ગેટ કરવામાં આવે.બીજી તરફ સ્કૂલો અને કોલેજો ખુલી ગઈ છે ત્યારે તેના પર નરમ વલણ અપનાવવામાં આવે.

સિધ્ધારમૈયાએ પણ આ બેઠક બાદ સ્વીકાર્યુ હતુ કે, હિજાબ મુદ્દે પાર્ટીનુ વલણ સ્પષ્ટ નથી.જોકે પાર્ટી હંમેશા લઘુમતી સમુદાય સાથે રહી છે અને અમે તેમનુ સન્માન કરીએ છે.બિનસાંપ્રદાયિકતા જળવાઈ રહે તે અમારી જવાબદારી છે.

બેઠકમાં સામેલ એક નેતાએ નામ નહીં આપવાની શરતે એક ન્યૂઝ ચેનલને કહ્યુ હતુ કે, હાઈકમાન્ડે સૂચના આપી છે કે, ભાજપને આ મુદ્દાનો ફાયદો ઉઠાવવાની તક ના મળે તે માટે કોંગ્રેસ સાવધાનીથી આગળ વધે.ખાસ કરીને આ મામલો હાઈકોર્ટમાં પેન્ડિંગ છે તે મુદ્દાને ઉઠાવવાની જરુર છે.

જોકે એવુ કહેવાઈ રહ્યુ છે કે, હાઈકમાન્ડના વલણથી સિધ્ધારમૈયા નારાજ છે.કારણકે ડી કે શિવકુમાર પોતાની વાત સમજાવવામાં સફળ રહ્યા હતા.કોંગ્રેસે ભાજપના નેતાઓએ જે નિવેદનો આપ્યા છે તેના પર ફોકસ કરવા માટે નક્કી કર્યુ છે.

જેમ કે ભાજપના એક નેતાએ નિવેદન આપ્યુ હતુ કે, ભવિષ્યમાં ભગવો ધ્વજ રાષ્ટ્ર ધ્વજ બની શકે છે અને તેના પર ભારે હંગામો પણ થયો હતો.

કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ ડી કે શિવકુમારની મૂંઝવણ એવી છે કે, જો હિજાબ મુદ્દે જો નરમ વલણ અપનાવાય તો મુસ્લિમ મતદારો સોશિયલ ડેમોક્રેટિક પાર્ટી ઓફ ઈન્ડિયા તરફ જતા રહેશે અને હિજાબની તરફેણ કરવામાં આવે તો હિન્દુ મતદારો ભાજપ તરફ જશે.જેના કારણે કોંગ્રેસ માટે સંતુલિત વલણ જાળવવુ મુશ્કેલ બની રહ્યુ છે.