×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

હિજાબ વિવાદમાં સુપ્રીમનો ખંડિત ચૂકાદો, કેસ મોટી બેન્ચને ટ્રાન્સફર


નવી દિલ્હી, તા.૧૩

કર્ણાટકની શૈક્ષણિક સંસ્થાઓમાં હિજાબ પહેરવા મુદ્દે સુપ્રીમ કોર્ટમાં મંગળવારે ખંડિત ચૂકાદો આવ્યો છે. આથી આ કેસ મોટી બેન્ચમાં ટ્રાન્સફર કરાયો છે. હવે મુખ્ય ન્યાયાધીશના અધ્યક્ષપદે મોટી બેન્ચ તેનો નિર્ણય કરશે. આ કેસમાં ન્યાયાધીશ હેમંત ગુપ્તા અને સુધાંશુ ધુલિયાની બેન્ચે અલગ અલગ ચૂકાદા આપ્યા છે. ન્યાયાધીશ હેમંત ગુપ્તાએ સ્કૂલોમાં હિજાબ પર પ્રતિબંધ મૂકવાનો કર્ણાટક હાઈકોર્ટનો ચૂકાદો જાળવી રાખ્યો છે. બીજીબાજુ ન્યાયાધીશ સુધાંશુ ધૂલિયાએ હાઈકોર્ટના ચૂકાદાને નકારી કાઢ્યો છે.

કર્ણાટકમાં શૈક્ષણિક સંસ્થાઓની અંદર હિજાબ પહેરવા મુદ્દે સુપ્રીમ કોર્ટે સતત ૧૦ દિવસ સુધી બંને પક્ષોની દલીલો સાંભળ્યા પછી ૨૨મી સપ્ટેમ્બરે ચૂકાદો અનામત રાખ્યો હતો. સુપ્રીમ બે ન્યાયાધીશોની બેન્ચે મંગળવારે આ કેસમાં ચુકાદો આપ્યો હતો. જોકે, બંને નેતાઓના ચૂકાદા અલગ અલગ આવ્યા છે. સુપ્રીમ કોર્ટની બે ન્યાયાધીશોની બેન્ચના ખંડિત ચુકાદાના કારણે કર્ણાટકની શૈક્ષણિક સંસ્થાઓમાં હિજાબ પહેરવા પર પ્રતિબંધ મૂકતો કર્ણાટક હાઈકોર્ટનો ચૂકાદો યથાવત્ રહેશે. આ કેસ હવે મોટી બેન્ચને ટ્રાન્સફર કરાયો છે ત્યારે રાજ્ય સરકાર મોટી બેન્ચના ચૂકાદાની રાહ જોશે તેમ કર્ણાટકના પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ મંત્રી બીસી નાગેશે ગુરુવારે જણાવ્યું હતું.

ન્યાયાધીશ હેમંત ગુપ્તાએ તેમના ૧૩૩ પાનાના ચૂકાદામાં કર્ણાટક હાઈકોર્ટના ચૂકાદા વિરુદ્ધ દાખલ બધી જ ૨૬ અરજીઓ ફગાવી દીધી હતી. ન્યાયાધીશ ગુપ્તાએ કહ્યું કે, મેં મારા આદેશમાં ૧૧ સવાલો તૈયાર કર્યા છે. પેહલા તો એ છે કે શું આ અપીલ બંધારણીય બેન્ચ પાસે મોકલવી જોઈએ? તેમણે બંધારણની કલમ ૨૫ અને કલમ ૧૯(૧)ને ટાંક્યા. 

તેમણે કમલ ૧૯(૧)(એ) હેઠળ અભિવ્યક્તિની સ્વતંત્રતાના મૌલિક અધિકાર અને કલમ ૨૧ હેઠળ પ્રાઈવસીના અધિકારને એકબીજાથી અલગ માન્યા છે. તેમણે ઉમેર્યું કે હિજાબ પહેરવો ઈસ્લામનું આવશ્યક અંગ નથી અને કર્ણાટક સરકારનો આ આદેશ શૈક્ષણિક સંસ્થાઓ સુધીની પહોંચના આશયને પૂરો કરે છે.

બીજીબાજુ ન્યાયાધીશ સુધાંશુ ધુલિયાએ  તેમના ૭૩ પાનાના ચૂકાદામાં કર્ણાટક હાઈકોર્ટના ચૂકાદાને ખોટો ગણાવ્યો હતો. તેમણે કહ્યું કે હિજાબ પહેરવો કે ન પહેરવો તે પસંદની બાબત છે. છોકરીઓને વિશેષરૂપે ગ્રામીણ અને અર્ધશહેરી વિસ્તારોમાં શિક્ષણ મળે તે ખૂબ જ જરૂરી છે. શૈક્ષણિક સંસ્થાઓમાં હિજાબના વિવાદના સમાધાન માટે ધાર્મિક પ્રથાઓનો મુદ્દો જરૂરી નહોતો. કર્ણાટક હાઈકોર્ટે ખોટી દિશામાં ચૂકાદો આપ્યો છે. તે કલમ ૧૫ અંગે હતો. ન્યાયાધીશ ધુલિયાએ સ્કૂલોમાં હિજાબ પરથી પ્રતિબંધ હટાવવા અંગે ચૂકાદો આપ્યો હતો. તેમણે ઉમેર્યું કે, આ ચૂકાદો આપતી વખતે તેમના મનમાં સૌથી મહત્વનો સવાલ છોકરીઓના શિક્ષણનો હતો. તેમણે કહ્યું કે શું આપણે તેમના જીવનને વધુ સારું બનાવી રહ્યા છીએ? હવે આ કેસ સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ પાસે ગયો છે. આ કેસ ત્રણ અથવા પાંચ જજોની બેન્ચને મોકલાશે. મુખ્ય ન્યાયાધીશ આ કેસ માટે નવી બેન્ચની રચના કરવી કે મોટી બેન્ચને મોકલવો તેનો નિર્ણય કરશે. 

કર્ણાટક હાઈકોર્ટે ૧૫મી માર્ચે રાજ્યના ઉડુપીમાં સરકારી પ્રી-યુનિવર્સિટી ગર્લ્સ કોલેજની મુસ્લિમ વિદ્યાર્થિનીઓની ક્લાસરૂમમાં હિજાબ પહેરવાની મંજૂરી માગતી અરજી ફગાવી દીધી હતી અને ક્લાસરૂમમાં હિજાબ પહેરવા પર પ્રતિબંધ મુકી દીધો હતો.