×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

હિજાબ અંગે આ અભિનેત્રીએ પોતાના વિચાર રજૂ કર્યા


- ઝાયરાએ એમ પણ કહ્યું કે, આ બધું 'સશક્તિકરણ'ના નામ પર કરવામાં આવી રહ્યું છે તે ખૂબ દુખદ છે

મુંબઈ, તા. 20 ફેબ્રુઆરી, 2022, રવિવાર

કર્ણાટકમાં ચાલી રહેલા હિજાબ વિવાદ મામલે કંગના રનૌતથી લઈને જાવેદ અખ્તર સુધીની અનેક હસ્તિઓએ પોતાના વિચારો વ્યક્ત કર્યા છે. ત્યારે હવે આ જ કડીમાં પ્રિયંકા ચોપરાની ફિલ્મ 'ધ સ્કાય ઈઝ પિંક'માં અંતિમ વખત જોવા મળેલી અભિનેત્રી ઝાયરા વસીમે પણ પોસ્ટ કરી છે. 

અભિનેત્રીએ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર કર્ણાટકની શાળાઓ અને કોલેજીસમાં હિજાબ પર પ્રતિબંધની નિંદા કરીને એક લાંબી નોટ શેર કરી છે. ઝાયરાએ હિજાબને ભગવાન માટેનું એક દાયિત્વ બતાવતા કહ્યું કે, 'હું એક મહિલા તરીકે, જે કૃતજ્ઞતા અને વિનમ્રતા સાથે હિજાબ પહેરે છે, આ સમગ્ર વ્યવસ્થાનો વિરોધ કરૂં છું, જ્યાં મહિલાઓને ફક્ત એક ધાર્મિક પ્રતિબદ્ધતા પૂરી કરવા માટે રોકવામાં અને પરેશાન કરવામાં આવી રહી છે.'


ઉલ્લેખનીય છે કે, ઝાયરાએ 2019માં બોલિવુડ છોડી દીધું હતું. જોકે હવે ધીમે-ધીમે તે ઈન્સ્ટાગ્રામ પર કમબેક કરી રહી છે. તાજેતરમાં તેણે એક પોસ્ટમાં કર્ણાટક હિજાબ વિવાદ મુદ્દે વાત કરી હતી. ઝાયરાએ ઈન્સ્ટાગ્રામ પર એક લાંબી, વિસ્તૃત નોટ શેર કરી હતી જેમાં તેણે હિજાબ પર પ્રતિબંધ અને કર્ણાટકમાં અનેક વિદ્યાર્થીનીઓને થતા ઉત્પીડનની ટીકા કરી હતી. 

ઝાયરાએ લખ્યું હતું કે, 'હિજાબ પહેરવો એક વિકલ્પ છે, આ વિચારસરણી ખોટી છે. સુવિધા કે અજ્ઞાનતાના કારણે આવી વિચારસરણી બની છે. ઈસ્લામમાં હિજાબ એક વિકલ્પ નહીં પણ દાયિત્વ છે. અલ્લાહ, જેને તે પ્રેમ કરે છે અને જેને તે પોતાની જાત સોંપી ચુકી છે, તેના દ્વારા આપવામાં આવેલા એક દાયિત્વને પૂરૂ કરવા મહિલાઓ હિજાબ પહેરે છે.'

વધુમાં લખ્યું હતું કે, 'એક મહિલા તરીકે હું કૃતજ્ઞતા અને વિનમ્રતા સાથે હિજાબ પહેરૂં છું. હું આ સમગ્ર વ્યવસ્થાનો વિરોધ કરૂં છું જ્યાં મહિલાઓને ફક્ત એક ધાર્મિક પ્રતિબદ્ધતા માટે રોકવામાં અને પરેશાન કરવામાં આવી રહી છે.'

મુસ્લિમ મહિલાઓ માટે શિક્ષણ અને હિજાબ વચ્ચે પસંદગી કરવી અન્યાયપૂર્ણ છે તેમ કહેતા ઝાયરાએ લખ્યું હતું કે, 'મુસ્લિમ મહિલાઓ વિરૂદ્ધનો આ પૂર્વગ્રહ અને એવી વ્યવસ્થા સ્થાપિત કરવી જ્યાં તેમણે શિક્ષણ અને હિજાબ વચ્ચે નિર્ણય લેવો પડે કે છોડી દેવું પડે તે એક પૂર્ણ અન્યાય છે. તમે તેને એક ખૂબ વિશિષ્ટ વિકલ્પ બનાવવા મજબૂર કરવાનો પ્રયત્ન કરી રહ્યા છો.'

ઝાયરાએ એમ પણ કહ્યું કે, આ બધું 'સશક્તિકરણ'ના નામ પર કરવામાં આવી રહ્યું છે તે ખૂબ દુખદ છે. આ બધાથી ઉપર એક મહોરા તરીકે કે આ બધું સશક્તિકરણના નામે કરવામાં આવે છે, તે વધુ ખરાબ વાત છે અને સ્થિતિ તેનાથી તદ્દન વિપરિત છે એ દુખની વાત છે.